માનવજીવન વૈવિધ્યપૂર્ણ છે, પરંતુ ઘણીવાર આપણે દિવસરાત માત્ર મુસીબતોથી ઘેરાયેલ વ્યક્તિઓને જોઈએ છીએ. તેમનું જીવન સતત ગતિમાં અને કોઈ જ રોમાંચ વગર પૂર્ણ થઇ જાય છે. તેમની માટે જીવન સતત સ્પર્ધા બની રહે છે. બે ટાઇમ જમવા માટે પણ તેમણે તનતોડ મહેનત કરવી પડે છે. જન્મકુંડળીમાં ઘણા યોગ એવા છે કે જે સમગ્ર કુંડળીની ચમક છીનવી લે છે. જો આ યોગોને પહેલેથી જ પારખીને સમજવામાં આવે તો જાતકને સાચું માર્ગદર્શન મળી શકે, વ્યવસાયમાં તકલીફો ટળી શકે. જન્મકુંડળીમાં રહેલા આ પ્રકારના તકલીફદાયી યોગો, ખોટા સાહસ સામે લાલ બત્તી સમાન છે. સામાન્ય જણાતા આ યોગો જલદી નજરે ચડતા નથી. કેટલાક યોગો અહી આપ્યા છે:
મંગળ-રાહુની યુતિ:
ત્રણ યુતિઓ એવી છે કે જે કોઈ પણ કુંડળીમાં કોઈ પણ સ્થાનમાં હોય પણ જાતકને અચૂક રીતે જીવનમાં એકવાર મોટી પડતી દેખાડે છે. મંગળ અને રાહુની યુતિ, આ યુતિ જાતકને વ્યસની અને જુગારવૃત્તિ તરફ લઇ જાય છે. મંગળ જુસ્સો, તાકાત અને ત્વરાનો ગ્રહ છે, રાહુએ વિચારોનું અનિયંત્રિત સ્વરૂપ છે, મંગળ અને રાહુની યુતિ થતા જાતકની આક્રમકતા ખૂબ વધી જાય તે સહજ છે. તેના જીવનમાં અકસ્માત અવાર-નવાર થતા જ રહે છે. મારપીટ કે હથિયારને લીધે તેને ઘણીવાર કાયદાનો પણ સામનો કરવો પડે છે. આ બધું ના થાય અને જાતક સંસ્કારી કુટુંબનો હોય તો તેના શરીર પર જીવલેણ ઘાવ આવે છે. ટૂંકમાં મંગળ રાહુની યુતિ એટલે શરીરની તકલીફનો સંદેશ. આ યુતિમાં હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી છે. મંગળવારે સુંદરકાંડનું પઠન કરવું જોઈએ.
સૂર્ય-શનિની યુતિ:
સૂર્ય અને શનિની યુતિ જીવનમાં ઉપરીવર્ગ સાથે ઘર્ષણ અને કાયદાકીય સમસ્યાઓ લઈને આવે છે. એક ક્ષ વ્યક્તિને આ યુતિ કેન્દ્રના સ્થાનોમાં છે, તેમને નોકરીના સમય દરમ્યાન ઉપરી અધિકારી સાથે અનેકવાર જાહેરમાં મોટા ઘર્ષણ થયેલા છે. સૂર્ય અને શનિની યુતિમાં નોકરીમાં પ્રમોશનમાં તકલીફો, નાની ભૂલને લીધે મોટી તકલીફ, કાયદાકીય રુકાવટ, સરકારી કામોમાં નિષ્ફળતા અને પિતા સાથે સંબંધોમાં ખટરાગ આવી શકે છે. અનેક જાતકો જે નોકરીમાં રુકાવટ અનુભવે છે તેમાં મોટાભાગનાને આ પ્રકારે યુતિ હોઈ શકે છે. આ યુતિમાં જાતકનો સ્વભાવ વધુ પડતો સિદ્ધાંતવાદી હોય છે તેઓ કોઈની માટે કશું પણ બાંધછોડ કરવા માંગતા નથી અને પરિણામે અનેક મુસીબતો અને ઉપરી વર્ગના માણસોની નજરમાં તેઓ આવી જાય છે. સૂર્ય અને શનિની યુતિમાં જાતકના લગ્નજીવન પર પણ તકલીફ આવે છે, તે સમજી શકાય તેમ છે. ઉપાય માટે જન્મકુંડળીનો અભ્યાસ કરવો જરૂરી રહે છે, સામાન્ય સંજોગોમાં નાળિયેરને પાણીમાં વહાવવું, શનિવારે તેલનું દાન કરવું રાહત આપી શકે.
શનિ-કેતુની યુતિ:
ત્રીજી તકલીફ આપતી યુતિ છે, શનિ અને કેતુની, આ યુતિમાં મોટી તકલીફો આવતી નથી પણ જીવન અચૂક રીતે શૂન્ય બની જાય છે. કેતુએ મુક્તિનો ગ્રહ છે, કેતુની કોઈ પણ ગ્રહ સાથે યુતિ સારી નથી, કેતુનું કાર્ય ભૌતિકતાનો ત્યાગ અને સામાજિક જીવનથી નિરાશા આપવાનું હોઈ શકે. શનિ સાથે યુતિના પરિણામે જાતકનું જીવન નક્કર સિદ્ધિ પામતું નથી. તમે અવલોકન કરશો તો જણાશે કે આ યુતિનો જાતક કશેય લાંબો સમય ટકતો નથી. કોઈ પણ કાર્યમાં ના જશ મળે છે ના કાર્ય પૂર્ણ થાય છે. તેની માટે જીવનમાં સ્થાયી થવું એક પડકાર હોય છે. તેઓ નોકરીમાં હોય છે ત્યારે તેઓ જ્યાં કામ કરતા હોય તે સંસ્થા બંધ થઇ જાય અથવા તો તે ધંધામાં મંદી આવી જાય અને નોકરી છૂટી જાય તેવું પણ બનતું હોય છે. આ યુતિના જાતકોએ બની શકે તો જન્મસ્થાન છોડીને દુરના સ્થળે નોકરી કે વ્યવસાય કરવો જોઈએ. શનિ અને કેતુની યુતિમાં જો પરદેશ ગમન થાય તો તે જાતકનું જીવન પલટી શકે છે. અગાઉ જણાવ્યું તેમ આ યુતિમાં બીજી કોઈ શારીરિક કે માનસિક વ્યાધિઓ હોતી નથી પણ જીવનમાં કશું સિદ્ધ થતું નથી એ પણ હકીકત છે.
ચંદ્રની અશુભ સ્થિતિ:
ચંદ્ર પાપ ગ્રહો સાથે જો છઠે, આઠમે કે બારમે (ત્રિકસ્થાન) હોય તો આ ચંદ્રની દશામાં જાતકનું જીવન દિશાહીન બની જાય છે. ચંદ્ર ત્રિકસ્થાનોમાં હોય અને તેની પર એકાદ પાપ ગ્રહ જેમ કે શનિ અને મંગળની દ્રષ્ટિ પડી જાય તો તે જાતકના મનને જાણે શ્રાપિત બનાવી મૂકે છે. માનસિક વિષાદ, સતત ડરની ભાવના અને આત્મવિશ્વાસનો અભાવ ચંદ્રની અશુભ સ્થિતિને લીધે થઇ શકે છે. ચંદ્ર શનિ કે રાહુ સાથે જો ત્રિક સ્થાનોમાં હશે, તો જાતકને અકસ્માત, મૃત્યુનો ભય અને ઘણીવાર આત્મહત્યાના વિચારો પણ સતત આવ્યા કરે છે. ચંદ્ર, ગુરુ કે રાહુ સાથે સડાષ્ટકમાં (છઠે કે આઠમે) હશે તો પણ ચંદ્રની શુભતા છીનવાઈ જાય છે. આ પ્રકારના યોગમાં ચોવીસમું વર્ષ આકરું વીતે છે. આ સ્થિતિમાં જાતકે શંકર ભગવાનની આરાધના કરવી જરૂરી છે, શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવાથી અનેક મુસિબતો ટળી શકે છે.
નિર્બળ ધનસ્થાન:
ધન અને સામાજિક બાબતોના ભાવ અનુક્રમે દ્વિતીય અને અગિયારમાં છે. ધન અને સામાજિક બાબતોની કોને જરૂર ના હોય? સામાજિક પ્રતિષ્ઠા હોય અને ધન હોય તો જાતક જીવનમાં કૃતાર્થ થઈને સારા કાર્યો કરી શકે છે, તેનું જીવન સંતાન અને ઘરવાળા માટે ખુબ મદદરૂપ થઈને સફળ બને છે. આ બંને ભાવના સ્વામીઓ એટલે ધનેશ અને લાભેશ કેન્દ્ર કે કોણના સ્થાનોમાં અને પાપગ્રહોની દ્રષ્ટિથી મુકત હોવા જોઈએ. આ બંને ગ્રહો જો કોઈ પણ યુતિ રહિત એકલા કેન્દ્રમાં હોય તો ઉત્તમ. આતો થઇ ધનની વાત પણ ધનેશ અને લાભેશ જો આઠમે, બારમે કે છઠે હોય તો અનુક્રમે મોટું આર્થિક નુકસાન, મોજશોખમાં પૈસાનો વ્યય અને કોર્ટ કે ઝગડામાં પૈસાની બરબાદી થાય છે. જે લોકોએ જીવનમાં મોટી આર્થિક નુકસાની ભોગવી છે તેમની કુંડળીમાં ધનેશ કે લાભેશનો ત્રિકસ્થાનો સાથે સંબંધ અચૂક જોવા મળશે. જો કોઈ જાતકની કુંડળીમાં આ પ્રકારે યોગ હોય તો તેણે પોતાના નામે મોટી મિલકત કે વ્યવસાય કરતા પહેલા જાણકાર જ્યોતિષની સલાહ લેવી જોઈએ. આ પ્રકારના યોગમાં જાતક પાસે પૈસા ના રહે તે સ્પષ્ટ જણાય છે માટે મિલકત પોતાના નજીકના સગાને નામે કરવાથી કદાચ મોટું નુકસાન ટાળી શકાય.
વિચારપુષ્પ: ‘અસ્પષ્ટ મન, સફળતાને રોકી શકે છે.’