દરેક ઘરમાં દિવાળીની સફાઈ શરુ થઇ ગઈ છે. વરસોથી જામેલી ધૂળ ક્યાંકથી નીકળશે તો વરસો જૂની વસ્તુઓ ક્યાંકથી નીકળશે. કેટલીક ન કામની વસ્તુઓ સાફ થઈને પછી આખું વરસ પડી રહેવા માટે એની જગ્યાએ પછી ગોઠવાઈ જશે. તો પડવા આખડવાની ઘટનાઓ પણ બનશે. આપણે ઘરને ચકચકિત કરી દઈએ છીએ પણ શું મનને અને હૃદયને ચકચકિત ન કરી શકીએ? કેટલાક એવા સંબંધો જે મનના ખૂણે માત્ર પડ્યા હોય અને જગ્યા રોકતા હોય. એ નકારાત્મક હોવા છતાં ક્યારેક કામ લાગશે માનીને આપણે એને સાચવ્યા કરતા હોઈએ. પેલી વધારાની વસ્તુની માફક જ. સંઘરેલો સાપ પણ કામ લાગે એવી માન્યતા સાથે. પણ એ માત્ર મનમાં જગ્યા રોકે અને પડ્યા પડ્યા માત્ર જવાબદારી બની જાય. આવા સંબંધોને પણ ખાલી કરવાથી મન સાફ થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. જેમ ઘરને સાફ કાર્ય પછી સજાવીએ એમ જ સંબંધો ને સાફ કરીને પછી સત્કાર્યોથી એને સજાવીએ. મનને ગમતું કરીએ, મનગમતું કરીએ.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ શંશય કે સમસ્યા હોય તો આપ પણ નીચે દર્શાવેલા ઈમેલ પર પૂછી શકો છો.
સવાલ: દિવાળી ખરેખર કયા દેવીની પૂજાનો ઉત્સવ છે? કેટલાક લોકો લક્ષ્મી પૂજનની વાત કરે છે. કેટલાક ચોપડા પૂજનને પણ લક્ષ્મીજી ની પૂજા કહે છે. તો કેટલાક એને શારદા પૂજન કહે છે. શારદા તો સરસ્વતીજીનું નામ છે ને?
જવાબ: ચોપડા શબ્દ જ જ્ઞાન સાથે જોડાયેલો છે. લખવાની પ્રક્રિયા એ પણ જ્ઞાન સાથે જોડાયેલી છે. વળી ચોપડા પૂજનને શારદા પૂજન જ કહેવામાં આવે છે. આજનો સમાજ ભૌતિક વિચારધારા સાથે જોડતો જાય છે. એને ધ્યાનમાં રાખીને દિવાળીના ચોપડા પૂજનને લક્ષ્મીજી સાથે જોડી દેવામાં આવેલ હોય એવું બની શકે. આપણા દરેકે દરેક તહેવાર સાથે કોઈ અદ્ભુત વાત જોડાયેલી છે. બસ થોડા જ સમયમાં દિવાળીના પાંચેય તહેવારો વિષે આ પ્લેટફોર્મ પર જ આપને રસપ્રદ માહિતી આપીશું. એના માટે આ વિભાગને જોતા રહેશો. એ દરમિયાન ઉર્જા વધારવા શું કરવું એની પણ વાત કરીશું. નવું વર્ષ સારું જાય એ પણ જરૂરી છે ને?
સવાલ: મયંકજી, તહેવારો આવે એટલે અમારા ઘરમાં ટેન્શન થવા લાગે. દરેક તહેવારમાં કઈક એવું થાય કે તહેવારની મજા મારી જાય. તેહેવાર તો ઉજવવા માટે હોય ને? કોઈ સુચન આપોને કે જેનાથી અમારું જીવન વધારે સારું બને.
જવાબ: બહેન શ્રી, આપણા ઘરમાં મુખ્ય ચારેય દિશાઓના દોષ છે. તે ઉપરાંત નૈરુત્યનો પણ દોષ છે. જેના કારણે તમે જયારે પણ કઈક સારું કરવા જાવ તો તમને અગવડ આવતી હોય એવું બને. કેટલીક સુગંધો પર મારું ખુબ સારું સંસોધન છે. જે ઘરમાં કોઈ પણ તોડફોડ કર્યા વિના સકારાત્મકતા આપી શકે. આપના ઘરનો નકશો માપ પ્રમાણ વિનાનો છે. એનો પૂરો અભ્યાસ કર્યા બાદ ચોક્કસ એના વિષે માહિતી આપી શકાય. ભારતીય વાસ્તુ માનવજાતિને મદદ કરવા માટે જ રચાયું છે. તેથી ગભરાવાની જરૂર નથી કે બિન જરૂરી તોડફોડ કરવાની પણ જરૂર નથી.
સુચન: દિવાળીના પૂજનમાં ઘીનો દીવો કરવો જરૂરી છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)