અમદાવાદ: બોપલ સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા ચાર દિવસીય વિધ્યાર્થી મહોત્સવ “આશાએં’-૨૦૨૪” આયોજિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં રહેલ આર્ટિસ્ટિક ટેલેન્ટને પ્લેટફોર્મ આપવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર બે વર્ષે યોજાતા આ મહોત્સવમાં ડ્રામા, મ્યુઝિક, યોગા, ડાન્સ જેવા માધ્યમો દ્વારા ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ ભાગ લે છે. વિવિધ થીમ પર આધારિત મનોરંજક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક, સાંમપ્રત વિષયો તેમજ સામાજીક સંદેશ આપતા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સર્કસના વિવિધ એક્ટ, કલરફૂલ કોસ્ચ્યુમ્સ દર્શાવતું મ્યુઝિકલ ડ્રામા ‘ધ ગ્રેટ રોયલ સર્કસ એક્સ્ટ્રાવેગેન્ઝા’, ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે ટેક્નોલોજી અને ટ્રેડિશનલના ઈન્ટિગ્રેશન પર ભાર મૂકતા ‘ધ ઇકોઝ ઓફ ટાઈમ’, ભ્રષ્ટાચાર-મુક્ત ન્યુ ઈન્ડિયાના વિઝનને પ્રકાશિત કરતા અને સૈનિકોની ભૂમિકાની પ્રશંસા કરતા ‘યે નયા હિન્દુસ્તાન હૈ’, એકતા અને સાંસ્કૃતિક વિવિધતાના પ્રતિક રૂપે દર્શકોને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર પર લઈ જતી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, પરંપરાગત પરિવાર દ્વારા સામનો કરવામાં આવતા આધુનિક જીવનના સંઘર્ષો અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે સ્ટિફન કોવેની સાત આદતોના સૂક્ષ્મ જોડાણને દર્શાવતી ‘રિશ્તેઃ અ બોન્ડ ઓફ લવ’ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિધ્યાર્થીઓ દ્વારા સુપ્રસિદ્ધ અને લોકપ્રિય કૃતિઓ “મન મોર બની થનગાટ કરે”, “રાજ મને લાગ્યો કસુંબીનો રંગ”, ” ચારણ કન્યા” પ્રસ્તુત કરવામાં આવી હતી.આ ચાર દિવસીય મહાઉત્સવ “આશાએં’-૨૦૨૪” માં છ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી.