વાસ્તુ: શું તમારો બેડરુમ ઈશાન દિશામાં છે?

ભૂતકાળને ખોતરવાથી ક્યારેક વેદનાના વહેણ ફૂટી નીકળે છે અને ભવિષ્ય આંસુઓથી ભરાઈ જાય છે. એના કરતા જે ગયું છે એને ભૂલીને નવી શરૂઆત કરવી વધારે યોગ્ય છે. એવું જરૂરી નથી કે ભૂતકાળ હમેશા ભયાનક જ હોય. પણ શું ભૂતકાળ પાછો આવે ખરો? દરેક વ્યક્તિએ પોતાની આજ અને આજની હકીકતોને સ્વીકારવી જરૂરી છે. કોઈ ખાસ વ્યક્તિ છોડીને ગયા પછી વરસો પછી પાછા આવવાની કોશીશ કરે તો વૈચારિક રીતે યોગ્ય લાગે. પરંતુ એ સમય દરમિયાન જે જીવન વીતી ગયું છે, જે વ્યક્તિઓ આવી ગઈ છે એનું શું? કોઈ એવી વ્યક્તિ કે જે અધવચ્ચે છોડીને જતી રહી હોય એના માટે જે વ્યક્તિ સાથ આપીને જીવી છે એને અન્યાય ન જ કરાય. જયારે ભૂતકાળ વધારે સતાવે ત્યારે સકારાત્મક ઉર્જાની જરૂર પડે છે. જે મળે છે, વાસ્તુ નિયમો થકી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપણને કોઈ સમસ્યા હોય તો જરૂર નીચે દર્શાવેલા ઈમેલ પર જણાવો. આપણે જરૂર નિરાકરણ આપવા પ્રયત્ન કરીશ.

સવાલ: મને કોઈ સાથે ગળાડૂબ પ્રેમ થઇ ગયો હતો. એ વ્યક્તિ કોઈના કહેવામાં આવીને મારું અપમાન કરીને જતી રહી. ખુબ ખરાબ લાગ્યું. શું થાય? જીવન આપણા કહ્યામાં થોડું જ હોય છે? આત્મહત્યાના પણ વિચારો આવ્યા. એક મિત્રે સાથ આપ્યો. સમજાવીને એ સમય કાઢી આપ્યો. મારા પરિવારે ખુબ મહેનત કરીને મને એ આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરી. બધું જ બરાબર ચાલતું હતું અને કોઈ સંદેશો લાવ્યું કે એ વ્યક્તિને મારી જરૂર છે. એ મારા જીવનમાં પછી આવવા માંગે છે. એના વિશે હવે મને કાંઈ જ ખબર નથી. આમ દયા આવે છે પણ મન નથી માનતું. શું કરું?

જવાબ: પ્રણય ભંગ થયો એનું કારણ જ બતાવે છે કે એ વ્યક્તિને તમારામાં વિશ્વાસ ન હતો. જો એ ખરેખર પ્રેમ કરતી હોત તો એને દુખ થયું હોત. ક્યારેક સંપર્ક કરવા પ્રયત્ન પણ કર્યો હોત. એ કશું જ નથી થયું. એ ઉપરાંત તમે જીવનમાં આગળ વધી ગયા છો. કોઈ તમારા જીવનમાં આવી ગયું છે અને તમે સુખી છો. વિચારીને નિર્ણય લેવો જોઈએ. તમારે જરૂર હતી ત્યારે એ વ્યક્તિ સાથે હતી કે અન્ય કોઈ? તમે સવારે વહેલા ઉઠી અને મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. સૂર્યને જળ ચડાવો. યોગ્ય દિશા મળશે. તમારા ઘરમાં પૂર્વનો દોષ છે તેથી આવું થઇ શકે. વડીલોને સન્માન આપો અને રવિવારે સફેદ વસ્તુનું દાન કરો. ચોક્કસ સારું લાગશે.

સવાલ: મારા ઘરના ઈશાનમાં બેડરૂમ છે ત્યાં અમે સુએ છીએ. મારા પતિનો સ્વભાવ ખુબ જક્કી છે. એમની ખોટી વાત પણ અમારે માની લેવી પડે છે. જો ન માનીએ તો ઘર માથે લે છે. તમારા એક આર્ટીકલમાં વાંચ્યું કે ઈશાનમાં બેડરૂમ હોય તો આવું થાય. તો કોઈ ઉપાય બતાવોને. ધર્મનું કામ થશે.

જવાબ: તમારી વાત સાચી છે. ઈશાનમાં બેડરૂમ છે અને દક્ષિણ તરફ માથું રાખીને સુવાની વ્યવસ્થા છે. જેના કારણે આવું થઇ શકે. આ ઉપરાંત ઉત્તરનો પણ દોષ છે. તમારા ઘરના નૈરુત્યમાં જે રૂમ છે તે ગેસ્ટ રૂમ છે. બંને બેડરૂમ બદલી નાખો. અને હા, રાતો રાત સ્વભાવ બદલાઈ જાય એવું નહિ બને. તમારે ધીરજ તો રાખવી જ પડશે. વાસ્તુ નિયમોમાં વિજ્ઞાન છે. એ કોઈ ચમત્કાર નથી. જેમ વૈજ્ઞાનિક પ્રક્રિયામાં સમયનું મહત્વ છે તેવું જ વાસ્તુમાં પણ છે. એ સમજવું જરૂરી છે.

સુચન: ઘરની આસપાસ કરંટ પસાર થતો હોય તો તે નકારાત્મક ગણાય છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)