નવરાત્રી આવે એટલે લોકોને જાત જાતના વસ્ત્રો ખરીદવા અને ભાતભાતની સ્ટાઈલ શીખવાનો શોખ જાગે. ખેલૈયાઓ જાણે જગત સર કરવાનું હોય એવી તૈયારીઓ કરે. મોંઘા ભાવના પાસ ખરીદે. અને તહેવારને ઉજવણીમાં ફેરવી દે. એમાં એ જો વરસાદની આગાહી થાય તો બધાના જીવ ઊંચા થઇ જાય કે હવે મોંઘા ભાવના પાસનું શું? તો કેટલાક એવું પણ કહે કે ભલે કીચડ થઇ જાય પણ ગરબા તો કરવા જ પડે. આ બધી વાતમાં નવરાત્રી એટલે સાધનાનું અને શક્તિનું પર્વ એ તો વિસરાઈ જ જાય. ગરબા લોકોને દેખાડવા થાય, ઇનામ લેવા માટે થાય કે માતાજીની આરાધના માટે થાય? ગરબા કેવી રીતે થાય, શું કામ થાય અને કયા સમયે થાય એના વિષે જાણવામાં કે એ રીતે ગરબા કરવામાં કેટલા લોકોને રસ હશે? શું આપણી સંસ્કૃતિને આ જ રીતે સાચવી શકીશું?
નવરાત્રી એ આરાધનાનું પર્વ છે. આ દરમિયાન સાધના કરવાના અઢળક ફાયદા છે. સવારે વહેલા ઉઠીને અનુષ્ઠાન કરવાનું મહત્વ છે. અને એ અનુષ્ઠાનનું ફળ પણ નવરાત્રી દરમિયાન શ્રેષ્ઠ મળે છે.
મિત્રો આ વિભાગ આપનો જ છે. જો આપણે કોઈ સવાલ હોય તો જરૂરથી આપ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો. આપણે જવાબ મળશે જ.
સવાલ: કેટલીક ગુજરાતી, હિન્દી અને વિવિધ ભાષાની ફિલ્મોમાં ઈશ્વરની સામે બુટ પહેરીને ફરતા બતાવાય છે. તો એને માત્ર ફિલ્મનું મનોરંજન ગણીને ચલાવી લેવાય કે વિરોધ કરવો જોઈએ? શું એના માટે કોઈ સકારાત્મક ઉર્જા ન મળે કે લોકોને સાચો માર્ગ મળે?
જવાબ: મનોરંજન એટલે મનને આનદ આપતી વસ્તુ કે ઘટના. તો એના કારણે કોઈને દુ:ખ કેવી રીતે પહોંચી શકે?આનંદ વિકૃત ન જ હોઈ શકે. આના માટે ફિલ્મ બનાવનાર વ્યક્તિની સાથે જે લોકો ફિલ્મને મંજુરી આપે છે તેમણે પણ વિચારવું જોઈએ. પણ વિરોધ કરવાનું કેવી રીતે એ નક્કી કાર્ય વિના વિરોધ ન કરાય. વિરોધ આખી પ્રક્રિયાનો થવો જોઈએ. એક ચળવળ તરીકે થાય તો જ પરિણામ મળે. સંસ્કૃતિ અને સંસ્કાર બંન્નેનું જતન આપણે કરવું જ પડશે બાકી નવી પેઢીને આપણે શું આપીને જઈશું? હવે વાત કરીએ સકારાત્મક ઉર્જાની. ભારતીય વાસ્તુમાં એના માટે અત્યંત સચોટ અને સુંદર વાત કરવામાં આવી છે. પણ માત્ર ઉપરછલ્લી માહિતી સાથે એને કામ ચલાઉ રીતે વાપરનાર લોકોને એ ન સમજાય. એના માટે પણ એક સાચી સમજણ જરૂરી છે.
સવાલ: મારાથી ઘણા ખોટા કામ થઇ ગયા છે. કોઈ એવી પૂજા કહોને જેનાથી પાપ ધોવાઈ જાય. એના માટે ખર્ચની ચિંતા નથી.
જવાબ: પાપ ધોવાઈ જાય? અને એ પણ ખર્ચો કરીને?કર્મનો સિદ્ધાંત એ આપણી સંસ્કૃતિનો ભાગ છે. ખોટા કામ થઇ ગયા છે એ વાત પણ નથી સમજાતી. એવું એકાદ બે વાર થાય. કાયમ નહિ. સહુથી પહેલા તો ખોટું અને સાચું એનો ભેદ કેવી રીતે કરવો એ સમજવું જરૂરી છે. વળી પાપ અને પુણ્યને પણ સમજવા પડે. પ્રાયશ્ચિત એ એક ઉપાય છે. પણ પૈસા આપીને પુણ્ય ખરીદી ન જ શકાય. કોઈ પૂજા પાપને ધોવામાં મદદ કરે અને તમે ફરી પાપ કરી શકો એને માટે નથી બની. સત્કર્મો કરો અને પૈસાથી બધું થઇ જશેની માન્યતામાંથી બહાર આવી જાવ.
સુચન: પ્લોટમાં ઉત્તર દિશામાં દક્ષીણ દિશા કરતા માર્જીન વધારે હોવો જોઈએ.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)