ધનઃ બુદ્ધિશાળી, સ્પષ્ટ અને લક્ષ્ય વેધતી રાશિ

ન રાશિએ કાળચક્રમાં નવમી રાશિ છે, ધન રાશિનો માલિક ગ્રહ ગુરુ છે. ધન રાશિ એ અગ્નિતત્વ અને દ્વિસ્વભાવ રાશિ છે. આ રાશિના જાતકો સાહસ અને આત્મવિશ્વાસથી ભરપુર હોય છે, તેમના સાહસ પાછળ તેમની સ્પષ્ટ વિચારધારા તમે જોઈ શકો છો. આ રાશિના જાતકો ક્યારેય આંધળું સાહસ કરતા નથી, તેમાં દ્વિસ્વભાવ ગુણ હોઈ, તેઓ દરેક પરિસ્થિતિને લાભમાં કઈ રીતે ફેરવવી તેને ખૂબ સારી રીતે જાણે છે. તેઓ સત્ય જાણતાં હોય છે છતાં તેઓ પરિસ્થિતિને અનુરૂપ થઈને સમય મુજબ જ વ્યવહાર કરે છે તે તેમની ખૂબી છે. ધન રાશિના જાતકો કોઈને શત્રુ તરીકે મળે તો તેમણે તેમનાથી ચોક્કસ સજાગ રહેવું જોઈએ, સામ દામ દંડ ભેદની નીતિ ધન રાશિના જાતકો સારી રીતે જાણે છે. જ્યોતિષીઓને એવો અનુભવ છે કે, ધન રાશિ જયારે લડાઈમાં ઉતરે ત્યારે દુશ્મન કા દુશ્મન અપના દોસ્ત જેવી વિચારધારા પણ અપનાવી લે છે. આ રાશિના જાતકોને ધર્મ અને આસ્થાના વિષયો ખૂબ આકર્ષે છે, તેઓ ધર્મ બાબતે સંવેદનશીલ હોય છે. બાંધછોડ કર્યા વિના ધર્મને વળગી રહેવું તેમને પસંદ છે. અનુભવે જોયું છે કે તેઓ પોતાના વડવાઓ પ્રત્યે ખૂબ માનની ભાવના ધરાવતા હોય છે તેઓ તેમના વડીલોનો પડ્યો બોલ ઝીલે છે.ધન રાશિના જાતકો સાહસવીર તો છે, આ સ્વભાવ તેમને રમતગમતમાં પણ ખૂબ આગળ લઇ જાય છે. તેઓ પોતાની શારીરિક તંદુરસ્તી માટે હમેશાં સજાગ રહે છે. નબળું શરીર તેમને પસંદ નથી, થોડીક પણ શારીરિક નબળાઈ તેમને વિચલિત કરી મૂકે છે. સતત પોતાના લક્ષ્ય પાછળ લાગ્યા રહેવું અને સિદ્ધિ ના મળે ત્યાં સુધી બાકી બધું નકામું છે તે તેમની દૃઢ માન્યતા છે. પશ્ચિમ જગતના જ્યોતિષીઓએ આ રાશિને સીધી વાત કહેનારી અને બુદ્ધિશાળી હોઈ અન્ય પર જલદી વિશ્વાસ ના મૂકનારી કહી છે. ધન રાશિના જાતકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયોમાં પણ ઊંડી રૂચી જોવા મળે છે, તેઓ જે તદ્દન નવું છે તેનું આકર્ષણ રાખે છે. તેઓ સારી રીતે સમજે છે કે જરૂરિયાત પ્રમાણે સાધનો પણ બદલવા જોઈએ, જયારે મોટી કંપનીમાં ધન રાશિના જાતકો ઉપરીઅધિકારી તરીકે સંચાલન કરતા હોય ત્યારે તે કંપનીમાં નિશ્ચિત રીતે પ્રગતિ અને નવીનતા જોવા મળે જ છે.

ધન રાશિના જાતકોને ધનભાવનો સ્વામી શનિ બને છે, શનિ ભાત્રુભાવનો સ્વામી પણ છે, શનિગ્રહ ધીમીગતિએ ફળ આપનાર ગ્રહ છે, આ રાશિના જાતકો પોતાની આવડતને ધ્યાનમાં રાખીને ધનપ્રાપ્તિ કરે છે. મારા મતે તેઓને ધનપ્રાપ્તિ તેમના હુન્નર અને વ્યક્તિગત આવડત દ્વારા થાય તેની સંભાવના વધુ છે. શનિએ અનુભવનો ગ્રહ છે, પરીક્ષા લે છે, આ રાશિના જાતકો કુટુંબ અને પોતાના ભાઈ-બહેન માટે જવાબદારીની ભાવના રાખે છે. તેઓને કુટુંબ અને પરિવાર સાથે લેણદેણ ઓછી અને હોય તો મોટેભાગે તેમના ભાગે અન્યને મદદરૂપ થવાનું જ આવે છે. આ રાશિના જાતકો ઉત્તમ સમાજસેવક પણ બની શકે છે. અન્યને મદદ કરવા માટે તેઓ હમેશા તૈયાર હોય છે. ધન બાબતે તેઓને કરકસર કરતા અમે જોયા છે.

મકાન અને વાહનના સુખ બાબતે જોઈએ તો આ રાશિના જાતકો તેમાં સફળ જ રહે છે. તેઓને મોટા મકાન અને સુંદર વાહનની પ્રાપ્તિ જલદી થાય છે. ધન રાશિના જાતકોને મકાન બાબતે નસીબદાર ગણી શકાય. માતા પ્રત્યે તેઓને વધુ લાગણી અને પિતા પ્રત્યે ગર્વની લાગણી તેમનામાં જોવા મળે છે. માતા તેમને જીવનભર મદદરૂપ માર્ગદર્શક બની રહે છે.ધન રાશિના જાતકો પોતાના સંતાનોની કેળવણી પાછળ વિશેષ ધ્યાન આપતા હોય છે, તેઓને મોટી ઉમરે સંતાનો સાથે નરમગરમ સંબંધોના પણ અનુભવ થાય છે. તેઓ પોતાના સંતાનો અને પોતાની વચ્ચે એક અંતર સાથે પણ ચાલતા હોય છે, તેઓ પોતાના સંતાનોને સ્વતંત્રતા આપે છે પરંતુ જવાબદારી સાથે. સંતાનોમાં પોતાની જવાબદારીનું પણ તેટલું જ મહત્વ હોવું જોઈએ તેમ તેઓ દૃઢપણે માને છે. ધન રાશિના જાતકોને સંતાન બાબતે સુખ આશરે ૨૮માં વર્ષની આસપાસ સ્થાયી મળતું હોય છે.

ધન રાશિના જાતકોને રોગસ્થાનનો સ્વામીગ્રહ શુક્ર છે, શુક્ર થકી થતા રોગોમાં પ્રમેહ, પેશાબના રોગો, શરીરમાં ઓજનો નાશ થવો, જાતીય રોગો, અતિવિલાસી જીવનને લીધે થતા રોગો, શક્તિનો અભાવ થવો વગેરે ગણી શકાય. ઘણીવાર તેઓને આંખોની રોશની ઓછી થવી કે આંખોને લગતી સમસ્યા પણ સતાવે છે. તેઓએ મીઠી વાનગીઓ અને મીઠી વાણીથી હમેશા બચીને ચાલવું જોઈએ. ધન રાશિના જાતકોને મીઠી બોલી પ્રત્યે ખુબ વધુ આકર્ષણ થઇ જાય છે, તેને લીધે તે ઘણીવાર નુકસાન પણ ભોગવે છે. મીઠી વાનગીઓ જેવી કે મીઠાઈ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો વગેરે તેમને તકલીફ આપી શકે.

ધન રાશિના જાતકોને કર્મભાવનો માલિક ગ્રહ બુધ છે, બુધ ગ્રહ લેખન, વાણી, હુન્નર અને બૌદ્ધિક ગતિવિધિનો ગ્રહ છે. વ્યાપાર, વાણીજ્ય, કાયદાકીય બાબતો અને બૌદ્ધિક કાર્યો ધન રાશિના જાતકોને ફળે છે. તેઓ ખૂબ બોલકા અને ક્યારેક દલીલને પણ પસંદ કરે છે મારા મતે તેઓ એક સારા વકીલ થઇ શકે તેની ભરપુર સંભાવનાઓ રહેલી છે. ધન રાશિમાં મારા જ્યોતિષ મિત્રએ આળસનું તત્વ પણ વધુ છે તે અનુભવ્યું છે, હું તેની સાથે સંપૂર્ણ સહમત નથી. ધન રાશિના જાતકો એકવાર નક્કી કરે પછી તેમના લક્ષ્ય પાછળ દિવસરાત જોયા વગર લાગેલા રહે છે. આ રાશિના જાતકો કારકિર્દીની શરૂઆતમાં જ દિશા નક્કી કરી લે તે તેમની માટે ખૂબ જ જરૂરી છે.

બુધ અને શુક્ર તેમની માટે મધ્યમ ફળદાયી છે, પરંતુ ગુરુ અને સૂર્ય તેમને ખૂબ ફળે છે.

સૂર્યની પૂજા ઉપાસના તેમને ખૂબ ફળદાયી હોય છે. કોઈ કાર્યમાં તકલીફ કે અડચણ હોય તો પિતાના આશિષ લેવા અને આદિત્યહ્રદયના પાઠ કરવા જોઈએ.

અન્ય રાશિ સાથેના સંબધો

– ધન રાશિના જાતકોને પોતાની રાશિ, મેષ અને સિંહ રાશિના જાતકો સાથે મનમેળ જલદી થાય છે.

– મિથુન, કુંભ અને તુલા રાશિના જાતકો સાથે તેઓનું આદાનપ્રદાન વિશેષ અને એકબીજાને પોષક હોય છે.

– વૃશ્ચિક, કર્ક અને વૃષભ રાશિના જાતકો સાથે તેઓને સંવાદમાં મુશ્કેલીનો અનુભવ થતો હોય છે.

– કન્યા, મીન અને મકર રાશિના જાતકો સાથે મધ્યમ સંબંધ એટલે કે ના ફાયદો કે ના નુકસાનના ધોરણે સંબંધ આગળ વધે છે.