મૃત્યુ પછી કેવું સન્માન મળશે એ જાણવું હોય તો એક વાર મરી જવું પડે. એ જ રીતે જીવનને માણવું હોય તો એક વાર સાચા અર્થમાં જીવી લેવું પડે. વ્યક્તિ સાથે ગમે તેટલા મતભેદ હોય પણ અંતે તો સ્વીકૃતિ આવવી જ જોઈએ. અને ન ગમતી વ્યક્તિને પણ ક્યારેક તો ગમતું કરવું જોઈએ. આ બધું કર્યા બાદ તૂટેલા સંબંધો પાછા મઘમઘતા થઇ શકે છે. આપણે શું લઈને જવાના હતા એ કહેવાનું ગમે પણ જીવતા જીવ પોતાનું સર્વસ્વ કોઈને આપવાની હિંમત છે ખરી? મને કોઈનો ડર નથી કહ્યા પછી પણ જો સુરક્ષાકર્મીઓની જરૂર પડે તો વિચારવા જેવી બાબત છે. મોટાભાગે કઈક થઇ જશે એના ભયમાં વ્યક્તિ અન્યનું નુકશાન કરી નાખે છે. અને ત્યાર બાદ પોતે ખોટું કર્યું છે એનો રંજ એને કોરી ખાય છે. આ વાતની કોઈને ખબર ન પડી જાય એના માટે એ ફરી કોઈ એવું કાર્ય કરે છે જે માત્ર કાલ્પનિક ભય દ્વારા પ્રેરિત છે. સકારાત્મક ઉર્જા ભયમુક્ત જીવન આપી શકે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: તમારા બે પુસ્તકો મને એક મિત્ર એ ભેટમાં આપ્યા. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે પ્રેમ અને કામ સાથે વાસ્તુ નિયમો જોડાયેલા હોય. વળી એનો સંપૂર્ણ વિરોધાભાષ એટલે મનની શાંતિ. તમે આ બંને વિષયો પર સરસ માહિતી આપી છે. પણ એક સવાલ ઉદ્ભવે છે કે ભારતીય વાસ્તુના નિયમો આવી અન્ય કઈ કઈ બાબતો સાથે જોડાયેલા છે?
જવાબ: વાસ્તુ શબ્દ વસ પરથી આવ્યો. વસવાટ માટેના નિયમો એટલે વાસ્તુશાસ્ત્ર. રહેવું એને વસવું એમાં ફર્ક છે. વ્યક્તિની માનસિક, શારીરિક, આર્થિક, સાંસારિક અને સામાજિક જરૂરિયાતો સાથે વસવાટ જોડાયેલો છે. ટૂંકમાં જીવવા માટે જે કાઈ કરુરી છે તેની સાથે વાસ્તુના નિયમો જોડાયેલા છે એવું કહી શકાય. ભારતીય વાસ્તુમાં માત્ર બાંધકામના કે ઘર માટેના જ નિયમો નથી. તે સુખમય જીવવા માટેના નિયમોનું જ્ઞાન છે.
પ્રેમ અને શાંતિ એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. તેથી જ આ બે પુસ્તકોથી મેં શરૂઆત કરી છે.
સવાલ: થોડા સમયથી સોસીયલ મીડિયા પર એક વ્યક્તિ સતત ડરાવવા વાળા મેસેજ મોકલે છે. કે એક રાજ્યમાં બાવાઓ વશીકરણ કરીને પૈસા પડાવે છે. સાવધાન રહેજો. એક ટોળકી સરકારી યોજના સમજાવવાના બહાને આધાર કાર્ડ અને અન્ય માહિતી માંગે છે. ચેતજો. ગામના છેવાડે ડ્રગ્સ પકડાઈ. તમે બાળકોને બહાર ન મોકલજો. એની સામે જાતજાતના કૌભાંડો સામે આવે છે. કોઈનું જાણ બહાર ઓપરેશન થઇ જાય. તો કોઈ કારણ વિના મર્ડર કરી નાખે. શું આવા ફોર્વર્ડેડ સંદેશાઓ પર પ્રતિબંધ ન આવવો જોઈએ? બની શકે કે આવા મેસેજ ના લીધે ભયભીત થયેલા લોકો નાની નાની વાતમાં હુમલા કરવા લાગે.
જવાબ: સમગ્ર વિશ્વમાં ભયનો ખુબ મોટો વેપાર ચાલે છે. સહુથી મોટો ભય મૃત્યુનો હતો. હવે ભૌતિકતાની આંધળી દોટમાં તે ગરીબીનો થઇ ગયો છે. તેથી સતત કોઈનું છીનવી લેવાની વૃત્તિ વધી રહી છે. જેમનું શોષણ થાય છે તે પણ ભયના લીધે ચુપ રહે છે. તેથી આવા લોકોને વધારે મોકા મળી જાય છે. સર્વ પ્રથમતો આત્વિશ્વાસ કેળવો. નકારાત્મક મેસેજ આવતા હોય એવા ગ્રુપમાંથી બહાર નીકળી જાવ. અથવાતો એવા લોકોને સમજાવો કે આવા મેસેજ ન મોકલે. મોટા ભાગે આ નવરા લોકોનું કામ છે. તેથી એ નહિ માને. તો એમને ગણકારો નહિ. જો ખરાબ શોધવા જઈએ તો સમગ્ર વિશ્વ ખરાબ લાગશે. અને સારું શોધીશું તો બધાજ સારા લાગશે. આ જ વાતાવરણમાં જીવવાનું છે. બસ સભાનતા પૂર્વક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.
સુચન: બ્રહ્મનો દોષ કાલ્પનિક ભય આપી શકે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)