વાસ્તુ: ઈશાનમાં કયા રંગો ન રખાય?

માણસ ના મનના રંગો કેટલા હશે? કુદરતના જ રંગો જેટલા જ? કુદરત માં રંગો કેટલા હોય છે? ચાલો આપણે આકાશના વિષે વિચારીએ. સવારથી સાંજ સુધીમાં આકાશમાં અસંખ્ય રંગો દેખાય છે. કોઈ પણ માણસ આટલા બધા રંગો વિષે વિચારે ખરા? ભલે વિચારી ન શકે પણ મનમાં રંગો તો ભરી શકે ને? એ રંગો એટલે આપણી લાગણીઓ. જેમ કુદરતના રંગો ન જોવા મળે તો મન ઉદાસ થઇ જાય એમ જ લાગણીની અભિવ્યક્તિ ન થાય તો પણ મન ઉદાસ રહે. એટલેજ વખતો વખત લાગણીની અભિવ્યક્તિ જરૂરી છે. હવે વિચાર આવે છે ને કે કઈ લાગણી વધારે સારી? જેમ સકારાત્મક લાગણીઓ ગમે એમજ સકારાત્મક રંગો પણ જોવાના ગમે. તો જીવનને સારા રંગોથી પ્રભાવિત કરીએ. જીવનને સુમધુર બનાવીએ.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: હું છેલ્લા વીસ વરસથી આપને ફોલો કરું છું. આપની યુ ટ્યુબ ચેનલ પર વાસ્તુ અને રંગો પર એપિસોડ જોયો. એ જોયા પછી મનમાં ઘણાબધા સવાલ ઉભા થયા. ઈશાનમાં કયા રંગો ન રખાય? એનો ફાયદો શું થાય?

જવાબ: આપનો વાસ્તુમાં વિશ્વાસ જોઇને આનદ થયો. ઇશાન એટલે હૃદય સાથે જોડાયેલી દિશા. એટલે જ ત્યાં યોગ્ય રંગો હોય એ જરૂરી છે. કાળો, ભૂરો, કથાઈ, લાલ, આ રંગો ઈશાનમાં ક્યારેય ન રખાય. ઈશાનની નકારાત્મકતા હૃદયને ન ગમે એવી ઘટના પણ ઉભી કરી શકે. તો પછી ઈશાનમાં કયા રંગો કરાય એવો વિચાર આવે જ. એના માટે વાસ્તુના ગણિતને સમજવું પડે. જેમ દરેક વ્યક્તિ અલગ અલગ હોય એમ દરેક વાસ્તુ પણ એક બીજાથી અલગ હોય. એટલે જે તે જગ્યાના આધારે નિર્ણય લઈએ એ વધારે યોગ્ય ગણાય.

સવાબ: ધુળેટીના દિવસે કયા રંગો કરવા જોઈએ?

જવાબ: ધુળેટીના દિવસે કેસુડાનું પાણી બનાવીને રંગવાનો રીવાજ એટલા માટે હતો કે એ ગરમીમાં રાહત આપે. ધાણી પિત નાશક છે. ખજુર રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમ ધૂળેટીનો તહેવાર ભારતીય રીતે ઉજવીએ તો એમાં વિજ્ઞાનના નિયમો પણ દેખાય છે.

સુચન: કેમિકલ વાળા રંગો થી હોળી ન રમવી જોઈએ. એ ચામડી ઉપરાંત મનને પણ અસર કરી શકે છે. વધારે પડતું કપૂર બળે તો એ શ્વસન તંત્રને નુકશાન કરી શકે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)