વાસ્તુ: વિચારશૂન્ય ભીડથી અંધવિશ્વાસ સુધી

એવું કહે છે કે ટોળામાં બુદ્ધિ નથી હોતી. અને એટલે જન કદાચ પોતાનું ધાર્યું કામ સિદ્ધ કરવા માટે ટોળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગાડરિયા પ્રવાહની માફક ટોળું જાય અને કોઈની ઈચ્છાઓ પ્રમાણે વર્તન કરીને પાછુ આવે. શું એમને આવું કર્યા પછી વિચાર આવતો હશે ખરો કે આમાં એમની કોઈ ભૂલ હતી કે પછી કોઈ એમનો ઉપયોગ કરી ગયું? જો વિચાર આવતા હોત તો એ લોકો ટોળાનો ભાગ જ ન હોત. ટોળાને માત્ર ઉશ્કેરણીની જરૂર છે. બાકીની જવાબદારી એ પોતે જ લઇ લે છે. પહેલા ચાર રસ્તા પર કે ગામને પાદરે ટોળા જોવા મળતા હતા. હવે ઈન્ટરનેટ પર પણ જોવા મળે છે.

મિત્રો, આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: હું તમને બે નકશા મોકલું છું. એક મારા ઘરનો છે અને બીજો એક નક્કામાં માણસનો છે. જે મારા દીકરાની જિંદગી બગાડવા બેઠો છે. મારે એક દીકરો જ છે અને મારા પતિ વરસો પહેલા ધામમાં ગયા છે. બે વરસ પહેલા એક કાર્યક્રમમાં એક સજ્જન મળી ગયા. એમને મારા દીકરાનો અવાજ ગમ્યો એટલે એમણે સલાહ આપી કે તારે વ્યવસ્થિત શિક્ષણ લેવું જોઈએ. એમાં હું તને મદદ કરીશ. એ પોતે રસ લઈને શીખવાડતા. એક કાર્યક્રમમાં મારા દીકરાને એક ગ્રુપ મળી ગયું. એના લીડરે સમજાવ્યું કે મારી પાસે તો સરકારના મોટામોટા કામ છે. હું તને સ્ટાર બનાવી દઈશ. તું તારી ઓળખાણથી કામ લઇ આવ આપણે કાર્યક્રમ કરીએ. મારો દીકરો મૂરખા જેવો બે વરસથી કામ લાવે છે અને પેલા લોકો એમાંથી પુરેપુરા પૈસા લઈને મારા દીકરાને રૂપિયો પણ આપતા નથી. વળી એવી ભૂરકી નાખી છે કે મારા દીકરા જેવા કેટલા બધા લોકો આ માણસ પાછળ ભાગે છે. મારું તો કોઈ બીજું છે નહિ. મારા દીકરાને કોણ સમજાવે? એને આમાંથી બહાર કેવી રીતે કાઢવો?

જવાબ: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. સરકારને ખબર પણ નહિ હોય કે આ માણસ એમનો છે. ઘણા વારસો પહેલા કાદરખાનની એક ફિલ્મ આવી હતી. જેમાં એ રાજકારણીઓના પગ પકડીને પરાણે મનાવતો હોય અને પછી બહાર આવીને બડાસ હાંકતો હોય છે. વળી બે વરસ સતત કોઈ પૈસા ન આપે તોય એની પાછળ તમારો દીકરો ભાગે છે એ નવાઈનો વિષય છે.

પેલા માણસના ઘરનું દ્વાર અગ્નિનું નકારાત્મક દ્વાર છે. એટલે એ માણસ સ્ત્રૈણ વિચારધારા ધરાવતો હોય. અન્યની કુથલી કરવી, લાભ લઇ લેવો, છેતરવું આવા ગુણધર્મ હોય. તમારા દીકરાને તાત્કાલિક એનાથી દુર કરો. હવે રહી વાત તમારા ઘરની. તમારા ઘરમાં પૂર્વનો દોષ છે તેથી મા-દીકરાને ચડભડ થતી હોય. અગ્નિનો દોષ પણ છે. તેથી તમારો દીકરો વધારે પડતી મહત્વકાંક્ષા ધરાવતો હોય. બે સ્વાર્થી વ્યક્તિઓ મળે તો જે વધારે હોંશિયાર હોય એ ફાવે. સવારના વહેલા ઉઠીને ગાયત્રીમંત્ર કરો. સૂર્યને અર્ઘ આપો અને શિવપૂજા કરો. ચોક્કસ લાભ થશે.

તમારા દીકરાએ કોઈ બ્રાહ્મણનું મન દુખાવ્યું હોય એવું પણ બને. જો એવું હોય તો જે તે વ્યક્તિની માફી માંગી અને ફરી આવું નહિ કરવાનું વચન આપવું જરૂરી છે.

સવાલ: હું એક સંસ્થામાં નોકરી કરું છુ. એક વ્યક્તિનો પગાર બાકી હતો મેં આનાકાની કરી તો એમણે ગુસ્સામાં કહ્યું કે તો એને દાન સમજીને રસીદ આપીદો. એટલે પતે. આ વાત મેં મારા સાહેબને કહી એટલે હવે એમણે પણ પૈસા આપવાની ના પડી છે. પછી મારા જીવનમાં ઘણી સમસ્યા આવે છે. આ બંનેને કોઈ સંબંધ હોય ખરો?

જવાબ: હોય જ. એમને પૈસા અપાવી દો. તમને પરિણામ દેખાશે. જેટલું જલ્દી કરશો એટલા કર્મો ઓછા ચડશે.

સુચન: કોઈને દુખી કરીને સુખી થવાની વાત કોઈ પણ ધર્મનો ભાગ નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )