“કાલે રાત્રે અમે બહાર જવા માટે કેબ બોલાવી. અમે કેબમાં જવા માટે નીચે ઉતર્યા અને જોયું તો અમારી સામે વાળાનો ડ્રાઈવર કેબના ડ્રાયવર સાથે કંઈક વાત કરતો હતો. અમે કેબમાં બેઠાં કે થોડીવારમાં કેબના ડ્રાઈવરે એના ફોનથી મારી દીકરી જે બરાબર તેની પાછળ બેઠી હતી તેની સાથે સેલ્ફી લેવા ટ્રાય કરી. જોકે મેં એ ડીલીટ કરાવી દીધું. પણ એણે જણાવ્યું કે સામેવાળાના ડ્રાઇવરે એને આવું કરવા પ્રેરણા આપી હતી.” આ વિષયમાં ત્રણ સમસ્યા દેખાય છે.
એક ડ્રાઈવર જેને કોઈ જ લેવાદેવા વિના અન્યને રંજાડવામાં મજા આવે છે. બીજો કેબ ડ્રાયવર જે અજાણ્યાં માણસની ચઢવણીમાં આવી પોતાનું જ ખરાબ થાય તેવું કરવા પ્રેરાય છે. ત્રીજું એક પરિવાર જે આ ઘટના પછી દરેકને શંકાની નજરે જોઈ શકે છે. પંચાત, કાચાકાનના હોવું અને ભય આ ત્રણેય નકારાત્મક બાબતો છે. પહેલા વાત પહેલી સમસ્યાની કરીએ. જયારે પુરુષ અગ્નિમાં રહેતો હોય અને અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિને પંચાત કરવામાં રસ જાગે છે. પેલો જે માણસ હતો તેના ઘરમાં આ ઉપરાંત પૂર્વનો અક્ષ પણ નકારાત્મક હતો. તેથી તેને અન્યને દુખી જોવામાં વધારે રસ પડે. તેના માટે આ એક સામાન્ય બાબત જ હોય પરંતુ તેના પ્રત્યાઘાતો ખુબ નકારાત્મક આવે. વળી આ સ્વભાવ પણ નકારાત્મક છે જ. જો આ ઉપરાંત પશ્ચિમનો પણ દોષ હોય તો પેલા માણસને માર પણ પડી શકે. તેથી જ જો આવો સ્વભાવ હોય તો તુરંતજ હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માટે વિચાર કરવો જોઈએ.
હવે આ ઘટનાનું બીજું પાસું. એ માણસે માત્ર કોઈના કહેવાથી આ કાર્ય કર્યું? જવાબ ના હોઈ શકે. કારણકે તેને પણ આવું કરવાની ઈચ્છા થઇ. કોઈ ખોટી વાત સમજાવે અને તેનો અમલ કરવાની ઈચ્છા થાય તે પણ નકારાત્મક બાબત ગણાય જ. જયારે વ્યક્તિ નૈરુત્ય તરફ માથું રાખીને સુતી હોય ત્યારે તેના મનમાં વિકાર આવવાની શક્યતા વધે છે. એમાં પણ જો નૈરુત્યના ત્રણેય અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિ આવા સંજોગોમાં પોતાના કાર્યથી ઉદ્ભવનારા સંજોગોનો વિચાર કર્યા વિના નિર્ણય લઇ અને એવું કામ કરે છે જે તેના માટે નુકશાનકારક હોઈ શકે. જો આવા મકાનમાં વાયવ્યનો દોષ હોય તો કાયદાકીય તકલીફો પણ આવી શકે. કેટલીક સામાન્ય લગતી બાબતો જીવનમાં વિવિધ સમસ્યાઓ લાવી શકે છે.
હવે આપણી વાતના ત્રીજા પાસાનો વિચાર કરીએ. જે એક સામાન્ય લાગતી ઘટનાના અસામન્ય પરિણામથી ભયભીત થઇ ગયો છે. અને હવે દરેક નાની નાની બાબતોને શકની નજરે જોઈ રહ્યો છે. જો સમાજમાં દરેક પરિવાર આવી ઘટનાથી ડરી જાય તો આંતરિક વિશ્વાસ ઓછો થવાથી સમાજના બંધારણ પર અસર પડી શકે. જયારે ઈશાનના બંને અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય અને વાયવ્યનો મોટો દોષ હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.પણ જો આ સ્થાન
હકારાત્મક હોય તો તે જગ્યાએ રહેતી વ્યક્તિ આત્મવિશ્વાસ સભર હોય છે. તેઓ એકાદ ઘટનાને કોઈ નિયમ બનાવવાના બદલે તેના સોલ્યુશન તરફ જવા પ્રયત્ન કરે છે. આવી જ રીતે બીજા નંબરના પત્રનો ફરી વિચાર કરીએ. જો તે નૈરુત્યના બદલે દક્ષીણ તરફ માથું રાખીને સુવે તો તેના મનો વિકારો ને તે સમજી શકશે. તે માત્ર કોઈની વાતમાં આવી અને ઉત્તેજિત થઈને નિર્ણય લેવા નહી પ્રેરાય. વળી તેના ઘરમાં નૈરુત્યના ત્રણેય અક્ષ હકારાત્મક હશે તો તે વ્યક્તિ ઠરેલ સ્વભાવની હશે. તેના નિર્ણયો સરાહનીય હોય. બની શકે કે તેને કેબ ચલાવવાના બદલે પોતાનું કોઈ સાહસ કરી અને પોતાનો જ વ્યવસાય કરવાની ઈચ્છા થાય. તો તે વ્યક્તિ આ સમગ્ર વાર્તામાં પાત્ર જ ન હોય. હવે સમગ્ર ઘટનાને અન્ય રીતે વિચારીએ.
એક પરિવાર બહાર જવા માટે કેબ બોલાવે છે. કેબની બાજુમાં એક ડ્રાયવર છે જે પોતાના શેઠની ગાડીમાં શાંતિથી બેઠો છે. પરિવાર કેબમાં બેસીને પોતાની નિર્ધારિત જગ્યાએ શાંતિથી પહોંચી જાય છે. કેટલી સરસ વાત લાગે છે? હવે માનો કે પેલો પહેલો ડ્રાયવર કેબના ડ્રાયવર સાથે વાત કરવા પ્રયત્ન કરે છે. તો પણ હકારાત્મક ઊર્જાના પ્રભાવમાં પેલો માણસ તેની વાતમાં આવવાના બદલે તેને શાંતિથી ત્યાંથી ખસેડી દેશે. તેને પોતાના સારા નરસાનું પુરતું ભાન હશે અને સાથે સાથે આવા વિચિત્ર માણસોને કેવી રીતે પોતાનાથી દૂર કરવા તેની આવડત પણ હશે. ભારતીય વાસ્તુ નિયમો સ્વ થી સમાજને હકારાત્મક બનાવવા સક્ષમ છે.