ઘરમાંથી વાસ્તુદોષ દુર કરવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવો

વાટકી વ્યવહારની જગ્યાએ હવે પાડોસીઓમાં ફૂડ ટેસ્ટીંગ શરુ થયું છે. કોઈ નવી વાનગી મોકલાવે એટલે સમજી લેવાનું કે એ લોકો આ વસ્તુનો નવો ધંધો શરુ કરી રહ્યા છે. વળી આપણે જો એમ જ ક્સાહુ મોકલીએ તો પહેલેથી કહેવું પડે કે આ માત્ર ખાવા માટે નથી. અમે આવો કોઈ વ્યવસાય કરતા નથી. આવા વાતાવરણનો વિચાર જ કેટલો વિચિત્ર લાગે છે? પણ દરેક વ્યવહારમાં ગણતરીનો યુગ આવી રહ્યો છે. કોઈ અચાનક ભેટ આપે અને ડર લાગે કે હમણાં કશુંક માંગશે. એ ભારતીય વિચાર નથી. અન્ય માટે જીવવું એ નવી પેઢીને શીખવાડવું જરૂરી છે. કારણકે પાઠ્યપુસ્તક કદાચ એ નહિ સમજાવી શકે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું પૈસાદાર લોકો ગુનો કરે તો એ ગુનો ન ગણાય? અમે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં પ્રોપર્ટીના ભાવ કરોડોમાં છે. હમણાં થોડા દિવસ પહેલા વહેલી સવારે એક સદસ્ય ચાલવા નીકળ્યા હતા. એ કમ્પાઉન્ડ વોલ પાસે ગયા. થોડી વાર આસપાસ જોયું અને પછી ધીમેથી વાંકા વળીને એક છોડ ચોરીને એમના કુર્તામાં સંતાડીને જતા રહ્યા. આવું બીજા દિવસે પણ કર્યું. થોડા સમય પહેલા એક પડોસીનો છોકરો ગાડીના પાર્ટ ચોરતા પકડાયો હતો. એક બહેન જીમમાં અન્યના પર્સમાંથી પૈસા ચોરતા પકડાયા. અન્ય એક પડોસી જેમના ઘરે રીપેરીંગ ચાલતું હોય ત્યાંથી ઇંટો, સિમેન્ટ, લાકડું, નળ ઉપાડી જાય છે. બીજા એક કામવાળીની મદદથી અન્યના ઘરના ફોટા મંગાવીને ચોરી કરાવે છે. શું આલોકોને કોઈ માનસિક રોગ હશે? કે પછી ચોરી કરીને જ બધું ભેગું કર્યું હશે?

જવાબ: કેટલાક લોકોનો ઉછેર અભાવમાં થયો હોય છે. જેના કારણે અન્યની વસ્તુઓની એમને ઈર્ષા આવે. અને એ ઉપાડી લે. કેટલાકને એવી બીમારી હોય કે એ ચોરી કરે. કેટલાકને ચોરી કરવામાં સાહસ લાગતું હોય. ગરીબ હોવું એ ગુનો નથી. પણ ચોરી તો ના જ કરાય. માંગીને લેવું એ અલગ વાત છે. વૈભવી મકાનમાં રહેવાથી મૂળભૂત સ્વભાવ બદલાતો નથી. આવા લોકોથી ધ્રુણા કરવાના બદલે સાવચેત રહેવું વધારે જરૂરી છે. તમારી સોસાયટીમાં ચોરોની પણ વેરાયટી જોવા મળે છે. તો પણ બધા ચોર નહિ જ હોય. અગ્નિનો દોષ હોય ત્યારે આવી માનસિકતા આવી શકે.

સવાલ: અમે એક ફ્લેટ ખરીદ્યો. અમારા ગુરુજીએ કહ્યું કે એ વાસ્તુ આધારિત છે. પણ એ લીધા પછી ખબર પડી કે એમાં એક માજી રીબાઈને ગુજરી ગયા છે. વળી કેટલાક લોકો એવું પણ કહે છે કે એમનું મર્ડર થઇ ગયું છે. જો કે અમારા ગુરુજીએ પગલા પાડીને કહ્યું કે હવે આ ઘર પવિત્ર છે. પણ તો પણ તકલીફ ઘણી છે. અમે પગલા પાડવાની સારી એવી દક્ષિણા પણ આપી છે. તો આવું કેવી રીતે થાય?

જવાબ: પહેલી વાત તો જન્મ અને મૃત્યુ બંને નિશ્ચિત છે. દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિનું મૃત્યુ તો થયું જ હોય છે. મૃત્યુ સહજ છે. એટલે એને વાસ્તુદોષ ન ગણાય. હા, કોઈનું ખૂન થયું હોય તો એ નકારાત્મક ગણાય. પણ તમને એની ખાતરી નથી. વળી જે માણસ પગલા પડવાની તગડી ફી લેતો હોય એને ગુરુજી ન ગણાય. પગલા પાડવાથી કોઈ વાસ્તુદોષ દુર ન થાય. એના માટે કોઈ નિષ્ણાતની જ સલાહ લેવી જોઈએ. તમે અંધશ્રદ્ધા ધરાવો છો. એમાંથી બહાર આવી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવો.

સુચન : કોઈ મહારાજ કે ગુરુજી સર્ટીફીકેટ આપે એનાથી વાસ્તુદોષ દુર થતા નથી. આ વિષયને વૈજ્ઞાનિક રીતે સમજવો જરૂરી છે.

( આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )