અમેરિકા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિય વૃક્ષ વડની સંખ્યા વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી અભિયાન ‘એક પેડ મા કે નામ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને રાજ્ય અને દેશના સીમાડાઓને પેલે પાર વિદેશથી પણ સમર્થન મળી રહ્યું છે.મૂળ અમદાવાદના અને હાલમાં અમેરિકાના ડલાસ ખાતે સ્થાયી થયેલા સ્વાતંત્ર્યસેનાની દંપતી સ્વ. ગોકળદાસ પટેલ અને સ્વ. લલિતાબહેન પટેલના દીકરા અશોકભાઈ પટેલે મુખ્યમંત્રીના પ્રકૃતિ પોષક અભિયાનને ડલાસથી સમર્થન આપ્યું છે. તેમણે ડલાસ સ્થિત તેમના નિવાસસ્થાને માતાની યાદમાં છોડ રોપી અમેરિકામાં વસતા તમામ ભારતીયો અને ગુજરાતીઓને આ અભિયાનમાં જોડવાનો સંકલ્પ લીધો છે.