શ્યામ તારા રંગે રંગાઉં કે પછી લાલો લાલ થઇ જાઉં? આવો વિચાર આવે ત્યારે આધ્યાત્મિકતાની પરાકાસ્ઠા દેખાય અથવા તો પછી હોળીનો તહેવાર નજીક હોય. કોઈના રંગે રંગાવામાં સમર્પણ જરૂરી છે. કોઈનો સાચો સાથ પામવો હોય તો એ વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારવી પડે. એક હજારથી પણ વધારે પત્નીઓ ધરાવતો પુરુષ પણ અનેક સ્ત્રીઓની ઝંખના ક્યારે હોઈ શકે? જયારે એ બધાને રંગાઈ જવાની ઈચ્છા હોય. કોઈ પણ સંબંધમાં વધારે પડતી ખણખોદ એ સંબંધના પાયાને નુકશાન પહોંચાડે છે. અંતે એ સંબંધ ઢીલો પડતો જાય છે. સંબંધ બાંધતા પહેલા જે વિચારવું જોય તે વિચારી લેવું જોઈએ. પછી વિચારવા જતા એક તિરાડ ઉભી થાય છે. જે દરેક શક સાથે મોટી થઇ અને સંબંધને તોડી શકે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા દીકરાને એક છોકરી ગમતી હતી. મને મારા દીકરા પર પૂરો ભરોસો છે. એટલે એની ઈચ્છાને માન આપીને મેં સંબંધને મંજુરી આપી દીધી. મારે એક જ સંતાન છે. વળી મારા પતિ વરસો પહેલા અમને છોડીને જતા રહ્યા હતા. એટલે જો મારું કોઈ હોય તો એ માત્ર મારો દીકરો જ છે. અમે સગાઇ અને લગ્ન એક જ દિવસે કરવાનું વિચાર્યું જેથી ખર્ચો ઓછો થાય. વળી ખર્ચો તો દીકરી વાળાને હોય. પણ અમે એ પણ નથી કરાવવા માંગતા.
અમારો વિચાર વેવાઈ આગળ મુક્યો એટલે એમને શંકા ગઈ અને લગ્નની તારીખ લંબાવવાની વાત આવી. કાર્ડ છપાઈ ગયા પછી આવું થયું એટલે મને આઘાત લાગ્યો. પણ મારી પાસે કોઈ રસ્તો નહતો. વેવાઈ સાથે વાત કરી તો એમણે કહ્યું કે તમારા પતિ તમને શા માટે છોડી ગયા એ તો તમે કહ્યું જ નથી. એમની હાજરી વિના હવે અમે કશું નહિ કરીએ. જે માણસ વીસ વરસ પહેલા જતો રહ્યો છે એને ક્યાં શોધું? વળી હવે એ લોકો નાની નાની વાતમાં શંકાઓ કરે છે. હું દરેક સવાલનો શાંતિથી જવાબ આપું છુ. પણ હવે ડર લાગે છે. એમની પ્રકૃતિ અને અમારું જીવન બહુ અલગ છે. અમે ભરોસા પર જીવીએ છીએ. અને એમને વાતેવાતે શક થાય છે. ક્યારેક વિચાર આવે છે કે ના પાડી દઉં. મારો દીકરો દેખાવડો છે, ખુબ સારું કમાય છે અને ખુબ હોંશિયાર છે. લગ્નને વાર થઇ એટલે એના નવા માંગા આવે છે. પણ પછી લાગે છે કે એને દુખ થશે. શું કરું કાઈ જ સમજાતું નથી. વળી હવે વેવાઈ કહે છે કે દીકરીઓ મળતી નથી એટલે અમે દીકરી વાળા છીએ તો અમારો હાથ તો ઉપર જ રહેશે.
જવાબ: બહેનશ્રી. સર્વ પ્રથમ તો આપને ખુબ ખુબ અભિનંદન. એકલા હાથે સફળ થવું સહેલું નથી. વળી સમાજમાં આપની પોતાની એક આગવી છાપ છે. આપનો દીકરો પણ હોનહાર છે. કોઈ પણ સંબંધ વિશ્વાસના આધાર પણ ઉભો રહે છે. વળી લગ્ન કરવા માટે બે પાત્રોની જરૂર ઉભી થાય છે. નારીનું સન્માન ખુબ જરૂરી છે. પણ નારીનું જ વર્ચસ્વ હોય એ પણ યોગ્ય નથી. લગ્નનો નિર્ણય બે પરિવારે ભેગા થઈને કરવો જોઈએ. જે રીતની પરિસ્થિતિ છે એ જોતા એવું વિચારી શકીએ કે તમારા વેવાઈ હજુ પણ તમારા ભૂતકાળને ઉખેળી રહ્યા છે. જો એમને એમની દીકરીમાં વિશ્વાસ હોત તો લગ્ન થઇ ગયા હોત.
તમારું અંગત જીવન એ તમારું છે. જો એનો પડછાયો તમારા દીકરાના જીવન પર પડે તો જે વ્યક્તિ એ પ્રયાસ કરે છે એને રોકવી જોઈએ. તમારા વેવાઈને સાફ શબ્દોમાં સમજાવો કે મારા પતિ જે રીતે મને છોડીને ગયા એ પછી એમને શોધવામાં મને રસ નથી. જો એ દુરાગ્રહ રાખે તો એનો અર્થ છે કે આજીવન આ સમસ્યા એ ઉભી કરશે. સ્વમાનના ભોગે લગ્ન તો ન જ થાય. તમારા કહેવા મુજબ વચન અપાઈ ગયા છે. એનો અર્થ કે બંને પક્ષે મંજુરી હતી. એ પછી પણ જો આવી સમસ્યા ઉદ્ભવતી હોય તો વિચારવું જોઈએ. લગ્ન એ શરૂઆત છે. જે વ્યક્તિ પોતાની મંજુરી પર પણ શક કરતી હોય એ ભવિષ્યમાં પણ કશુક એવું કરી શકે જે તમારા દીકરાને પસંદ નહિ પડે.
તમારી વાત પરથી સમજાય છે કે તમે પારદર્શક રીતે બધું સાચું કહો છો. જેમાંથી એમને નવા સવાલો ઉદ્ભવે છે. લગ્ન બે અલગ પરિવારમાંથી આવતી વ્યક્તિઓના જ થાય. પણ એ અલગતા કડવાસ ન લાવવી જોઈએ. યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર મળે જ છે. તેથી અન્ય કોઈ ચિંતા ન કરશો. તમારો દીકરો પણ સમજદાર છે. એટલે માત્ર લાગણીમાં આવીને નિર્ણય ન લેશો.
સવાલ: કયા રંગથી હોળી રમીએ તો ધન પ્રાપ્તિ થાય? સફેદ ચડ્ડી પહેરીએ તો ફાયદો થાય?
જવાબ: હોળી એ આનંદનો ઉત્સવ છે. એટલે એને અંધશ્રદ્ધા સાથે ન જોડવાની સલાહ છે. ગમતા રંગોથી કોઈને દુખ ન થાય એ રીતે હોળી રમી શકાય. માત્ર સફેદ ચડ્ડી પહેરીને બહાર જવાથી માર જરૂર પડી શકે. પુરા કપડા પહેરીને જ હોળી રમવી જોઈએ. ઉત્સવમાં પણ લાભની આશા રાખવી એ મુર્ખામી છે. ગમતા પુરા વસ્ત્રો પહેરીને ગમતા રંગોથી ગમતાનો ગુલાલ કરીએ.
સુચન: માત્ર છાણાની હોળી પ્રગટાવી બીજા દિવસે આખો દિવસ રેઇન ડાન્સ કરવાથી ગ્રીન હોળી નથી થઇ જતી. પ્રકૃતિ પ્રત્યેની સભાનતા સાથેની હોળી ગ્રીન હોળી કહી શકાય.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
