નારી પ્રધાન વાસ્તુ જેવું કાંઇ હોય ખરું? આવો પ્રશ્ન મનમાં જાગે ત્યારે મોટા ભાગના લોકો અજાણ હોય છે કે આવા નિયમો સાચે જ હોય છે. ભારતમાં નારી ને શક્તિ માનવામાં આવે છે તો પણ ખબર નથી પડતી કે પુરુષ સમોવડી નારી ના વિચાર ક્યાંથી જન્મ્યા. નારી એક સાથે ઘણા લોકોના મન સાચવી શકે છે. તેથી જ એને ઘરની જવાબદારી સોંપવામાં આવી હતી. પુરુષ ચંચળ હોય છે. એટલે એને સમજવો પડે. એ કામ નારી સારી રીતે કરી શકે. જો ઈશ્વરે સ્ત્રી અને પુરુષને અલગ બનાવ્યા છે તો એ અલગતા ને સમજવી પડે. હા એ વાત સાચી છે કે સમાજ પુરુષ પ્રધાન છે. અમેરિકા જેવા દેશોમાં નારી પ્રમુખ ક્યાં આવે છે? પણ આપણાં દેશમાં એ શક્ય બન્યું છે. જે નારી ઘરને સારી રીતે ચલાવી શકે છે એ રણ મોરચે પણ સક્ષમ છે. પણ શું બધા પુરુષ ઘરને એટલી સહજતાથી ચલાવી શકશે?
મિત્રો આ વિભાગ આપના માટે જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો.
સવાલ: હું વર્કિંગ વુમન છું. મારા ઘરમાં અમે બે વ્યક્તિ કમાઈએ છીએ. લોન ભરવા એ જરૂરી પણ છે. ઘરમાં ચાર માણસો સફાઈ અને રસોઈ જેવા કામ માટે છે. એટલે એકાદ ન આવે તો તકલીફ ન પડે. ક્યારેક એ ચારેય નથી આવતા. એ સમયે ખૂબ તકલીફ પડે છે. હું પગાર પૂરતો આપું છું. તો મારી માફક એ લોકો કેમ કામ પ્રત્યે વફાદાર નથી? વળી આવા સમયે બાળકો ઘરે એકલા પડી જાય છે. એટલે મારું મન ઘરે હોય છે અને એની અસર મારાં કામ પર પડે છે. શું આ વાસ્તુ આધારિત હોઈ શકે?
જવાબ: તમે વધારે સારી લાઈફ સ્ટાઈલ માટે દોડી રહ્યા છો. એમાં તમે તમારા પરિવાર ને સમય નથી આપી શકતા. એટલે તમને દુઃખ થાય છે. બાળકોને તમે ઉછેરો અને બીજા કોઈ એમાં ફર્ક તો દેખાય જ. વિદેશી જીવનશૈલી વિદેશી વિચારધારા પણ આપે. જે બાળકોને તમે સમય નથી આપી શક્યા એ તમને સમય આપશે ખરા? તમારા ઘરમાં વાયવ્ય અને ઈશાન નો દોષ છે તેથી આવું થાય છે. વળી અગ્નિમાં દ્વાર છે તેથી નારી પ્રધાન ઘર તમારી મહત્ત્વકાંક્ષા વધારે છે.
સવાલ: રંગીન મિજાજી માણસ અને બહુ રંગો દ્વારા રંગીન ઘરને કોઈ સંબંધ ખરો?
જવાબ: રંગોનો વાસ્તુ અને જીવન બંને માં ખૂબ મોટો ફાળો છે. વાયવ્ય એટલે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેની દિશા અને અગ્નિ એટલે કે પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશાને જોડતો અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું બની શકે છે. જ્યારે બહુરંગી મકાન આભાસી જીવન આપે. કુદરતમાં જ્યાં વધારે રંગો છે ત્યાં ઉણપ છે. મોરમાં ઉડાવવાની શક્તિ ઓછી છે અને ઈંદ્ર ધનુષ આભાસી છે. તેથી આ બન્ને બાબતો નકારાત્મક ગણાય.
સુચન : ગાયત્રી મંત્ર યોગ્ય રીતે કરવામાં આવે તો આંતરિક શક્તિ વધે છે. પણ જો યોગ્ય રીતે ન થાય તો ગુસ્સો પણ આવી શકે.
(આપના સવાલ મોકલી આપો Email :vastunirmaan@gmail.com)