ચૈત્ર નવરાત્રી: અનુષ્ઠાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય

ચૈત્રી નવરાત્રી ૨જી તારીખથી શરુ થાય છે. ગુડી પડવો એટલે ભારતીય નવું વરસ. આમ જોવા જઈએ તો ફાયનાન્સીયલ વર્ષ પણ આની આજુબાજુમાં જ શરુ થાય છે. શું એની પાછળ કોઈ ભારતીય વિચાર હશે? ભારતના કેટલાક નિયમો વિદેશી નામ સાથે પાછા આવ્યા છે. અને એ વાત જાણવા છતાં આપણે એનો વિશ્વાસ કરી રહ્યા છીએ. નવરાત્રી એટલે આરાધનાનું પર્વ. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે. એમાંથી શ્રેષ્ઠ નવરાત્રી ચૈત્ર મહિનાની ગણાય. કોઈ પણ અનુષ્ઠાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય આ ગણાય છે. ભારતના એક જાણીતા નેતા ગાયત્રી અનુષ્ઠાન કરે છે એ વાત સહુ જાણે છે અને એમનો વિકાસ પણ લોકોએ નિહાળ્યો છે. સકારાત્મક ઉર્જા માટે આ સમય સારો ગણાય છે.

મિત્રો, જો આપને પણ કોઈ સમસ્યા હોય તો આ વિભાગ આપનો જ છે. નીચે જણાવેલા ઈમેઈલ પર આપ સવાલ પૂછી શકો છો.

સવાલ: એવું સાંભળ્યું છે કે નવરાત્રી દરમિયાન ગાયત્રી અનુષ્ઠાન કરવાથી ખુબ જ લાભ થાય છે. શું એ સાચું છે? જો સાચું છે, તો એ કેવી રીતે કરી શકાય? એવું કહે છે કે ગાયત્રી મંત્ર માત્ર બ્રાહ્મણ જ કરી શકે. એ સાચું છે? સ્ત્રીથી આ મંત્ર થઇ શકે?

જવાબ: તમે સાચું સાંભળ્યું છે. પહેલા નોરતાની સવારે માતાજીના સ્થાનક પાસે, જો ન હોય તો પૂજા કરવાની જગ્યા પાસે તાંબાના એક લોટામાં ગાળેલું પાણી રાખી દો. ત્યાર બાદ દીવામાં કપૂર રાખી દો. હવે ધોયેલા વસ્ત્રમાં એક આસન પર બેસીને માળા કરવાની છે, પુરા ધ્યાન સાથે યોગ્ય ઉચ્ચારો સાથે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરી અંતમાં એક માળા મહામૃત્યુંન્જય મંત્રની કરવાની છે. અંતે પેલા કળશના પાણીથી સૂર્યને અર્ઘ આપવાનો છે. ભારતીય નિયમો સમગ્ર માનવ જાતી માટે રચાયા છે. તેથી કોઈ એક વ્યક્તિ કે જાતી જ તે કરી શકે તેવું ન બને. આ અનુષ્ઠાનનો ખુબ જ મહિમા છે. તેથી તે કરવું જોઈએ.

સવાલ: મારા ઘરમાં અમે એક સીરીયલ જોઈએ છીએ. એમાં એક સ્ત્રી એના બોય ફ્રેન્ડ ને પચીસ વરસ પછી મળે છે. એ પોતાના પતિને છોડીને એની સાથે રહેવા જાય છે અને પછી વારંવાર એના પતિના ઘરે એને ધમકાવવા પહોંચી જાય છે. એના પતિનું મોઢું જોવા જેવું થઇ જાય છે. મારા પતિ સારા છે. પણ મારા અરેંજ મેરેજ છે, મને મારો જુનો પ્રેમી યાદ આવે છે. એ પાછો મળી જાય તો અમારી પણ સ્ટોરી બને. એ માણસ મારા જીવનમાં પાછો આવે એના માટે શું કરવું જોઈએ?

જવાબ: સિરીયલથી જીવન ન બને. ટી આર પી એટલે સમાજનો ટેસ્ટ. તમે જે સીરીયલની વાત કરો છો એમાં એ સ્ત્રી નિર્ણય શક્તિ નથી ધરાવતી. સ્ક્રીપ્ટ રાયટર બદલાય એટલે પાત્રોના સ્વભાવ બદલાય. આખું કુટુંબ લડ્યા કરે અને પેલી સ્ત્રી દયામણી બન્યા કરે. એ યા તો દુ:ખ સહન કરે છે યાતો બદલો લે છે. આવા રોલ મોડેલ હોય? વાળો શાંત પાણીમાં પથરા ન મરાય. લગ્નમાં વીસ વરસ સુધીમાં પેલાના ઘરે બાળકો આવી ગયા હશે અને એના જીવનમાં પણ કોઈ આવી ગયું હશે. જો એ પણ તમારી રાહ જોતો હોય તો પણ આખી પ્રક્રિયામાં તમારા પતિનો શું વાંક? એણે તો માત્ર તમને જ પ્રેમ કર્યો હશે. તમને કોઈ ગમતું હતું તો તમારે આમની સાથે લગ્ન કરવાની ચેષ્ટા કરવાની જરૂર નથી. એક એવા માણસને અન્યાય કરવાનો જે ગુનેહગાર છે જ નહિ? પ્રેમ અને લગ્ન કોઈ પણ ઉમરે થાય પણ કોઈનો ભોગ લઈને નહિ. સિરિયલનું પાત્ર હકીકતમાં એવું ન પણ હોય. તમે હકીકતનું જ પાત્ર છો. હકીકત બનીને જુઓ ભૂતકાળ દુ:ખ જ આપે છે. એ પાછો ન આવે અને જો આવે તો વર્તમાનને તકલીફ આપી શકે. ગાયત્રી અનુષ્ઠાન કરો સારું લાગશે.

સુચન: સૂર્યને અર્ઘ આપતી વખતે પાણી જમીનમાં સોસાય જાય એ જરૂરી છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)