અંધકારનો અભાવ એટલે પ્રકાશ. દુઃખનો અભાવ એટલે સુખ. જો આ વાત સમજી લેવાય તો ઘણીબધી સમસ્યાઓ માંથી બહાર આવી શકાય. દિવાળી એટલે અમાસ. પણ એ જ્યોતિ પર્વ ગણાય છે. કારણકે એ દિવસે સહુને પોતાની આસપાસ પ્રકાશ જ દેખાય છે. સમગ્ર વિશ્વના દુખ સતત સાંભળીને આપણે સતત દુખી થયા કરીએ છીએ. પણ જો એ જગ્યાએ પ્રકાશની અનુભૂતિ કરીએ તો? દુખી થવાના કારણો શોધી અને એમાંથી બહાર નીકળીએ તો ચોફેર સુખની જ અનુભૂતિ થશે. જે સંજોગો બદલી શકાય છે તે ચોક્કસ બદલવા જોઈએ. જે નથી બદલી શકતા તેને સ્વીકારતા શીખવું પડશે. અને શું બદલી શકીએ અને શું નહિ એની સમજણ કેળવવી પડશે. તો ચોક્કસ સાચા સુખની અનુભૂતિ થશે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું એક દુખિયારી સ્ત્રી છું. ગઈકાલે મારા પતિ આખી રાત ઘરે ન આવ્યા. કારણ કે એમના ભાઈ જેલમાં હતા. મારા લગ્ન પહેલા જ એમને એમના ભાભી સાથે સંબંધ હતા. આમ અમે રાજસ્થાની. પણ બધા મોટા ગુજરાતમાં થયા. મારા લવ મેરેજ. તોએ આવી સ્થતિ છે. મારા જેઠ એક અન્ય પરિણીત સ્ત્રીને પ્રેમ કરે છે. એ સ્ત્રી માટે સોના ચાંદીની ભેટ પણ લઇ જાય. એટલે મારા પતિ એમના પત્ની માટે ભેટ લઇ જાય. પેલી સ્ત્રીની દીકરીનો જન્મ દિવસ હતો. મારા જેઠને કોઈએ કહ્યું કે એક અન્ય વ્યક્તિ જે પણ પેલી સ્ત્રીના પ્રેમમાં છે. એને આમંત્રણ છે એટલે મારા જેઠ ઉશ્કેરાયા. અને પેલીના ઘરે જઈને ઝગડો કર્યો. બંને પ્રેમીઓ વચ્ચે મારામારી થઇ. તમાસો થયો. એટલે પેલી સ્ત્રીના પતિએ પોલીસ બોલાવી. બીજો માણસ વગદાર હોવાથી છુટી ગયો. અને મારા જેઠને જેલમાં રહેવું પડ્યું. હું આ બધાથી થાકી છું. મારા જેઠ બાજુના બિલ્ડીંગમાં જ રહે છે.
થોડા સમયથી મારા કારણે મારા પતિનું સારું ચાલે છે. બાકી કમાવાની ચિંતા પણ મારે કરવાની રહેતી. અમારી સોસાયટીમાં એક ક્લાસ ચલાવીને હું અમારું ગુજરાન ચલાવતી. અમારી સોસાયટીમાં બે એક રૂપાળા લોકો પણ છે. ક્યારેક ગુસ્સો આવે તો એવું થાય કે હું પણ જાહેરમાં એમને અડપલા કરી લઉં. પણ વાત મારા પિયર સુધી જાય તો? થોડા સમયથી એક નવો માણસ મેં રાખ્યો છે. યુવાન છે. અમારા સગામાં છે. એને મારામાં રસ છે. એકાદ વાર મારા પતિની ગેરહાજરીમાં એ ઘરે પણ આવ્યો છે. જો મારા પતિ અને જેઠ આવા સંબંધો રાખી શકે. જેઠાની પણ આવું કરે તો હું કેમ નહિ? પછી ડર લાગે છે કે મારા બાળકો નાના છે. પેલો માણસ એમને કશુક કરી નાખે તો? મનમાં ભડકા થાય છે. અને છોકરાઓ સામે જોઈ ને મન પાછુ પડે છે. શું કરું?
જવાબ: બે ખોટાથી એક સાચું ક્યારેય નથી થતું. નેગેટીવ નેગેટીવ એટલે પોઝીટીવ ને જુદી રીતે વિચારવામાં આવે છે. વળી તમારી શંકા ખોટી પણ હોઈ શકે. જેઠ જેલમાં હોય તો એમના પરિવારને સાંત્વના આપવા માટે કોઈ જોઈએ. દિયર એ પુત્ર સમાન ગણાય. જો સાચે જ આવા સંબંધ હોય તો એ ખરાબ કહેવાય. તમારા જેઠ એક એવી સ્ત્રી પાછળ સમય વ્યર્થ કરી રહ્યા છે જે એમને માત્ર સાધન મને છે. જેના કારણે તમારા પતિને એમના પરિવારની જવાબદારી લેવી પડે છે. આ માત્ર એક વ્યવસ્થા હોઈ શકે. વળી તમારા લવ મેરેજ છે. જો તમારા પતિ અન્યને પ્રેમ કરતા હોય તો તમારી સાથે લગ્ન શા માટે કરે? હા, કદાચ આર્થિક જરૂરિયાત માટે વિચાર્યું હોય. પણ એની શક્યતા ઓછી છે. જો તમે કોઈ ક્લાસ ચલાવતા હો તો તમારું ચારિત્ર પણ સારું હોવું જરૂરી છે. બાકી કોઈ તમારા પર વિશ્વાસ નહિ કરે. નવો માણસ તમારા હાથ નીચે કામ કરે છે. એક વાર એ ઘરમાં આવી ગયો પછી તમારું સન્માન નહિ રહે. અને તમારા બાળકોનો વિચાર કરવો પણ જરૂરી છે. આ માત્ર આકર્ષણ છે. એની આગ ઘણું બધું ભષ્મ કરી શકે છે. મન શાંત રાખીને વિચારો. તમારી સોસાયટીમાં પંચાત ચાલે છે. એમાં વિશ્વાસ ન કરો. શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરો. મનમાં સારા વિચારો ચોક્કસ આવશે.
સુચન: જે ઘરમાં લોકો દુખી થઈને પરાણે ઘર વેચતા હોય એ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે. તેથી નિષ્ણાતની સલાહ લીધા વિના એવું ઘર ન ખરીદવું જોઈએ.