જે વ્યક્તિએ ખોરાકની શોધ કરી હશે એને કેટલી બધી મહેનેત પડી હશે? શું ખાદ્ય ગણાય ? એ નક્કી કર્યા બાદ કઈ વસ્તુને કેવી રીતે ખાદ્ય બનાવી શકાય અને પાક શાસ્ત્ર સુધીના વિષયો તૈયાર કરવામાં અનેક યુગો વીતી ગયા હશે. પણ આપણે ક્યારેય એ જાણવાની કે એ વ્યક્તિઓને યસ આપવાની ચિંતા કરી જ નથી. આ પ્રક્રિયામાં અખાદ્ય પદાર્થો ખાઈને ઘણા લોકોના મૃત્યુ પણ થયા હશે. આ જ્ઞાન સહજ છે. એટલે આપણે એનો યસ આપવાની જરૂર નથી એવું માની લઈએ. એ જ રીતે ભારતમાં થયેલી ઘણી બધી શોધ સહજ રીતે થઇ અને એનો યશ આપણે ન લીધો. પણ અન્ય પ્રજાએ એ વિષયનો યસ ચોક્કસ લીધો. એમને યસ આપી દેવો એ પણ ગુલામીનું માનસ છે. જયારે આપણે આપણા દેશને, સંસ્કૃતિને સમજીશું, પ્રેમ કરીશું ત્યારે જ આપણને દેશ માટે ગર્વ લેવાની ઈચ્છા થશે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: જો ફરાળમાં કંદમૂળ જેવાકે, શક્કરીયા, બટાકા ખવાતા હોય, સિંગ ખવાતી હોય તો પછી જમીનમાં જ ઉગતા લસણ અને ડુંગળીનો નિષેધ શા માટે હોય છે? અમુક સંપ્રદાયના લોકો તો ડુંગળી અને લસણ અડતા પણ નથી. આયુર્વેદમાં આ બંનેનું આગવું સ્થાન છે. તો પછી આવું શા માટે?
જવાબ: ઉપવાસ સંયમ આપે છે. ફરાળ શબ્દ ફળાહાર માંથી આવ્યો. ઉપવાસની પ્રક્રિયા વૈજ્ઞાનિક આધાર ધરાવે છે. જયારે વિજ્ઞાન મટીને ધર્મ સાથે એક માન્યતા તરીકે આ વાત જોડાઈ હશે ત્યારે કેટલાક લોકોએ માત્ર સ્વાર્થ માટે ઉપવાસ રાખવાનું વિચાર્યું હોય એવું બને. જે ભૂખ્યા નથી રહી શકતા એવા લોકોએ ફળ લઇ શકાય એવી વાત શરુ થઇ હોય એવું બની શકે. વળી રસ વાળા ફળો પાચન અવયવો માટે સારા ગણાય છે. તેથી ઉપવાસમાં ફળો ખાવાનો રીવાજ શરુ થયો હશે.
પણ જેમનાથી ઉપવાસ ન થતા હોય અને કોઈએ માત્ર રીવાજ કે કોઈ સ્વાર્થ પૂરો કરવા ઉભી કરેલી માન્યતાના ભાગ સ્વરૂપે ઉપવાસ કરવાનું કહ્યું હોય ત્યારે ભૂખ સહન ન થતા અન્ય માનસિક કારણો ઉભા થયા હશે. જે પદાર્થોમાં કર્બોહાઈડ્રેટ વધારે હોય એ ઉપવાસ દરમિયાન અશક્તિ આવવા દેતા નથી તેથી તેને ખાવાની પ્રક્રિયા શરુ થઇ હોય એવું બને. હવે જીભના ચટકા સાથે ઉપવાસ થાય છે જેમાં ફરાળી પિઝ્ઝા, ફરાળી નુડલ્સ વિગેરે પણ જોવા મળે છે. જો મન પર જ સંયમ નથી તો ઉપવાસનો મૂળ આધાર સચવાતો નથી.
ડુંગળી અને લસણ જમીનમાં ઉગે છે પણ એની પ્રકૃતિ તામસી છે. એ મન પર કાબુ લાવવામાં મદદ નથી કરતા. તેથી જ જેમને પોતાના મન પર વિશ્વાસ નથી એ તામસી આહારથી દુર રહે તે જરૂરી છે. પણ જો ઉપવાસ કર્યા પછી જાતજાતના ભોજન શોધવામાં મન લાગતું હોય તો આવા ઉપવાસ નિરર્થક છે. ઉપવાસનો મૂળ આશય સંયમિત રહેવાનો છે. પાચન પ્રક્રિયાને મજબુત કરવાનો છે. મનને મજબુત કરવાનો છે. જો આ આશય નથી સાચવતો તો પછી વધારે કેલરી વાળું ફરાળ કરવાના બદલે સાદું ભોજન આરોગવું વધારે યોગ્ય ગણી શકાય. માત્ર દેખાડા માટે ડુંગળી લસણ ન ખાવાનો કોઈ અર્થ નથી. એક જગ્યાએ ડુંગળીની જગ્યાએ એ લોકો કોબીજમાં હિંગ નાખીને ખાતા હતા. જો ઈચ્છાઓ પ્રબળ જ રહી ગઈ હોય તો પછી મન મારીને ઉપવાસ કરવા કરતા જે ભાવે છે એ ખાઈ લેવું વધારે યોગ્ય છે.
ધર્મ એ આધ્યાત્મ સાથે જોડાયેલો વિષય છે. એ કોઈ પંથની માન્યતા અને ગેરમાન્યતાનો વિષય નથી.
સુચન: માણસ જે આરોગે છે એની અસર એના જીવન પર આવે જ છે. ભોજન બનાવતી વખતે અને ખાતી વખતે સકારાત્મક રહેવું ખુબ જરૂરી છે.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
