શું અભિનય માત્ર રંગમંચ પર જ ભજવાય છે? દરરોજ કેટલાય મુખવટા બદલાય છે અને કેટલાય સંવાદો બોલાય છે જેની પાછળનો એક માત્ર આશય પ્રેક્ષકોના મન જીતવાનો હોય છે. ન એ સંવાદો સાચા હોય છે ન એ પાત્રો, પણ અભિનય ચોક્કસ મનમોહક હોય છે. દરેક વ્યક્તિ એનું પાત્ર નિભાવે છે. કેટલાક સારા માણસો ખરાબ ચિતરાય છે અને કેટલાક ખરાબ માણસો પૂજાય એટલા સન્માનનીય બની જાય છે. અભિનયની કળા અને સંવાદોની રમઝટ એમાં મુખ્ય ભાગ ભજવે છે. વળી કયું પાત્ર વખાણવું એતો અંતે પ્રેક્ષકોના જ હાથમાં છે ને? જો તમારું પાત્ર સારું છે પણ એ કોઈને નથી ગમતું તો એમાં સામે વાળાની પસંદગી ખોટી હોય અથવાતો એમને બધુજ નકારાત્મક ગમતું હોય એવું પણ બને. રંગમંચ પર પણ કેટલાક નકારાત્મક પાત્રો ઇતિહાસમાં નામ થઇ જાય એટલા જાણીતા થયા જ છે ને? બાકી ખલનાયક કે ડોન કહેવરાવવું કોને ગમે? સકારાત્મક અભિગમ માટે સકારાત્મક ઉર્જા જોઈએ. એ પ્રાપ્ત કરવા વાસ્તુ નિયમો મદદ કરે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ પણ સંશય કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો. આપણે એનો જવાબ જરૂર મળશે.
સવાલ: આપના લગભગ બધાજ લેખ મેં વાંચ્યા છે. એમાં સરળ ભાષામાં વૈજ્ઞાનિક રીતે સમજાવવાની આપની શૈલી મને પ્રભાવિત કરે છે. આપ સમજાવો છો ડરાવતા નથી. વળી તદ્દન નજીવા ફેરફાર કરવાથી ઉર્જા વધી શકે એવો તમારો મત મને ગમે છે. એ મેં પોતે પણ અનુભવ્યું છે. સાચું કહું તો અમારો આખો પરિવાર તમારો ચાહક છે. હમણાં જ અમે એક ફ્લેટ જોવા ગયા હતા. બધું સરસ છે પણ બાથરૂમનો દરવાજો સીધો રસોડા તરફ ખુલે છે. રસોડા પછી ડાયનીંગ રૂમ છે અને પછી બાથરૂમ છે. આમ તો પ્લેટફોર અને બાથરૂમ વચ્ચે ચોવીસ ફૂટની જગ્યા છે. પણ મારા એક મિત્ર એવું મને છે કે આવી વ્યવસ્થા બરાબર ન ગણાય. તો સાચી સલાહ આપવા વિનંતી. મને સોશિયલ મીડિયાની વાતોમાં રસ નથી. મને માત્ર તમારા પર ભરોસો છે. તો ખાસ જવાબ આપવા વિનતી.
જવાબ: આભાર. આપનો મારા પરનો વિશ્વાસ એ મારા વિષય પરનો વિશ્વાસ છે. આ વિભાગ આપનો જ છે તેથી વિનંતી ન કરો તો પણ ચાલે. હા, જોકે એ આપણા સંસ્કાર અને સભ્યતાનો ભાગ છે. પહેલાના જમાનામાં બાથરૂમ અને સંડાસની ગટર ખુલ્લી રહેતી. ખાળ કુવાની સિસ્ટમ હતી તેથી વાસ, ભેજ ફેલાવાની શક્યતા વધારે રહેતી. ટોઇલેટ ક્યાં અને કેવી રીતે રાખવા એની પણ ભારતીય વાસ્તુમાં અદ્ભુત વાત કરવામાં આવી છે. પહેલી વાત વાસ્તુમાં આવું ઉપરછલ્લી વાતોને મહત્વ નથી અપાતું. દિશા અને સ્થાન બંને જોવા પડે. તમે જે દરવાજાની વાત કરો છો તે આમ પણ દુર છે અને જો પુરતું વેન્ટિલેશન હોય તો મૂળભૂત રીતે એ ખરાબ ન ગણાય. તો પણ ઘરનો નકશો જોયા પછી વધારે વાત કરી શકાય.
સવાલ: હું એક ત્રીસ વરસનો પરિણીત યુવાન છું. મને મારો એક વિદ્યાર્થી ગમે છે. અમારી બંનેની જાતી અને ધર્મ અલગ અલગ છે. તો અમારો પ્રેમ વિજાતીય જ થયો ને? મારે એને મારા હૃદયની વાત કરવી છે. પણ ડર લાગે છે. હું બીજા સાથે વાત કહેવરાવવા પ્રયત્ન કરું છું તો એ વાત ટાળી દે છે. શું કરું સમજાવો ને.
જવાબ: ઈશ્વરે બે જાતી બનાવી નર અને માદા. એક ધર્મ આપ્યો, માનવ ધર્મ. બાકી બધું તો માનવ સર્જિત છે. કોઈને પસંદ કરવું એ સહજ છે. કોઈને ચાહવું એ પણ સહજ છે. અંતે તો આપણે સહુ કોઈ આત્માના આવરણો છીએ. પણ જો આત્મિક પ્રેમ હોય તો આવરણો માટેની લડત શા માટે? હવે જોકે આપણા સમાજમાં આવી વાતોને સ્વીકૃતિ મળી રહી છે, એના માટેની ઘણી ફિલ્મો પણ આવે છે, ક્યાંક એવા સમુદાયો પણ છે એવું સાંભળ્યું છે. પણ ક્યાંક કોઈ ગમે છે એને તમે આકર્ષણમાં તો નથી ખપાવી રહ્યા ને? પ્રેમ અને આકર્ષણમાં ફરક છે. જો તમને વિશ્વાસ હોય કે તમે પૂછશો તો સામે પક્ષે હા હશે તો પૂછી જુઓ. આખા ગામને ખબર હોય અને જેને ચાહો છો એને ન હોય એ સ્થિતિ કરતા તો આ સારું જ ગણાશે. પણ, હા બની શકે, એ ના પાડે. તો પાછુ એને પામવા કોઈ વિકૃત પગલું ન ભરશો. શિવરંજની અને ભૈરવ રાગ તેના યોગ્ય સમયે ગાવ. સાચી દિશા મળશે.
સુચન: કાળી પાંચથી મદ્ર સપ્તકનું રીયાઝ ઉત્તરથી દક્ષિણના અક્ષની નકારાત્મકતા દુર કરવામાં મદદ કરે છે.( સંગીતના જાણકારને આ વાતની સમજણ વધારે પડશે.)
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)
