ક્યારેક માણસને સુખના પણ ઉબકા આવે. કોઈ પણ સ્થિતિનો અતિરેક હાનિકારક હોઈ શકે. સાચા સુખ માટેની હકારાત્મક ઊર્જા મળે છે વાસ્તુ નિયમો થકી. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે ત્રિકોણાકાર પ્લોટમાં બનેલું છે. તેથી જ તેમાં ઘણાબધા ખાંચાખૂંચી છે. વાયવ્યથી અગ્નિ તરફ ત્રાંસ આવતી હોવાથી, વિવિધ પ્રકારની સમસ્યા જોવા મળે.
બીમારીઓ જેવી કે ગર્ભાશયને લગતી તકલીફ, મૂત્ર માર્ગને લગતી તકલીફ, ફેફસા તેમજ પેટને લગતી બીમારીઓ, આત્મવિશ્વાસનો અભાવ, સાંધાની સમસ્યા, નારીને અસંતોષ, કોર્ટ કચેરી, અથવાતો કંકાશ આવી શકે. આ વિવિધ ખાંચાઓના વિવિધ પરિણામો હોઈ શકે. આ એપાર્ટમેન્ટમાં પશ્ચિમમાં પૂર્વ કરતા બારીઓ વધારે છે જેનાથી માન સન્માનને લગતી સમસ્યા આવી શકે. ઉત્તરમાં દક્ષિણ કરતા વધારે ઓપનીંગ છે જે સારું ગણાય. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ ના પદનું છે. જેથી ઘરના બધા સદસ્યો એક જ સાથે ઘરમાં રહે તેવી સ્થિતિ ઓછી રહે. પૂર્વમાં ડાયનીંગ રૂમ યોગ્ય
ગણાય. અગ્નિનો બેડરૂમ યુગલ માટે યોગ્ય નથી. અગ્નિમાં ટોઇલેટ નારીને લગતા રોગ આપે. તેથી આ ઘરમાં નારીને સુખ ઓછુ રહે. બાલ્કની યોગ્ય નથી. પશ્ચિમમાં પશ્ચિમ મુખી રસોઈના કારણે ઘરમાં નારીના કારણે વખતો વખત વાતાવરણ ઉગ્ર બને. કારણ વિનાની ચર્ચા થાય. રસોઈનો સ્વાદ બદાલાયા કરે. અજંપાવાળું વાતાવરણ રહે. બ્રહ્મમાં ઉત્તર મુખી પૂજા વધારે પડતી મહત્વકાંક્ષા આપે. તેથી જે મળ્યું છે તેની મજા લેવાને બદલે જે નથી તે તરફ નજર વધારે રહે. પશ્ચિમમાં વડીલોનો બેડરૂમ હોઈ શકે. પશ્ચિમ તરફ માથું રાખીને સુવાથી નિંદ્રા નહિ પણ તંદ્રા રહે. ઊંઘ પૂરી થયાનો સંતોષ ન રહે. વાયવ્યના બેડરૂમ માં ઉત્તર તરફ માથું રાખીને સુવાથી હાયપરટેન્સન અથવા ખોટી જીદની સમસ્યા આવે. દીવાલના એક ખૂણા પર વધારે દરવાજા આર્કિટેક્ચર અને વાસ્તુ બંનેની રીતે યોગ્ય નથી. ઉત્તરમાં ટોઇલેટ નકારત્મક ગણાય. ખુબજ આર્થિક ચિંતા ઉપરાંત પુરુષના આત્મવિશ્વાસ અને નારીના અસંતોષ નું તે કારણ બની શકે. ઇશાનમાં બાલ્કની યોગ્ય ગણાય. ઇશાન પૂર્વમાં લીવીંગ રૂમ યોગ્ય છે. પણ અહીની આંતરિક વ્યવસ્થાના કારણે ઉગ્રતા રહે. ઘરમાં ચાર અક્ષ નકારાત્મક છે. જે તન, મન, ધન, સાંસારિક, સામાજિક અસંતોષ આપે. સમસ્યા ગમે તેટલી મોટી હોય તેનું નિરાકરણ તો હોય જ.
ભારતીય વાસ્તુમાં હકારાત્મક ઉર્જાના નિયમો છે. જે આમાં મદદરૂપ થાય છે. આજ ઘરમાં હકારાત્મક ઉર્જા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના જરૂરી છે. ત્યાર બાદ લીવીંગ રૂમમાં તાંબાના વાસણમાં ગુલાબ ની પાંદડી રાખવી. અગ્નિના બેડ રૂમમાં કાચના વાસણમાં ગુલાબ, વાયવ્યના બેડ રૂમમાં ચાંદીના વાસણ ગુલાબ પાંદડી સાથે સફેદ ફૂલ, રસોડા ઇશાન તાંબાના કલશ ગાળેલું પાણી રાખવું. અગ્નિ બેડ રૂમમાં પૂર્વ ઈ દીવાલ પર પેસ્ટલ યેલો અને વાયવ્ય ના બેડરૂમમાં પશ્ચિમની દીવાલ પર નેવી બ્લુ રંગ લગાવવા. ઘરમાં ગુગલ, અંબરનો ધૂપ ફેરવવો. દર ગુરુવારે ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ ના પાનનું તોરણ લગાવી ઉંબરો પૂજી લેવો. દર બુધવારે મગ ખાવા અને સમળીના ઝાડને દૂધ ચડાવવું. સૂર્યને અર્ઘ આપવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, ગુલાબજળ, શેરડીનો તાજો રસ, સરસવ, કેવડાનું અત્તર, દહીંમાં કાળા તલ, પાણી નો અભિષેક કરીને બીલીપત્ર ચડાવી દેવા.
સંતોષથી જ સુખ છે. જેની હકારાત્મકતા આપે છે વાસ્તુ નિયમો.