સ્ટોરેજ બેડ તમારા શરીર અને ઘર પર શી અસર પાડે…

“તમે તમારી સીડી આપશો? મારે ઘર સાફ કરવું છે.” “ માળિયામાંથી બધાં જ જૂના વાસણ કાઢીને બરાબર ઘસી નાખજે. ચમકવાં જોઈએ.” “ વરસમાં એકવાર તો દીવાળી આવે છે. તો સફાઈ પણ એવી જ થવી જોઈએને?” દીવાળીના તહેવાર પહેલા આવા વાક્યો સંભળાવા લાગે. ઘરનો બધો જ સામાન થોડા સમય માટે જાણે અસ્તવ્યસ્ત થઇ ગયો હોય તેવું લાગે. પછી થોડા જ સમયમાં તે યોગ્ય રીતે ગોઠવાઇ પણ જાય અને ઘર નવું નક્કોર લાગે. દીવાળી એટલે ભારતનો મુખ્ય તહેવાર. તેથી જ તે તહેવારની ઉજવણી પણ લાંબી ચાલે છે.

દશેરા પતે, નવરાત્રિનો થાક ઉતરે એટલે સફાઈ શરુ અને આ સફાઈ કરતી વખતે ઉત્સાહના લીધે થાક પણ ન લાગે. ભારતીય વાસ્તુના સંદર્ભમાં આ આખી પ્રક્રિયા વિચારીએ. એવું કહેવામાં આવે છે કે પત્થરમાં પણ પ્રાણ હોય છે. એટલે કે આપણી આસપાસ જેટલી પણ વસ્તુઓ છે તેનામાં ઊર્જા હોય છે. આ વાતનું શ્વેત પ્રજાએ ખંડન કર્યું અને આપણે સહેજ પણ વિચાર્યા વિના તે સ્વીકારી લીધું.

જેમ યુરીયા વિના ખેતી ન થાય અને ટૂથપેસ્ટ વિના દાંત સાફ ન થાય તેવી વાત આવતાં જ આપણે તેમને શરણે જતા રહ્યાં તે જ રીતે. અમુક સમય બાદ કોલસાની ટૂથપેસ્ટ આવી, મીઠાવાળી ટૂથપેસ્ટ આવી, બાવળવાળી પણ ટૂથપેસ્ટ આવી અને આપણે તેને હોંશેહોંશે પુનઃ સ્વીકારી લીધું. ઓર્ગેનિક ખેતીની પ્રથા પણ એ આપણને શીખવાડવા લાગ્યાં. ટૂંકમાં જે આપણું હતું તે પહેલાં ભૂલાવી દીધું અને પછી તે પોતાના લેબલ સાથે પાછું આપ્યું.

આવી જ રીતે તેમણે સમજાવ્યું કે કોઈ પણ પદાર્થમાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિના કારણે જે તે પદાર્થમાં પોટેન્સિયલ એનર્જી એટલેકે સંચિત ઊર્જા હોય છે. હવે આ નિયમ એમણે આપ્યો હતો. સ્વીકારવો તો પડે જ ને? આ આખી વાતમાંથી જે સમજાય છે તે છે કે આપણી આસપાસની દરેકે દરેક સજીવ કે નિર્જીવ વ્યક્તિ કે વાસ્તુમાં પોતાની ઊર્જા છે. જયારે તે એક જગ્યાએથી અન્ય જગ્યાએ જાય ત્યારે તેની અંદર ઊર્જાનો સંચાર ચાલુ રહે છે.

પરંતુ જો તે એક જ જગ્યાએ રહે તો તેની ઊર્જા ઓછી થતી જાય છે. તેથી લાંબા સમયથી ઘરમાં એકજ જગ્યાએ પડી રહેલી બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરી દેવો જોઈએ. નકારાત્મક ઊર્જાવાળી વસ્તુનો નિકાલ નકારાત્મક ઊર્જા ઓછી તો કરે જ છે. પરંતુ નવી સકારાત્મક ઉર્જાના આગમન માટે જગ્યા પણ ઉભી કરે છે. કેટલાક લોકો કહે છે કે સંઘરેલો તો સાપ પણ કામ લાગે. પણ ઊર્જાનું વિજ્ઞાન લાંબાસમય સુધી વસ્તુના એક જ જગ્યાએ કરેલા સંગ્રહને સમર્થન આપતું નથી.

હવે સવાલ એ ઉદભવે કે જરૂરી વસ્તુઓ પણ ઘરમાં ન રાખવી? સ્ટોરેજ બેડ હોય તો શું કરવું? સ્ટોરેજ બેડમાં લાંબા સમય સુધી વસ્તુઓ પડી રહી હોય તો ધીરેધીરે તેની ઉપર સૂવાવાળી વ્યક્તિને સાંધાનો દુખાવો થાય તેવી ઊર્જા ઉદભવી શકે છે. આ વાત આમ સાવ સામાન્ય લાગે છે. પણ મેં મારા રીસર્ચમાં આ વાત વારમવાર જોયેલી છે.સ્ટોરેજ બેડ બનાવવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે સૂતી વખતે જે વસ્તુઓની જરૂરિયાત છે, જેમ કે ચાદર, ગોદડું, ઓશિકા, તે દિવસ દરમિયાન પલંગ પર ન રહે અને રાત્રે પલંગમાંથી જ તે મળી રહે. તેથી અંદરની વસ્તુઓ દરરોજ બહાર નીકળતી હોવાથી લાંબા સમય સુધી તે એક જ જગ્યાએ પડી ન રહે. પલંગ ખોલતાં હવે વાસણ પણ નીકળે તેવું ક્યારેક બનતું હોય છે.

આવા સંજોગોમાં જે વસ્તુઓ છેલ્લાં બે વરસથી વપરાઈ નથી તેને પહેલા અલગ કરી અને બહાર કાઢી શકાય. પોતાના સ્વાસ્થ્યની સામે વસ્તુનું વધારે મહત્વ વિચારી શકાય ખરું? ક્યારેક વસ્તુની સાથે જોડાયેલી લાગણીના લીધે પણ તે વસ્તુ ભલે ખંડિત થઇ ગઈ હોય, પણ એક જ જગ્યાએ વરસોથી પડી હોય તેવું બને.

જેમ સંગહ કરેલી નકામી વસ્તુઓને વિદાય આપીએ તેવી જ રીતે મનમાં રહેલી નકારાત્મક લાગણીઓ  જેવી કે, ક્રોધ, ભય, ધૃણા, સ્વાર્થ, વેર વગેરેને પણ દીવાળીના તહેવારો પહેલાં તિલાંજલિ આપી અને મનને સાફ કરી દેવું જોઈએ. મેં વાત કર્યા મુજબ, જો નકારાત્મક લાગણીઓને મનમાંથી બહાર કાઢી નાખીશું, તો જ નવી સકારાત્મક લાગણીઓ માટે મનમાં જગ્યા થશે. પ્રેમ અનુકંપા, સ્નેહ, જેવી લાગણીઓ સાથે દીવાળીની ઉજવણી કરવામાં આવશે તો જૂના નકારાત્મક સંબંધો પણ સુધરશે અને મનમાં પણ ઝળહળાટ થશે. તો આ દીવાળીએ  ઘરની સાથોસાથ મનની પણ સફાઈ કરી દઈએ?