જ્યોતિષ ખરેખર જોઈએ તો આધ્યાત્મિક વિષય છે, જ્યોતિષમાં તર્ક સાથે શ્રદ્ધા જોવા મળશે. ગણિત સાથે કથાઓ જોવા મળશે, ભૂગોળ અને ખગોળ સાથે સામાજિક રીતરિવાજ પણ જાણવા મળશે. જ્યોતિષમાં સાયકોલોજી સાથે કુદરતને ચલાવનારા તત્વો પણ જાણવા મળશે, જે મને નથી લાગતું કે બીજા કોઈ શાસ્ત્રમાં હોય. જ્યોતિષમાં કોઈ મત નથી, છતાં જ્યોતિષનું જ્ઞાન એક સર્વોચ્ચ મત છે. નવા જ્યોતિષ જાણનાર લોકોએ એ સમજવું પડશે કે જ્યોતિષ માત્ર ગણિતના દાયરામાં નથી, તેમાં શ્રદ્ધા અને ઉપાસનાનું પણ મહત્વ છે. પહેલાંના સમયમાં જ્યોતિષ એ સાધના હતી, આજે પણ કેટલાક જ્યોતિષીઓ આ સમજે છે. જ્યોતિષને માત્ર તર્કના એરણ પર મુકવું, ક્ષતિયુકત ગણાશે.
ભાગ્યછે એટલે મનુષ્ય છે કે કર્મ છે એટલે મનુષ્ય છે; કર્મ અને ભાગ્યમાં કોણ ચડિયાતું છે તે કોયડો હજુ સુધી ઉકેલાયો નથી. પણ કર્મ અને ભાગ્યની કશ્મકશ વચ્ચે જીવતા મનુષ્ય માટે સમય મહત્વનો છે. ક્યારેક એમ લાગે છે કે કર્મ જ બધું હશે, પણ જયારે જ્યોતિષના ઊંડાણમાં જઈએ છીએ ત્યારે લાગે છે કે ભાગ્યથી મહાન કશું નથી. કર્મ મનુષ્યને ચોક્કસ ઉપર લાવે છે, પણ યશ અને પ્રતિષ્ઠા તો જાણે નસીબના અધિકારમાં હોય તેવું લાગ્યા કરે છે. મોટા રાજનેતાઓ સારા કાર્યો કરીને પણ ક્યારેક લોકોનો રોષ વ્હોરે છે. તો ઘણીવાર આખું જીવન સેવામાં ઘસી નાખનાર વ્યક્તિનું ક્યાય નામ પણ નથી હોતું.શું તેના કર્મમાં ત્રુટી રહી ગઈ હશે? માત્ર લોકોની ભાવના સાથે રમીને પણ કેટલાક લોકો નામ કમાઈ લે છે, તેવા પણ ઠેરઠેર છે. માટે યશ અને પ્રતિષ્ઠા ભાગ્યના દાયરામાં આવતી હશે, તેવું લાગે છે.
મેં પણ સાયન્સનો અભ્યાસ કર્યો છે, હું પણ માનું છું કે કર્મથી જ મનુષ્ય આગળ વધી શકે છે, છતાં જ્યોતિષના અભ્યાસ દરમિયાન અમે ઘણી કુંડળીઓ જોઈ, જેમાં વ્યક્તિની પોતાની તકલીફ તો નામમાત્ર હતી, પરંતુ નસીબ અને સંજોગના નિર્ણયોએ આ વ્યક્તિઓના જીવનમાં અનેક દાવાનળ પેદા કર્યા હતા. એક એવી વ્યક્તિ કે જેણે કોઈ ભૂલ કે કોઈ ખોટો નિર્ણય નથી લીધો છતાં તેને માનસિક ત્રાસ અને તકલીફોમાંથી નીકળવું પડ્યું. એક એવી વ્યક્તિ જે સત્ય અને ન્યાયપ્રિય છે છતાં લોકોએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો, આજે પણ કોઈ પણ ભૂલવિના અથવા નાની વાતોમાં પણ કોર્ટના દ્વારે પહોંચી જનારની સંખ્યા ઓછી નથી.સમજવું પડશે કે આ બધામાં ભાગ્યનો રોલ બહુ મોટો હોય છે. ક્યારેક આપણને નવાઈ લાગે પરંતુ માત્ર હા કે ના અથવા એક મુલાકાતના જોરે વ્યક્તિ રાજદ્વારે સિંહાસન સુધી પહોંચી જાય છે. બાળપણમાં હાજી મસ્તાન મુંબઈમાં સાઈકલ રીપેર કરતા હતા, કેટલાય વર્ષો દારુણ ગરીબીમાં ગુજારનાર વ્યક્તિના શેઠે તેને મુંબઈનો સૌથી અમીર આદમી બનાવી દીધો હતો, આને કર્મ કહેશો કે ભાગ્ય? હજુ સ્પષ્ટ નથી.
એક કુંડળી છે, ૨૬-૮-૧૯૮૫, મીન લગ્ન છે, રાહુ બીજે, શુક્ર મંગળ બુધ પાંચમે, સૂર્ય છઠે, શનિ કેતુ આઠમે અને ચંદ્ર દસમે છે. ગુરુ લાભસ્થાનમાં છે. સ્વભાવે બિલકુલ સરળ અને મહેનતુ આ ભાઈના લગ્ન ગુજરાત બહાર બીજા રાજ્યમાં રહેતી કન્યા સાથે થયાં. બધું રીતરીવાજ પ્રમાણે જ થયું, લગ્ન માત્ર એક અઠવાડિયું ચાલ્યાં. કોઈ કારણ વગર કન્યા પોતાના પિયર ચાલી ગઈ. ઉલટાનું આ ભાઈ પર કેસ લાગી ગયો. કેસનો નિર્ણય આવ્યો ત્યાં સુધી આ ભાઈ સતત તકલીફોમાં રહ્યાં, પૈસા અને સમયનું પાણી થઇ ગયું. કેસમાં કારણ ગમે તે હશે, સ્વભાવે સરળ આ ભાઈનો કોઈ વાંક નહોતો, છતાં તેમને સારું કરવા જતાં તકલીફો લેવી પડી. આ ઘટના ઘટી ત્યારે તેમને રાહુમાં શનિની અંતરદશા ચાલી રહી હતી (પુષ્ય પક્ષ અયનાંશ). મીન લગ્નમાં શનિ શુભફળ આપતો નથી. આ કુંડળીમાં શનિ ઉચ્ચનો આઠમે છે. સપ્તમ ભાવ સૂર્ય અને શનિ થકી પાપકર્તરી છે.
થોડા સમય પહેલાં ડીસામાં એક ભાઈ કારખાનેથી ઘરે જતો હતો ત્યારે તેણે રસ્તામાં કોઈ વૃદ્ધને લિફ્ટ આપી, પરંતુ આ ભાઈ વૃદ્ધને તેમના ઘેર પહોંચાડે તે પહેલાં તે વૃદ્ધ તેમના વાહનમાં જ કુદરતી ઢળી પડ્યાં, તેમનું મૃત્યુ થયું, ટોળું થઇ ગયું, લોકલ ઓથોરિટી આવી ગઈ, આ ભાઈને ધર્મ કરતાં ધાડ પડી, થોડો સમય બાદ તે વૃદ્ધના ઘરવાળા સમજુ હોઈ મામલો ઠેકાણે પડ્યો. આ ભાઈની કુંડળીમાં રાહુ અને શનિનો ચંદ્ર સાથે યોગ છે.
નીરવ રંજન