માનસિક રીતે સ્વસ્થ માણસ જ જીવનના મૂલ્યો સમજી શકે છે. જીવનના મૂલ્યોથી સમૃદ્ધ જીવન સુખ આપે છે અને સુખના નિયમો વાસ્તુમાંથી પણ મળે છે. આજે આપણે જે ઘરનો અભ્યાસ કરીએ છીએ તે લંબચોરસ પ્લોટમાં આવેલું છે.
પૂર્વ તથા પશ્ચિમના માર્જિન લગભગ સમાન છે. પરંતુ ઉત્તર કરતા દક્ષિણમાં માર્જિન વધારે છૂટેલો છે. આ ઉપરાંત પ્લોટની મુખ્ય એન્ટ્રી દક્ષિણ અગ્નિની છે. તેથી ઘર નારીપ્રધાન ગણાય. પરંતુ નારીને અસંતોષ રહે અને શારીરિક, માનસિક તકલીફ રહ્યા કરે. પુરુષને આર્થિક ચિંતા અને આત્મવિશ્વાસમાં ઘટાડો થાય તેવા સંજોગો સર્જાય. વાયવ્યમાં ઓવરહેડ પાણીની ટાંકી અને પશ્ચિમ વાયવ્યમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી આ સમસ્યામાં વધારો કરે અને તે ઉપરાંત કફની બીમારીની સંભાવના વધી જાય. વાયવ્ય પશ્ચિમમાં વધારે પડતું પાણી યોગ્ય ન ગણાય. અહીં એક સારી વાત એ દેખાય છે કે ઘરની બેમાંથી એક એન્ટ્રી ખૂબ જ સારી છે જે સમયને સાચવી લેવામાં મદદરૂપ થાય. પરંતુ ઘરની વ્યવસ્થા એટલી અનુકૂળ નથી.
ઈશાનમાં નાની રૂમ છે જેમાં લિવિંગ રૂમ હોય તો તે સારું ગણાય પણ રૂમનું માપ એને અનુકૂળ નથી લાગતું. અહીં બેડ રૂમ છે અને ઉત્તર તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા છે. આનાથી તણાવ અને જીદ વધે. ઈશાનમાં ઓસરી સારી ગણાય પણ દાદરો હૃદયને તકલીફ આપે તેવી સમસ્યા આપે. ઉત્તરમાં ટોયલેટ લાંબી બીમારી અને પુરુષને લગતી સમસ્યા આપી શકે. બેઠક રૂમ અગ્નિમાં છે, જેના લીધે ઘરમાં કોઈનો સ્વભાવ પાણીમાંથી પોરા કાઢવાવાળો થઇ જાય. બેઠક વ્યવસ્થા પણ યોગ્ય નથી, તેથી આ સમસ્યામાં વધારો થાય. નૈઋત્યમાં રસોઈઘર સ્ત્રીને શારીરિક અને માનસિક તકલીફ આપી શકે. વળી રસોઈની વ્યવસ્થા પણ દક્ષિણ તરફ મુખ રાખીને છે, તેથી ગુસ્સાનું પ્રમાણ વધે અને નાની નાની વાતમાં ગુસ્સો આવે. ગોઠણથી નીચેના પગ અને પીઠનો ઉપરનો ભાગ દુખે. બાથરૂમ યોગ્ય જગ્યાએ છે. પણ ત્રણ દરવાજા એક લાઈનમાં આવે છે અને બ્રહ્મમાં દરવાજા ભેગા થાય છે, આ બાબત યોગ્ય ન ગણાય. આ વાતમાં આર્કિટેક્ચર પણ સમર્થન આપે છે. ઘરમાંથી બ્હાર જવાના ચાર દરવાજા છે અને બારીઓ ઓછી છે આ બાબત પણ યોગ્ય ન ગણાય. વાયવ્યની રૂમ પૂજા રૂમ છે અને અહીં નૈઋત્યના ભાગમાં દક્ષિણ મુખી પૂજા થાય છે, ઈશ્વર સિવાયના વિચારો અને ગુસ્સો આવે તેવા સંજોગોને લીધે ઈશ્વર આરાધના યોગ્ય રીતે ન થાય. ઉત્તર તરફ વજન આવેલું છે તે પણ મગજ પર ભાર આપે.
તન, મન, ધનની વ્યાધિ આપે તે ઘર ખાલી કરી દેવું જોઈએ? ના… આજ ઘરમાં વધારે સારી રીતે રહેવાના નિયમો વાસ્તુમાં છે. સર્વપ્રથમ તો સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબની રચના કરી અને ઈશાનમાં સાત તુલસી અને પાંચ હજારી, પૂર્વમાં બે આમળાં, અગ્નિ પૂર્વમાં બે ફૂલ દાડમ, નૈઋત્યમાં બે નાળિયેરી, પશ્ચિમમાં સફેદ ચણોઠી અને વાયવ્યમાં બે બીલીપત્રના છોડ વાવવા. ઉત્તરમાં લોન વાવવી. સવારે વહેલાં ઉઠવું, વડીલોને સન્માન આપવું. સૂર્યને જળ ચડાવવું. રસોડાના ઈશાનમાં પાણીનો કળશ મૂકવો. બુધવારે શિવમંદિરમાં શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક કરવો અને મગ ખાવા.