જીવન નદી જેવું હોવું જોઈએ. નદી પહાડ પરથી નીચે ઉતરે ત્યારે ઘણાબધાં ખડકો તેને અથડાય છે. તે ઝરણાં સ્વરૂપે પણ પથ્થરોને તોડવાની તાકાત ધરાવે છે છતાં તેને મળતાં બધાં જ પ્રવાહોને અપનાવે છે. સૃષ્ટિના ઘણાં બધા જીવો તેના પર નભે છે તો પણ તે સન્માન જોતા જ અટકી નથી જતી.
આજે આપણે દિલીપભાઈના મકાનનો અભ્યાસ કરીએ. કોઈ પણ મકાનને સમજવાથી તેના વિષે જાણકારી મળે છે અને જો કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવી શકાય છે. લંબચોરસ પ્લોટમાં ઈશાનમાંથી ઘરની એન્ટ્રી છે અને ઘરના પૂર્વ કરતા પશ્ચિમ દિશામાં માર્જિન વધારે છે. ઘરમાં બે કોમન દીવાલો પણ છે. આવી જગ્યાએ અમુક વખતે માનસન્માન ન સચવાતું હોય. જયારે લંબચોરસ પ્લોટ હોય ત્યારે પ્રેક્ટિકલ વિચારધારા આવે. ઉત્તરથી ઈશાન વચ્ચે પાર્કિંગ આવેલું છે જે યોગ્ય ન ગણાય. તેનાથી માનસિક તણાવ આવી શકે. પૂર્વ મધ્યનું મુખ્ય દ્વાર ઘરના દરેક સભ્યને એકસાથે ઘરમાં રહેવાની ઊર્જાનું સમર્થક નથી. તેથી તે પણ યોગ્ય નથી. અગ્નિના બેઠક રૂમમાં ઉત્તરમુખી બેઠક વ્યવસ્થા છે જેનાથી ઘરમાં કોઈ સભ્યનો સ્વભાવ વધારે પડતો ચોક્કસાઈવાળો અથવા ભૌતિકતાવાદી બની જાય. જે ઘરની આંતરિક વ્યવસ્થા માટે યોગ્ય નથી.એક જ લાઈનમાં ત્રણ દરવાજા યોગ્ય ન ગણાય, તેના કારણે ઘરની ઊર્જા ઓછી થતાં ઘરમાં રહેવાનું ઓછું ગમે અથવા તો ધાર્યા કામમાં મન ન લાગે.
ઉત્તરમાં ટોયલેટ અને ડકટ ઘરના પુરુષના આત્મવિશ્વાસ માટે યોગ્ય નથી. તેમ જ સ્ત્રીને અસંતોષ આપે. નૈઋત્યમાં રસોઈઘર નારીને અસંતોષ આપે. જેના કારણે વિવિધ સમસ્યાઓ આવી શકે. જેમ કે પગનો દુખાવો, આત્મવિશ્વાસ ઓછો થવો, ચીડચીડિયાપણું. જેના કારણે ઘરની શાંતિ પર અસર આવી શકે. ડાયનિંગ રૂમ યોગ્ય છે પણ તેમાં અલગ થી બેસવાની વ્યવસ્થા યોગ્ય નથી તેથી તે ન હોય તો સારું. આ મકાનમાં સમસ્યાઓ વિવિધ જગ્યાએથી ઉદભવી છે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.
ભારતીય વાસ્તુ નિયમો માનવ જાતિને મદદ કરવા માટે જ રચાયાં છે. વિવિધ સમસ્યાઓને તોડફોડ વિના કુદરતની સાથે સંતુલન સાધીને નિવારી શકાય છે. આ મકાનના ઈશાનમાં પાંચ તુલસી વાવી દેવા જોઈએ. સૂચન પછીના નકશા પ્રમાણેની વ્યવસ્થા કરીને અગ્નિમાં બે ફૂલ દાડમ અને વાયવ્યમાં બે બીલીપત્રના વૃક્ષ વાવવા જોઈએ. આ વનસ્પતિ વાવવા પાછળનું એક કારણ એ પણ છે કે તેમાંથી ઓક્સિજન વધારે મળે છે.
વાસ્તુશાસ્ત્રમાં તોડફોડની વાત છે તે એક ભ્રમણા છે. તેના વિના સારી ઊર્જા મળી શકે છે. વનસ્પતિ ઉપરાંત રંગોની વાત પણ ભારતીય વાસ્તુમાં કરવામાં આવેલી છે. વાસ્તુના ગણિત આધારિત રંગો નક્કી કરવામાં આવે તો ચોક્કસ હકારાત્મક ઊર્જા મળે છે.જેમ કે આ જગ્યાએ લિવિંગ રૂમની દક્ષિણની દીવાલ પર કેસરી રંગ અને બાકીની દીવાલો પર સફેદ તેમજ રસોઈ ઘરની પશ્ચિમની દીવાલ પર આછો વાદળી રંગ લગાવવા જોઈએ. રંગો માનવ મન પર અસર કરે છે આ ઉપરાંત જે તે રંગો પરથી પરાવર્તિત થયેલો પ્રકાશ પણ માનવને મદદરૂપ થાય છે. સ્વસ્થ જીવન માટે હકારાત્મક ઊર્જા મદદગાર બને છે. હકારાત્મક ઊર્જા માટેના નિયમો વાસ્તુશાસ્ત્રમાંથી મળે છે.