માણસની ભૂખ જયારે હદ વટાવે ત્યારે સિદ્ધાંતો અને સંસ્કૃતિ બંને નેવે મુકાય. સ્વાર્થ જાગે અને સમાજને નુકશાન થાય. જે સમાજ પોતાના હક માટેની લડાઈ ન લડી શકે તે વિદેશી આક્રમણનો સામનો કરી શકશે? માનસિક રીતે નાપુન્શક થતો સમાજ એ દેશ માટે લાલ બત્તી સમાન ગણાય. જે દેશમાં નિરાકારની પૂજાનો મહિમા છે ત્યાં ઉત્સવના નામે ઘોંઘાટ, અંગ પ્રદર્શન, વ્યભિચાર વિગેરે ફેલાય ત્યારે વિચાર આવે કે ક્યાંક કશુક તો ખોટું થયું. અને આધુનિક થવાની દોડ એક એવી દિશા તરફ વળી ગઈ જ્યાંથી પાછા આવવામાં હવે મોડું થઇ ગયું છે. કડક કાયદા અને કેટલાક નિયમો જ આ દિશા બદલવામાં મદદ કરી શકે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: સવારમાં ઉઠીએ ત્યારથી સાંજ સુધીમાં અનેક રીલ્સ ધર્મ બચાવો વિશે આવે છે. પણ શું એની ભયભીત થવા સિવાય કોઈ અસર છે ખરી? બધા સરકારના ભરોસે બેસી ગયા છે. અંતરિયાળ જગ્યાઓએ શું ચાલે છે એ સરકારને થોડી ખબર પડવાની છે? વળી જે ઘટના બની છે એને રોકી તો નહિ જ શકાય. શું એના માટે સમાજમાં જાગૃતિ લાવવી જરૂરી નથી. અમારી સોસાયટીમાં કોમન પ્લોટમાં કમિટી વાળા પોતાની અંગત તાંત્રિક વિધિઓ કરાવે છે. એ પણ સોસાયટી ફંડ માંથી. આ વરસે ફરજીયાત ફંડ ઉઘરાવે છે. અને જો કોઈ વિરોધ કરે તો ધમકીઓ આપે છે. સોસાયટીની દીવાલો પર જાહેરાતો લગાવવામાં આવે છે. એમાંથી આવેલા પૈસાનો કોઈ હિસાબ નથી. જો એ લોકો ફંડ ભેગું કરે છે તો સોસાયટીનો પ્લોટ વાપરવાનું ભાડું એમણે આપવું જોઈએ. વળી આ પૈસાનો કોઈ હિસાબ એ લોકો આપતા નથી. નવરાત્રીમાં બાર વાગ્યા સુધીનો નિયમ છે પણ એ લોકો પોતાની અંગત ઓળખાણથી મોટા માથાઓને ગરબા કરવા બોલાવીને આખી રાત ઘોંઘાટ કરે છે. અમને વૃદ્ધોને તકલીફ પડે એનો વિચાર નથી કરતા. એક સ્ત્રીએ તો અમે રજૂઆત કરતા અમને એવું પણ કહ્યું હતું કે સરકાર અમારા ખીસામાં છે. મને વિશ્વાસ છે કે એ ખોટું બોલે છે. પણ શું થાય? બધા દબાઈને બેસી ગયા છે.
અમે સ્વતંત્રતા માટે લાઠીઓ ખાધી. અને હવે આવા લોકોનો ત્રાસ સહન કરવો પડે છે. પહેલા આવું નહતું. બીજા રાજ્યના લોકો આપણા રાજ્યમાં વેપાર કરવા આવે છે. એમના હાથમાં સત્તા આવે તો આવું જ થાય. પણ કોરોના સમયમાં ચૂંટણી કરીને એ લોકો ઘુસી ગયા છે. મોટા રાજકારણીઓ અને કમિશ્નરની ધમકીઓ આપે છે. ક્યારેક વિચાર આવે છે કે અંગ્રેજો સારા હતા. એમના સમયમાં અનુશાસન તો હતું. કોઈ પોતાના જ લોકોને રંજાડે એવું નહતું. વળી કયો ધર્મ ઘોંઘાટને પ્રમોટ કરે છે? કયા ધર્મમાં અંગ પ્રદશન અને ઉદ્ધતાઈ વિશે વાત કરવામાં આવી છે? શું ઈશ્વર પણ આવા લોકોની સાથે છે? સાચે જ દુખ થાય છે કે ક્યાં આવા લોકોની વચ્ચે આવી ગયા?
જવાબ: જયારે આકાશવાણી થઇ પછી કંસે દેવકીને જેલમાં પૂરી દીધી. પણ એ સારો માણસ બની ગયો. ભગવાને એનો વધ કરવાનો હતો. તેથી નારદમુની એની પાસે ગયા. એમના હાથમાં કમળનું ફૂલ હતું. એમણે કંસને પૂછ્યું કે આ ફૂલની આઠમી પાંખડી કઈ? કંસે કહ્યું કે એ તો કેવી રીતે ખબર પડે? એટલે નારદ મુનીએ સમજાવ્યું કે કુદરતનું ચક્ર પણ આ જ રીતે કામ કરે છે. કયા જન્મનો આઠમો દીકરો એ વાત ક્યાં થઇ છે? બની શકે કે આગળના જન્મમાં સાત દીકરા જન્મી ચુક્યા હોય. કંસ ગભરાયો. ડર હંમેશા માણસને ખોટું કરવા પ્રેરે છે. કંસ વધારે ખરાબ બની ગયો. એના કુકર્મો વધતા ગયા. અને અંતે એનો પાપનો ઘડો છલકાઈ ગયો. એનો વધ થયો. માનસ જયારે વધારે કુકર્મ કરે ત્યારે જ એનો વિનાશ થાય છે.
તમારી સોસાયટી માટે પણ આ વાત લાગુ પડે છે. જે લોકો અત્યારે તોફાન કરે છે. એમને પોતાના ભવિષ્યની ચિંતા જ નથી. જાહેરમાં તાંત્રિક વિધિ ન જ થઇ શકે. જે લોકો અભાવમાં ઉછર્યા હોય એમને જ અન્યનું છીનવી લેવાની ઈચ્છા થાય. આ લોકો જે રીતે તમને બધાને છેતરી રહ્યા છે એ જ બતાવે છે કે એમનો ઉછેર બરાબર નથી. નાનપણમાં જે વસ્તુઓ નથી મળી એ મેળવવા એ લોકો કોઈ પણ હદ પાર કરી રહ્યા છે. દુ:ખદ બાબત એ છે કે લોકો દબાઈને બેસી ગયા છે. પણ એ હાલત ઘણી બધી જગ્યાએ છે. જે વ્યક્તિ પોતાના હકની લડાઈ ભૂલી જાય છે એ પણ ગુનેહગાર છે.
તમારી પેઢીએ દેશ માટે જે કર્યું એના માટે તમને સાચું સન્માન નથી મળ્યું એ દુ:ખદ બાબત છે. પણ એ વાત સત્ય છે કે જો તમે એ વાત સતત નવી પેઢી સુધી પહોંચાડી હોત તો તમારી ખુમારી વારસામાં સચવાઈ રહી હોત. તમારા બધા સ્વજનો વિદેશમાં છે. જે દેશમાં બાળક જન્મે ત્યારથી માબાપ એની આંખમાં વિદેશના સપના આંજે એ દેશમાં દેશપ્રેમ જગાડવો મુશ્કેલ છે. તમારી આખી વાત વાંચીને મન હચમચી ગયું. તમે એ સોસાયટીના ગુંડાઓ સામે ટકી રહ્યા છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમણે તમને જે પ્રકારે ધમકીઓ આપી છે અને તમને કોઈ સારો પ્રતિભાવ નથી મળતો એ જોતા લાગે છે કે આવી સોસાયટીમાં ન રહેવાય. તમે જેટલા લોકોને ઓળખો છો એમને સાચી માહિતી આપતા રહો જેથી સોસાયટીમાં કોઈ અન્ય માણસ આવીને ન ફસાય. જે લોકો ત્યાં રહીને સહન કરે છે એમણે પોતાની સજા જાતે જ નક્કી કરી છે. પણ નવા લોકોને ફસાવા ન જ દેવાય.
એ લોકો પૈસા લઈને સોસાયટીમાં અન્ય તોફાની તત્વોને તહેવારોમાં આવવા દે છે. એના માટે તમે ફરિયાદો કરી છે. પણ એ લોકો પૈસા આપીને પતાવી દે છે. પણ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરો. સરકાર આ વખતે આવી બાબતોને રોકવા માંગે છે. કોઈ પણ સોસાયટીમાં ફરજીયાત ફંડ પણ ન હોય અને જે કોઈ પૈસા આપે એને સોસાયટીમાં આવવા પણ ન જ દેવાય. એ લોકો જો સાચે જ સરકારમાં કોઈને ઓળખાતા હશે તો એમનું નામ વટાવવા માટે ઠપકો મળશે. અને જો ખાલી ખાલી નામ વટાવતા હશે તો ખુલ્લા પડી જશે.
આ ઉપરાંત મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન કરો. એમાં ખરેખર ખુબ શક્તિ છે. કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખો. ઈતિહાસ સાક્ષી છે કે આવા લોકોનો અંત ખુબ ભયાનક આવ્યો છે.
સુચન: નવરાત્રી દરમિયાન મધ્યરાત્રી બાદ ચંદ્રના પ્રકાશમાં ન રહેવું જોઈએ. જેમ સવારના સૂર્યની ઉર્જાનું મહત્વ છે. તે જ રીતે ઉગતા ચંદ્રના પ્રકાશનું પણ મહત્વ છે. 12 વાગ્યા પછીનો સૂર્ય પ્રકાશ અને 12 વાગ્યા પછીનો ચંદ્ર પ્રકાશ યોગ્ય ઉર્જા નથી આપતા. તેથી મધ્યરાત્રી પછી ચંદ્રના પ્રકાશથી દુર રહેવું જોઈએ.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)