ભૌતિકતાનો વિકાસ થાય તો સુખ આવે તેના પર પ્રશ્નાર્થ થઇ શકે. માત્ર મોટા ઘરમાં જ સુખ હોય તે માન્યતા ખોટી છે. ઘરમાં સુખી થવાના નિયમો મળે છે વાસ્તુ શાસ્ત્ર થકી. આજે અાપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે મકાન લંબચોરસ અને ચોરસનો સમન્વય છે. કારણ કે તેમાં ઉત્તર તરફનો ભાગ બહાર છે. જેના કારણે તણાવ રહે. કન્ફયુસનવાળો સ્વભાવ રહે. વળી આ જગ્યાએ દાદરો આવેલો છે તેથી હૃદયને તકલીફ પડે તેવા સંજોગો ઉદભવે અને આર્થિક ચિંતા પણ રહે.આ પ્લાન પ્રમાણેના ઘરમાં અજંપાવાળું વાતાવરણ રહે. ઘર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ખુલ્લી જગ્યા, સેમી કવર્ડ અને કવર્ડ બિલ્ડીંગ. ખુલ્લી જગ્યાએ દાદરો છે, પછી પૂર્વનો આખો ભાગ સેમી કવર્ડ છે. આ વ્યવસ્થા આત્મસન્માન માટે સારી ગણાય. અહીં રહેતી વ્યક્તિ ગર્વિષ્ઠ હોય અને નીતિમત્તાને મહત્વ આપતી હોય. દાદરાની સ્થિતિના લીધે ક્યારેક માનહાનિ થઇ શકે. સેમીકવર્ડ જગ્યાએ જવા માટેનું દ્વાર ઉત્તરી ઈશાનમાંથી છે. જેના કારણે જેના પર સંપૂર્ણ ભરોસો હોય તેવી વ્યક્તિ કદાચ પીઠ પાછળ અલગ લાગણી દેખાડી નુકસાન કરી શકે. કવર્ડ જગ્યા લંબચોરસ છે. જેમાં ઈશાન પૂર્વનો ભાગ બહાર આવે છે અને ત્યાં ટોયલેટ આવેલું છે. આના કારણે લોહીના દબાણને લીધે ઉદભવતી સમસ્યા ઉપરાંત નારીને અસંતોષ થાય તેવી તકલીફ આવી શકે. તેથી ઘરની સ્ત્રીનો સ્વભાવ ચિડચીડીઓ થઇ જાય. એકંદરે ઘરનું વાતાવરણ નકારાત્મક થતું જાય અને પુરુષનો આત્મવિશ્વાસ ઘટે.
પૂર્વમાં બારીઓ વધારે છે તે સારું ગણાય પરંતુ દક્ષિણમાં વધારે ઓપનિંગ તણાવ આપે. ચિંતા રહે. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ મધ્યમાં છે. જેના કારણે ઘરના બધાજ સભ્ય એક સાથે હોય તેવા સંજોગો ઓછા રહે. સમગ્ર મકાનના સંદર્ભમાં આ દ્વાર બ્રહ્મમાં પૂર્વ તરફ ખુલે છે, જેના પરિણામ સ્વરૂપ આત્મવિશ્વાસ ઓછો રહે. ઘરમાં આવવાનું મન ઓછું થાય. બેઠક રૂમ એ જ બેડરૂમ છે. આ જગ્યાએ બેડરૂમ હોઈ શકે બેઠક રૂમ નહીં. ઉગ્રતા રહે. સુવાની વ્યવસ્થા યોગ્ય નથી. જે આ સ્થિતિમાં વધારો કરે. ક્રોસ વેન્ટિલેસન મળે છે, જે સારી સ્થિતિ ગણાય. રસોઈઘર વાયવ્યમાં હોઈ શકે. અહીં રસોઈની દિશા યોગ્ય નથી. આ મકાનમાં યા તો ઘરની નારી નિર્ણય લેવામાં મદદ કરતી હોય યા તે આર્થિક પરિસ્થિતિ સાચવવામાં મદદરૂપ થતી હોય. ઘરને સંપૂર્ણ રીતે વિચારીએ તો મુખ્યત્વે નારીને તન, મન ધન ની ચિંતા રહે અને પુરુષને આત્મવિશ્વાસ ઓછો થતા ઉદભવતી સમસ્યાઓનો સામનો કરવો પડે. કદાચ માનહાની યા તો ન ગમતું વાતાવરણ ઉભું થાય, પરંતુ તેના કારણે ઘર છોડી થોડું જ દેવાય? ભારતીય વાસ્તુમાં આ સમસ્યાઓનું નિરાકરણ છે.આ જ જગ્યાએ સુખી થવા માટે સર્વ પ્રથમતો સૂચન પછીના નકસા પ્રમાણેની રચના કરવી જરૂરી છે. આચાર્ય વરાહમિહિરના મત મુજબ વધારે પડતી તોડફોડ કોઈ પણ વાસ્તુ માટે નુકસાનકારક છે. અહીં ઈશાનમાં સાત તુલસી, ટોયલેટ પાસે પાંચ તુલસી અને પાંચ હજારી, પૂર્વ અગ્નિમાં બે ચંદન અને પશ્ચિમ નૈઋત્યમાં સેવન વાવવા જરૂરી છે. ઘરમાં ગુગલનો ધૂપ ફેરવવો. ટોયલેટના દરવાજા પર ચાંદીનો તાર લગાવવો. સૂર્યને જળ ચડાવવું. વડીલોને સન્માન આપવું અને સવારે વહેલા ઉઠવું. પાણીયારા પર ઉભી વાટનો ઘીનો દીવો કરવો. બેસતા મહિને કીડિયારું પૂરવું.
જ્યાં હકારાત્મક ઊર્જા છે, ત્યાં ઘરની પ્રતીતિ થાય છે.