અમદાવાદ: પ્રખ્યાત ધાર્મિક સંશોધન સંસ્થા ગીતાર્થ ગંગા દ્વારા ૧૯મી મેના રોજ “આર્ય યુગકોષ”ના એક એન્સાઈક્લોપિડીયાના અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પહેલાં ૧૮મી મેના રોજ ઑનલાઇન અને Physical (હાઈબ્રીડ) પેનલ ચર્ચાનું આયોજન, અમદાવાદ સ્થિત વિશ્વકોષ ભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશથી અનેક મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે પ્રાચીન દ્રષ્ટાઓની બૌદ્ધિક ઊંડાણ, વિદ્વત્તાપૂર્ણ સમર્પણ અને કાલાતીત જ્ઞાન પર ચર્ચા કરવામાં આવી હતી.
પેનલ ચર્ચામાં રાષ્ટ્ર અને વિશ્વના પ્રતિષ્ઠિત વક્તાઓએ ભાગ લીધો હતો. ડો. જસવંત મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાહતા. આ ઉપરાંત IB ના પૂર્વ વડા રાજીવ જૈન પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય ચીના જિયાર સ્વામીજીએ પણ વિશેષ અતિથિ તરીકે પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. ઉપસ્થિત અન્ય પ્રતિષ્ઠિત વક્તાઓમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કુમારપાલ દેસાઈ, ડૉ. સુલેખા જૈન, પ્રવિણ કે શાહ (ચેરમેન, જૈના-USA), વિનોદ કપાસી (OBE એવોર્ડથી સન્માનિત, UK) વગેરેનો સમાવેશ થયો હતો.
ભારતના પૂર્વ Dy. NSA, હાલમાં VIF ડિરેક્ટર ડો. અરવિંદ ગુપ્તાએ જણાવ્યું કે, “તમે ભવિષ્યની પેઢીઓ માટે ખૂબ જ દુર્લભ અને ઉપયોગી કાર્ય સિદ્ધ કર્યું છે. તમારે આ મોડેલનું રહસ્ય શેર કરવું જોઈએ જેથી સમાન ક્ષેત્રોમાં કામ કરતા આપણા દેશમાં અન્ય લોકો અને જૂથોને પણ લાભ થાય.”
ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ ડિરેક્ટર રાજીવ જૈને કહ્યું કે, “તમારા લક્ષ્યનો જે વિસ્તાર છે અને જે અસાધારણતાથી તમે કાર્ય કરી રહ્યા છો તેનાથી હું પ્રભાવિત થયો છું અને આ કાર્યને આગળ ધપાવવાની જરૂર છે.”
આર્યયુગ કોશના લોકાર્પણ સમયે તેમના સંબોધન દરમિયાન પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીએ જણાવ્યું કે, “વર્તમાન કાળમાં ભૌતિકતાના કારણે નાસ્તિકતા ચારે કોર ફેલાઈ છે. તેના કારણે વર્તમાન પેઢીનું ધર્મ, ધર્મ શાસ્ત્રો, ધર્મ શાસ્ત્રોના રહસ્યાર્થ સાથેનું જોડાણ શિથિલ થયું છે. તેથી ધર્મના રક્ષણનો અત્યારે અવસર છે. તે રક્ષાનાં ઉદેશ્યથી સ્થાપેલી ગીતાર્થ ગંગા સંસ્થાનું ૩૨ વર્ષ પછીનું મહત્વનું પ્રકાશન તે આર્ય યુગ વિષય કોષ છે. આ કોષમાં ૪ મુખ્ય વિષય અને ૧૫૯ પેટા વિષયના હજારો ગ્રંથના સંદર્ભો ને ૮ categoriesમાં classify કરીને પ્રકાશીત કર્યું છે. તેથી તે વિષય બાબતે જેટલા શાસ્ત્ર વચનો છે, તે એક જગ્યાએ મળી જાય. આ પુસ્તક ભારતના ધર્મોને, તેના મહત્વના તત્વજ્ઞાનને જીવંત રાખવા- રક્ષા કરવા મહત્વનો ફાળો ભજવશે. ભારત દેશના soft powerને પુનઃ જીવિત કરવામા પણ આ ગ્રંથ મહત્વનો ફાળો ભજવશે.”