વાસ્તુ: શું ઈશાનનો દોષ હોય તો અકાળ મૃત્યુ થાય?

જરા વિચારો, જો કોઈ સરહદ જ હોય તો? દુનિયાની મોટા ભાગની સમસ્યાઓ ઓછી થઇ જાય. એક ખેડૂત પોતાનો શેઢો મોટો કરવાની લ્હ્યાયમાં આખી જિંદગી કાઢી નાખે છે. એ જ રીતે એક શાશક પોતાની જમીન વધારવા પરિવારને છોડીને આખી જિંદગી બહાર લડ્યા કર્યાનો ઈતિહાસ પણ છે જ. મૃત્યુ સમયે પરિવાર સાથે ન હોય એવું મૃત્યુ શું કામનું? પહેલા શાશકો જાતે લડવા જતા. હવે શાશકો માત્ર નિર્ણયો લે છે. પણ જો સરહદનો વિવાદ જ ન હોય તો? સમગ્ર વિશ્વમાં મોંઘા હથિયારોનો વેપાર બંધ થાય. સોંઘવારી આવે. માનસિક, શારીરિક અને આર્થિક સુખ પણ દેખાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: આતંક એટલે શું? શું કોઈને હથિયારથી મારી નાખવાને જ આતંક કહે છે? એક નિશાળ વિદ્યાર્થીના વાળી પાસેથી તગડી ફી લીધા પછી પણ વારે તહેવારે આ ખર્ચો અને તે ખર્ચો આપવો પડશે નહીતો વિદ્યાર્થીને નિશાળ બદલવી પડશે એવું કહે એને આતંક ન કહેવાય? એક ખંડણીખોર આખાને આખા પરિવારને આત્મહત્યા કરવા પ્રેરે એને આતંક ન કહેવાય? એક પ્રેમી એના પ્રિય પાત્રને પોતાને ગમતું કરાવી અને છોડી દે એને આતંક ન કહેવાય? એક વ્યક્તિ નોકરીમાં ઓછા પગારે વધારે કામ કરે કારણકે એના પરિવારને એની જરૂર છે તો એ નોકરીના નિયમોને આતંક ન કહેવાય? એક માણસ નકલી માલ વેંચી અનેકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે એને આતંક ન કહેવાય? શું આ બધા પર કોઈ કંટ્રોલ જરૂરી નથી?

જવાબ: આપના સવાલો યોગ્ય છે. પણ આતંક ભય સાથે જોડાયેલ શબ્દ છે. આપે જે પ્રક્રિયાઓ જણાવી છે એનાથી આપણો સમાજ ટેવાઈ ગયો છે. બધા પોતાનો હક મારી રહ્યા છે. મારી દ્રષ્ટીએ તો એ લોકો પોતાના મન સાથે જ આતંક કરી રહ્યા છે. ખોટી વસ્તુ સહન શા માટે કરવી જોઈએ? લાખો રૂપિયાની ફી ભર્યા પછી જયારે શિક્ષક ધમકી આપે તો પોતાના બાળકને ઘરે ભણાવવાની તૈયારી છે કોઈની? આપણે ત્યાં હોમ સ્કુલ પણ છે. એ સમય દુર નથી કે જયારે માત્ર આવડતના આધારે કામ મળશે. હાથમાં ડીગ્રી લઈને નોકરી શોધતા યુવાનોનો સમય બદલાઈ રહ્યો છે. માત્ર ડીગ્રીઓ શું કામની? કોઈની પાસે વધારે વ્યાજના પૈસા લેવાનું બંધ કરવું જોઈએ. કોઈ ખંડણી માંગે તો એની ફરિયાદ કરવી જોઈએ. પોતાને ન ગમતું કશું પણ કરવાનું થાય ત્યારે પોતાની જાતને જ સવાલ પૂછવો જોઈએ કે શું આ મારા માટે યોગ્ય છે?

આજે તો નાના નાના ગ્રુપ, સોસાયટીમાં પણ રાજકારણ ઘુસી ગયું છે. લોકો અર્થ ઉપાર્જન માટે કમિટીમાં આવીને અન્યનું દમન કરે છે અને લોકો ડરના માર્યા સહન કર્યા કરે છે. આપણે એ ભૂલી ગયા છીએ કે લીડર્સ આપણે એમને આપણા પ્રતિનિધિ બનાવ્યા છે. એ આપણા માલિક નથી. જે પોતાના હક બીજાને સોંપે છે એ ફરીયાદ જ કરવાના. કોઈ ન ગમતું કરે તો એને શરૂઆતમાં જ રોકો. પછી એને આદત પડી જશે.

વળી કાશ્મીરમાં હુમલો થયા પછી પણ લોકો ત્યાં ફરવા જાય છે. અંતે દોષ સરકારને જ દેવાના. સ્વ માટેની સભાનતા પણ ખુબ જરૂરી છે. કાશ્મીર ફરવા જતી વખતે સ્વરક્ષા માટે લોકો કોઈ પ્લાન વિચારે છે? જો નથી વિચાર્યો તો સંજોગોને સ્વીકારવાનું શીખવું પડે. માત્ર ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. દુનિયાની કોઈ પણ સરકાર દેશના ખૂણે ખૂણે સુરક્ષા નહિ આપી શકે. એના માટે લોકોએ જ જાગૃત થવું પડશે.

સવાલ: શું ઈશાનનો દોષ હોય તો અકાળ મૃત્યુ થાય?

જવાબ: ઇશાન એ હૃદય સાથે જોડાયેલી દિશા છે. તેથી હૃદયને લગતી સમસ્યા આવી શકે.

સુચન: મંત્ર એ સાંભળવાની ક્રિયા નથી. મંત્ર ચેતના જાગૃત કરે છે. પણ એના માટે જાતે મંત્ર કરવા જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)