આવા ઘરમાં બાળકો વિદ્રોહી બની જાય તેવું બને

“તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો,…” જેવી લાગણી ધરાવતી મહિલાઓ નો વિચાર કરીએ તો હેલીકોપ્ટર ઈલાનો પણ વિચાર આવે કે જેમાં પોતાના બાળક માટે પોતાના બધાજ શોખ કુરબાન કરીદે. અમે જયારે નાના હતા ત્યારે અનેક નારીઓએ પોતાના પરિવાર માટે આ બધુ જ કર્યું હશે. મારી પોતાનીજ માં સારી આર્ટીસ્ટ હોવા છતાં પરિવાર માટે પચાસ વર્ષ પોતાના શોખથી વિમુખ હતી. પણ સમય પ્રમાણે જીવનશૈલી બદલાઈ. ઘરમાં બે વ્યક્તિને કમાવાની જરૂરિયાત ઉભી થઇ. એ સંજોગોમાં પોતાના બાળક માટે સમય કાઢી શકે તેવી માતાઓની સંખ્યા ઘટવા લાગી. કોઈ પણ નારીનું શ્રેષ્ઠ સ્વરૂપ તેનું માતા તરીકેનું સ્વરૂપ જ હોય છે. એવી પણ માતાઓ જોવા મળે છે જે સવારથી સાંજ સુધી બાળકને પોતાની પ્રતિષ્ઠા વધારવા વિવિધ વર્ગોમાં લઈને ભાગતી હોય છે. જાણે કાર્બાઈડથી કેરી પકવવા ન નીકળી હોય. જયારે અગ્નિથી ઉત્તરનો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે આવું બની શકે છે.

માતાને સતત એવું લાગે છે કે અન્યની સરખામણીમાં પોતાનું બાળક વધારે સારું દેખાવું જોઈએ. એમાં પણ જો વાયવ્યનો દોષ ભળે તો તેના માટે પોતાનું બાળક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે. અને ક્યારેક બાળક એ રેસમાં ભાગતા ભાગતા થાકી જાય તો પણ તેને થાક નથી લાગતો. અમુક લોકો પોતાના અધૂરા રહેલા સ્વપ્ન પોતાના બાળકો પાસે પુરા કરાવવા મથતા હોય છે. તેઓ પોતાનું બાળક અલગ વ્યક્તિત્વ છે તે ભૂલી જાય છે. જે બાળકને પોતાના વ્યક્તિત્વથી વિમુખ કરવા સક્ષમ બને છે. અંતે યા તો એ બાળકનો આત્મવિશ્વાસ ઘટી જાય છે યાતો તે વિદ્રોહ કરે છે. ઇશાન ના બંને અક્ષથી બનતો ત્રિકોણ જયારે નકારાત્મક બંને ત્યારે આવી વિચારધારા ઉદભવી શકે છે.

એક માતા ખુબજ સારી ડોક્ટર. તેની એક દીકરી ડોક્ટર ન થઇ અને બીજી દીકરીને કલામાં રસ હતો. પણ માએ પરાણે વિજ્ઞાન પ્રવાહમાં એડ્મિશન લેવરાવ્યું. છ મહિના પછી ખબર પડી કે દીકરીએ જાતેજ પોતાને ગમતી જગ્યાએ એડ્મિશન લઇ લીધું છે. ઘરમાં કોઈની પાસે સમય જ નહતો. તેથી જે ફી અન્ય જગ્યાએ ભરવાની હતી તે તેમની દીકરીએ પોતાને ગમતી કોલેજમાં ભરી દીધી હતી. આ જગ્યાએ વાયવ્ય પશ્ચિમનું મુખ્ય દ્વાર હતું. બ્રહ્મનો દોષ હતો અને ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હતો. અગ્નિમાં મકાન થોડું પૂર્વ તરફ બહાર આવતું હતું. પૂર્વમાં દાદરો હતો. પોતાનું મન ન સચવાયનું દુખ હતું અને સાથે સાથે પોતાની દીકરીને પુરતો સમય ન આપી શકવાનો અફસોસ પણ ખરો. ત્રીજી દીકરી નાની હતી હવે તેનામાં પોતાનું સ્વપ્ન દેખાતું હતું. જગ્યા હકારાત્મક થતાજ તેમના વિચારો બદલાયા અને નાની દીકરીને પોતાના સ્વપ્નમાં સાથે લેવાના વિચારો પણ બદલાયા. કોઈ પણ વ્યક્તિ પોતાને ગમતું કાર્ય કરે તોજ તે સુખી થાય છે.થોડા સમય પહેલા એક ભાઈને મળવાનું થયું હતું. તેમનો દીકરો પાંચ વર્ષનો થયો પણ તેઓ ક્યારેય તેની સાથે રમવાનો સમય કાઢી શક્ય ન હતા. અઠવાડિયામાં એક વાર તેઓ સાથે જમતા હતા. બાળકનું ભવિષ્ય સુધારવા માટે તેઓ તેની આજ માટે સમય નહતા આપી શકતા.

ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. પોતાના બાળકની નાનપણની કોઈપણ યાદ તેમની પાસે ન હતી. તેમની જગ્યામાં ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક હતો. વળી વાયવ્યનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ પણ નકારાત્મક હતો. આનાથી વિપરીત અન્ય એક પરિવારમાં બાળક માટે માતાને ખુબજ ચિંતા રહેતી અને તે બાળકને પોતાની રીતે ખીલવા જ દેતા ન હતા. ઉમર વધતી ગઈ પણ બાળકમાં બાળકપણું રહી ગયું. કોઈક તેને મુર્ખ સમજતા તો કોઈ વધારે પડતો નાટકબાજ. ખરેખર તેનામાં નિર્દોષતા ભારોભાર પડી હતી અને દુનિયાદારીથી તે પર રહી ગયો. માતાપિતા ઈશાનમાં રહેતા હતા અને ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારત્મક હતો.ઘરની પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ તરફથી રોડ જતો હતો. નૈરુત્યમાં દાદરો હતો અને વાયવ્યનો દોષ હતો. બ્રહ્મમાં માળિયું હતું. ઘણીવાર આવા ઘરમાં બાળકો વિદ્રોહી પણ બની જાય તેવું બને. કોઈપણ ઉમરે વ્યક્તિમાં એક બાળક જીવંત હોત તે જરુરી છે પણ લોકો તેને મુર્ખતામાં ખપાવી નદે તે સમજણ જરૂરી છે જ. આવા સ્વભાવથી વ્યક્તિને પોતાને જ તકલીફ પડે છે.

બાળકો નૈરુત્યમાં રહેતા હોય અને વડીલો ઈશાનમાં હોય ત્યારે ઘરમાં બાળકો વડીલોના વડીલ હોય તેવું તેમને લાગે છે. આવા સંજોગોમાં ઘરનું સંતુલન ખોરવાય છે. નાની ઉમરે બાળકો કેટલાક એવા નિર્ણયો લઇ શકે જેની વડીલોને કલ્પના પણ ન હોય. જોકે આવી સ્થિતિનું પ્રમાણ ઘરની અન્ય વ્યવસ્થાની નકારાત્મકતા પરથી નક્કી કરી શકાય. કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેનાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય નિયમોમાં તેના નિવારણની વાત મળી આવે છે. ભારતીય વાસ્તુ નિયમો મિત્ર ભાવે સમાજને મદદ કરવા માટે બનેલા છે, નહી કે ગભરાવવા માટે.