શું ભારત સિવાય કોઈ દેશમાં વાસ્તુના સિદ્ધાંતો છે ખરા?

માણસ સમયના ચક્રની સાથે વિચારો બદલ્યા કરે છે. આજે એને જેની આશા હોય છે એ વસ્તુની શોધમાં એ ભમ્યા કરે છે. ક્યારે એક જગ્યાએ અપેક્ષા પૂરી ન થાય એટકે બીજે પછી ત્રીજી જગ્યાએ પ્રયત્ન કરીને થાકી જાય ત્યારે માની લે છે કે જીવન આ જ છે. પણ શું એ સાચી રીત છે ખરી? ખોટી જગ્યાએ પ્રયત્ન કરીએ તો સાચું પરિણામ ન પણ મળે. મુલ્લા નસીરુદ્દીનની એક જૂની વાત છે. એક વખત એ પોતે ઘરની બહાર ચોકમાં કશુક શોધતા હતા. એમના પત્નીએ પૂછ્યું કે શું શોધો છો? એમણે જવાબ આપ્યો કે મારી વીંટી ખોવાઈ ગઈ છે પણ ક્યાંય મળતી નથી. એમના પત્નીએ જયારે પૂછ્યું કે ક્યાં ખોવાઈ ગઈ હતી ત્યારે જવાબ મળ્યો કે, અંદર રૂમમાં. એમના પત્નીને નવાઈ લાગી કે જો અંદર રૂમમાં ખોવાઈ છે તો અહી બહાર શા માટે શોધો છો? મુલ્લા નસીરુદ્દીને જવાબ આપ્યો, અંદર ખુબ અંધારું છે, જયારે અહી અજવાળું છે એટલે. આપણી અંદર પણ ઘોર અંધારું જ છે. પણ ઘણા બધા સવાલના જવાબ અંદરથી જ મળે છે. બાહર ઝાકઝમાળ છે પણ એ માત્ર દેખાડો છે. અંતરાત્માના અવાજને અનુસરીએ તો જ સાચી દિશા મળે છે. શું ભૌતિકતા સુખ આપવા સક્ષમ છે ખરી? જે આપણી અંદર ખોવાયું છે એ છે આપણું સ્વાભિમાન, સુજ અને આત્મસંતોષ. જે બહારથી ક્યારેય નહિ મળે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. નીચે જણાવેલા ઈમેલ પર આપ સવાલ પૂછી શકો છો.

સવાલ: તમને કદાચ આ સવાલ ન ગમે. પણ 2006 થી હું તમને ફોલો કરું છું અને ક્યારેક એવું લાગે છે કે તમે જે લખો છો કે કહો છો એ સમજાતું નથી. તમારી ભાષા સરળ હોય છે પણ જ્ઞાન ગૃઢ છે. તમે કાયમ એવું લખો છો કે “ભારતીય વાસ્તુના નિયમો પ્રમાણે આવું થાય. “મારો સવાલ એ છે કે શું ભારત સિવાય કોઈ દેશમાં વાસ્તુના સિદ્ધાંતો છે ખરા? અને શું કોઈને આવા સિદ્ધાંતોમાં રસ પણ છે? કે પછી ભારતમાં લોકો આવું બધું માને છે એટલે એને ભારતીય કહેવું સારું લાગે છે? આમાં કોઈ રાજકારણની વાત તો નથી ને?”

જવાબ: તમે મને ફોલો કરો છો અને એ પણ લાંબા સમયથી તો તમને તો આ સવાલોના જવાબ મળી ગયા હોય. આ બધીજ વાતો મારા ટીવી શો હોય કે રેડિયો શો, કે પછી આર્ટીકલ કે યુ ટ્યુબ વિડીયો બધે જ કરી છે. ભારતીય વાસ્તુ એ દરિયા જેવો વિશાળ વિષય છે એટલે એ અમુક લોકોને આસાનીથી ન સમજાય અથવા અધૂરું સમજાય એ હું સમજી શકું છું. વળી ભારત સિવાય ચીનના વાસ્તુના નિયમો પણ પ્રચલિત છે. ક્યારેક એ નિયમો આપણા નિયમોમાં ભળી જાય એવું પણ બને છે. કેટલાક લોકો તો તાવીજ અને તંત્રને પણ વાસ્તુનો ભાગ સમજાવવા લાગે છે. તો અન્ય દેશની પ્રોડક્ટ્સ પણ વસ્તુના નામે બજારમાં ફરતી જોવા મળે છે.

એટલે જ જ્યાં જરૂરી હોય છે ત્યાં હું ભારતીય નિયમો એવું લખું અથવા જણાવું છું. સુખી થવાનું કોને ન ગમે? ભારતીય શાસ્ત્રો માનવ જાતિને મદદ કરવા રચાયા છે. તેથી અન્ય દેશના લોકોને પણ એમાં રસ પડે છે. વિવિધ દેશ અને પ્રાંતના  લોકોને એનાથી ફાયદા પણ થયા છે.  જો ભારતીય કહેવાથી ભારતના લોકોમાં સન્માનની ભાવના જાગતી હોય તો ભારતીય કહેવું યોગ્ય જ છે ને? ભારત પાસે શાસ્ત્રો અને સંસ્કૃતિક વારસો તો છે જ. હવે વાત કરીએ રાજકારણ શબ્દની. ભારતીય કહેવાથી કઈ પાર્ટીનું પ્રમોશન થાય છે એવું તમે માનો છો? આ વિચાર દુ:ખદ છે. પણ મને ભારતીય હોવાનો ગર્વ છે. કારણ કે ભારત દેશ અનેક સંશોધનો જેને આપણે શાસ્ત્રો કહીએ છીએ એનાથી સમૃદ્ધ છે. ભારતીય શૈલી વિશ્વ પ્રસિદ્ધ છે.

સવાલ: મને લગ્ન કરવામાં રસ નથી. છુટા થતી વખતે કેટલી પળોજળ હોય છે? એના કરતા લીવ ઈનમાં રહેવામાં પ્રોબ્લેમ શું હોય છે? મારી માં આ બધામાં નથી માનતી. એને સમજાવવા શું કરવું જોઈએ?

જવાબ: કદાચ તો હું જવાબ આપું એ પહેલા તમને તમારો જવાબ મળી ગયો હશે. પહેલા ગુજરાતમાં અને પછી દિલ્હીમાં જે ઘટનાઓ બની એના પછી પણ તમે ન સમજી શકો તો એ આઘાતજનક કહેવાય. લગ્ન એ એક સામાજિક વ્યવસ્થા છે. બે પરિવારો એમાં જોડાય છે. સમાજની હાજરીમાં સંબંધ બંધાય છે. અને એ માત્ર બંધ બારણે ચાલતી કોઈ વ્યવસ્થા નથી. તમે જ વિચારો દિલ્હીની છોકરીએ એના માબાપની વાત માની હોત તો? લગ્ન શું કામ થાય છે એ સમજવા સપ્તપદી સમજવી પડે. એ માત્ર કોઈ ફોટો ફંક્શન નથી. હા, સાચી વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ જેથી છુટા ન પડવું પડે. તમે સમજો છો ને?

આજનું સુચન: બ્રહ્મમાં ખાડો ક્યારેય ન રખાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)