ભવ્ય લાગતું ઘર ઊર્જાવિહોણું ને સામાન્ય લાગતું ઘર ઊર્જાવંત હોઈ શકે

કાશ માં વાદળ આવે ત્યારે સૂરજ નથી દેખાતો. પરંતુ તેના કારણે સૂર્યનું અસ્તિત્વ જ નથી તેવું ન કહી શકાય. જે તે સમયે આપણી સૂર્યને જોવાની ક્ષમતા ઓછી ગણી શકાય. તેવી જ રીતે બાહ્ય આવરણોથી માણસના ગુણ ન દેખાય તો પણ ગુણી માણસના ગુણ તો હોય જ છે. આવું જ ઘરની બાબતમાં પણ કહી શકાય. ઘણી વાર ભવ્ય લાગતા ઘરમાં ઊર્જા ન હોય અને સામાન્ય લાગતું ઘર ઊર્જાસભર હોય.આજે આપણે જેકી ભાઈના ઘરનો અભ્યાસ કરીએ. લંબચોરસ આકારના પ્લોટમાં લંબચોરસ મકાન છે. ત્રણ દિશાઓ કોમન છે અને માત્ર પશ્ચિમ દિશા ખુલ્લી છે. તેમાં પણ વાયવ્યનો ભાગ બાંધકામમાં લેવાયેલો છે. તેના કારણે ઘરમાં અજંપાનું વાતાવરણ રહે. પૂરતું માનસન્માન ન મળતું હોય તેવી લાગણી થાય. બાળકોની ચિંતા રહે અને પડવા આખડવાની ઘટના થયા કરે. કારણ વગરનો તણાવ રહે અને અકળામણ થયા કરે. ઘરનું મુખ્ય દ્વાર પશ્ચિમ મધ્યના પદનું છે. તેથી ધાર્યા પરિણામો ન મળતા હોય તેવું લાગે. વાયવ્યમાં ટોયલેટ છે. તેથી પેટ અથવા શ્વસનને લગતી બીમારી આવે. ડ્રોઈંગ રૂમ પશ્ચિમથી નૈઋત્ય સુધી છે. જેના કારણે ઉગ્રતા રહે. બેઠક વ્યવસ્થા યોગ્ય છે તેથી પ્રમાણ ઘટે. રસોઈ ઘર વાયવ્યમાં હોય તો બરાબર ગણાય પરંતુ પશ્ચિમ મુખી રસોઈની વ્યવસ્થાના લીધે રસોઈનો સ્વાદ બદલાય કરે અને તેના કારણે અસંતોષ રહે. બ્રહ્મના દરવાજા ખુલે છે તે ઘરની ઊર્જા માટે યોગ્ય ન ગણાય. ઈશાનના રૂમ માં ઉત્તરમાં ઉત્તર મુખી પૂજા યોગ્ય નથી તેના કારણે કોઈ નો સ્વભાવ ભૌતિકતાવાદી બની જાય. આ જ રૂમમાં ઉત્તરમાં માથું રાખીને સૂવાની વ્યવસ્થા પણ તણાવનું કારણ બને. પૂર્વની દીવાલ પર પશ્ચિમ તરફ ખુલતી તિજોરીમાં પૈસા ન ટકે. તેથી બચત ઘટે.ઈશાનમાં ટેલિવિઝનના બદલે મંદિર હોય તો યોગ્ય ગણાય.અગ્નિના રૂમમાં યુગલ રહેતું હોય તો એક બીજા વિના ચાલે નહીં અને એક બીજા સાથે ફાવે અહીં જેવો સંબંધ કહી શકાય. આ રૂમમાં પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી ઊંઘ પુરી થયાનો સંતોષ ન થાય. વળી આ રૂમના ઈશાનમાં ટેલિવિઝન છે અને અગ્નિમાં પશ્ચિમ તરફ ખુલતી તિજોરી છે. આના કારણે પૈસા નો આનંદ ઓછો લઇ શકાય. ક્યારેક હિસાબ ન મળતો હોય તેવી લાગણી પણ થાય. જીવન ના પાંચે પાંચ પાસા ને લગતી સમસ્યાથી મન હતાશ થાય પણ ગભરાવાની જરૂર નથી કારણકે ભારતીય સિદ્ધાંતો માનવ જાતિને મદદ કરવા માટે જ રચાયા છે. આજ મકાનને ઊર્જાવાન બનાવવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી દેવી જોઈએ. ત્યારબાદ ઈશાનના બેડરૂમમાં  પૂર્વની દીવાલ પર લેમનયેલ્લો કલર, રસોડામાં પશ્ચિમની દીવાલ પર નેવીબ્લૂ અને સફેદ , ડ્રોઇંગરૂમની પશ્ચિમની દીવાલ પર આછો વાદળી અને અગ્નિના બેડરૂમની પૂર્વની દીવાલ પર પેસ્ટલ યેલ્લો કલર લગાવી દેવો. સવારે સૂર્યને જળ ચડાવવું. પ્લોટના દ્વારની બંને બાજુ પુત્રંજીવાના છોડ વાવવા. ઘરમાં ગુગલ મટ્ટીપલનો ધૂપ કરવો. નવકાર મંત્ર અથવા મહામૃત્યુન્જય મંત્ર કરવા. બુધવારે મગ ખાવા અને શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક કરવો.

ભ્રમણા:

મકાન જેટલું મોટું તેટલું સુખ વધારે.

સત્ય:

મકાનનું માપ અને આકાર કરતા તેની અંદરની ઊર્જા વધારે અગત્યની છે. નાના મકાનમાં પણ જો ઊર્જા વધારે સારી હોય તો માણસો સુખી વધારે હોય છે.