વાસ્તુ: માત્ર સ્વાર્થ માટે ઈશ્વર દર્શન કરવાથી નકારાત્મકતા આવે

જીવન અને મૃત્યુ બંને ઈશ્વરના હાથમાં છે. એવું માનવા વાળો માણસ સતત ઈશ્વર બનવા મથી રહ્યો છે. પક્ષીને ચણ ન નાખીએ તો એ ચણ્યા વિના મરી જશે? માછલીને લોટ ન આપીએ તો એ પાણીમાં ઉપવાસ કરશે? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે કુદરતના દરેક જીવ પાસે પોતાના નિર્વાહ માટેની વ્યવસ્થા છે. જાણે ચકલીને ઘર ના મળે તો એ આત્મહત્યા કરી લેવાની હોય એવી માનસિકતા સાથે જીવનાર માણસ સતત પોતે જ વિશ્વ ચલાવે છે એવી ભ્રમણામાં જીવી રહ્યો છે.

આમ જોવા જઈએ તો ચણ નાખીને આપણે પક્ષીઓને પરાવલંબી બનાવી દઈએ છીએ. આવું જ આપણે આપણી નવી પેઢી સાથે કરી રહ્યા છીએ. એમને જીવનમાં બધુજ આપીને આપણે અંતે તો એમની મહેનત કરવાની શક્તિને ઓછી કરી દઈએ છીએ. શા માટે મહેનત વિના કશું પણ આપવું જોઈએ? વળી જે લાયક છે એના પૈસા ન આપીને એનું પાપ ધોવા માટે ઘણા લોકો ધર્માદો કરવા જાય છે. શું એને પુણ્ય મળે ખરું? કોઈને છેતરીને ધર્મસ્થાનમાં દસ ટકા મુકવાથી ઈશ્વર માફ કરી દે? અને એ પૈસા ઈશ્વર વાપરે છે ખરા? આ બધી જ બાબતો માત્ર મન મનાવવા માટેની છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું ઈશ્વર માત્ર મંદિરોમાં જ વસે છે? આપને મારો સવાલ થોડો અજુગતો લાગશે. પણ જો જગતના કકણ કણમાં ઈશ્વર હોય તો પછી એને પામવા ભીડ લગાવવાની જરૂર ખરી? એક બિલ્ડરે મારી એક મોટી રકમ લઇ લીધી અને પછી ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે. એમણે પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે હું ઈશ્વરની સાક્ષીએ તમને વચન આપું છુ કે હું તમને તમારી પ્રોપર્ટી આપીશ. એનો એજન્ટ કહે છે કે એ વ્યક્તિ દસ ટકા મંદિરમાં આપે છે. એટલે મંદિરના લોકો એમનો જ પક્ષ લેશે. તો શું માત્ર પુજારીના કહેવા પર વ્યક્તિત્વ નક્કી થાય? વળી ખોટું કરીને દેવસ્થાનમાં પૈસા મુકીએ એટલે પાપ ધોવાઈ જાય? અને પેલી ઈશ્વરની સાક્ષી વાળી વાર્તાનું શું?

આપણે જે પ્રસાદ ખરીદીને લઈએ છીએ એ ખરેખર ઈશ્વરની સમીપ જાય છે કે પછી એ માત્ર મીઠાઈ હોય છે અને આપણે એને પ્રસાદ માનીને લાઈનમાં ધક્કા ખાઈએ છીએ? પ્રસાદનો વેપાર થઇ શકે? એનો અર્થ તો એજ થયો ને કે જેની પાસે પૈસા છે એને જ ઈશ્વર એમનો પ્રસાદ લેવા માટે લાયક સમજે છે? ઈશ્વરના દરબારમાં પણ આવી પ્રથા? મને આવા નિયમો સમજાતા નથી. જો પ્રસાદ ન ખાઈએ તો ઈશ્વર સાથ ન આપે? જો એવું હોય તો કર્મના સિદ્ધાંતનું શું? બહુ બધું ગોળગોળ લાગે છે. કોઈ એક નિયમ સીધો સમજાતો નથી. મહેરબાની કરીને જો આપની પાસે જવાબ હોય તો સમજાવવા વિનંતી.

જવાબ: આપના સવાલોના જવાબ આપવા માટે આખું પુસ્તક લખી શકાય. આપની વ્યાકુળતા હું સમજી શકું છુ. ઈશ્વર સર્વત્ર છે જ. વળી પ્રસાદ પર બધાનો સમાન અધિકાર છે. ઈશ્વરની સામે બધા સમાન છે. હું સમજુ છુ એ મુજબ જેની પાસે ધન અને સત્તા છે એને અગવડ પડે ત્યારે એ કોઈ મોટા માણસને યાદ કરશે. જેનું કોઈ નથી એ પહેલા ઈશ્વરને યાદ કરશે. એનું કારણ છે કે એની પાસે કોઈ એવી ઓળખાણ નથી કે જેના લીધે એને માણસોને યાદ કરવાનું મન થાય. જે કાર્ય માણસની પહોંચની બહાર છે એના માટે એ ઈશ્વરને યાદ કરે છે.

ઈશ્વર એક તત્વ છે અને એના નિયમો બધા માટે સમાન છે. જો ઈશ્વર સર્વત્ર છે એ માન્યતા પ્રવર્તે તો માણસ ખોટું કરતા ડરે. પણ જેને ખોટું કરવું છે એ મન મનાવી લે છે કે ઈશ્વર માત્ર દેવસ્થાનમાં જ છે. અહી જોવા વાળું કોઈ નથી. ખોટું કરતી વખતે માણસ એ ભૂલી જાય છે કે એક વ્યક્તિને આ વાતની ખબર છે અને એ વ્યક્તિ એ પોતે છે. અને પછી પોતાના પાપમાં ભાગીદાર બનાવવા માટે એને કોઈની જરૂર પડે છે. જે એને બચાવી શકે. ધાર્મિક હોવું અને અધ્યાત્મિક હોવું એમાં ઘણો મોટો ફર્ક છે. પોતાની જાતને વફાદાર વ્યક્તિ દેવસ્થાનમાં નહિ જાય તો પણ ઈશ્વરની હાજરી એ મહેસુસ કરશે. આને કર્મનો સિદ્ધાંત કહે છે. આપણા ઇતિહાસમાં ઘણા ગરીબ લોકોને ઈશ્વરની પ્રતીતિ થઇ છે એના દાખલા છે. કોઈ પણ ધર્મ એના મૂળભૂત સિદ્ધાંતોથી ઓળખાય છે. તેથી મૂળ સુધી અભ્યાસ કરવો જરૂરી છે. વળી પાપ ધોવાની પ્રથા કોઈ પણ ધર્મનો ભાગ ન હોઈ શકે.

આપે જે બિલ્ડરને પૈસા આપ્યા અને એણે ઈશ્વરની સાક્ષીએ લીધા એ સમયે તમે લખાણ ન લીધું એ યોગ્ય ન કહેવાય. આવા લોકો ઈશ્વરના નામે ખોટું કરતા હોય છે. એમને કર્મની અસર થશે જ. પણ આવો આંધળો વિશ્વાસ ન જ કરાય. દેવસ્થાનમાં જનારી દરેક વ્યક્તિ ઈશ્વર પ્રાપ્તિ માટે જ જાય છે એ જરૂરી નથી. વળી પુજારી જો ખોટા માણસને માત્ર એની દાનની ક્ષમતા જોઇને ખોટું કરવામાં સાથ આપે તો એ પણ એના પાપમાં ભાગીદાર બને છે. જે ધાર્મિક હોવાનો વધુ પડતો દેખાડો કરતા હોય એવા લોકોથી ચેતવું જોઈએ. કશુક છુપાવવા માટે જ દેખાડો કરવો પડે છે.

સૂચન: માત્ર સ્વાર્થ માટે ઈશ્વર દર્શન કરવાથી નકારાત્મકતા આવે છે.

આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com