અરવલ્લીના બાયડ તાલુકાના નવી બોરોલ ગામના કિરણભાઈ પટેલ પાસે 15 વીઘા જમીન, પરંતુ તેમને કે બે દીકરા કોઈની પાસે ખેતી કરવાનો સમય નહીં. કિરણભાઈ પટેલ પોતે દુકાન ચલાવે. એક દીકરો આર્યુવેદિક કોલેજમાં પ્રોફેસર છે તો બીજો દીકરો શિક્ષક. બન્ને દીકરા વતનથી દૂર રહીને નોકરી કરે. તેમાંના શિક્ષક દીકરા એટલે વિશાલભાઈ પટેલ.
વિશાલભાઈ પટેલે PTCનો અભ્યાસ કર્યો છે અને હાલમાં પ્રાથમિક શાળામાં શિક્ષક છે. 15 વર્ષ સુધી તેમણે દ્રારકા જિલ્લામાં નોકરી કરી. બે વર્ષથી વિશાલભાઈની બદલી ડાકોર જિલ્લામાં કરવામાં આવી છે. તેઓ હાલમાં પોતાના વતન રહે છે અને ડાકોર રોજ અપ-ડાઉન કરે છે. વિશાલભાઈ જ્યારે દ્વારકા રહેતા ત્યારે તે ત્યાં શાળામાં બાળકોના મિડ-ડે મિલ માટે શોખથી શાકભાજી ઉગાડતા. જાતે કરેલી ઓર્ગોનિક ખેતી અને એનો સ્વાદ વતન પાછા આવ્યા બાદ વિશાલભાઈને ખૂબ સાંભરે. આથી તેમણે પિતાને વાત કરી અને પોતાની જમીન પર જાતે જ ખેતી કરવાનો નિર્ણય કર્યો.
વિશાલભાઈએ નોકરીની સાથે ઓર્ગેનિક ખેતી કરીને કેવી રીતે સફળતા મેળવી છે તેના વિશે આજે અમે અમારા ‘દીવાદાંડી‘ વિભાગમાં વાત કરવાના છીએ.
મૂળે શિક્ષક હોવા છતાં, તેમને ખેતી વિશેનું જ્ઞાન અઢળક. તેમાં રસ પણ ખરો. આથી તેમણે બાગાયતી પાક લેવાનું વિચાર્યું. સાથે જ પાકના બે ચાસ વચ્ચે શાકભાજી વાવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ તેમણે ડ્રેગનફ્રૂટની ખેતી કરી. ત્યાર બાદ અંજીરની ખેતી કરવાનું વિચાર્યું અને તેમણે અંજીરની સાથે અન્ય બગાયતી પાકોની પણ પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક મેળવવામાં સફળતા મેળવી છે. હાલમાં વિશાલભાઈએ અંજીરના 250 પ્લાન્ટનું વાવેતર કર્યું છે. જેમાં ડ્રાય અંજીર અને ગ્રીન અંજીર બન્ને પ્રકારના છોડનું વાવેતર કર્યું છે. બાગાયતી પાકમાં બેથી ત્રણ વર્ષ બાદ ઉત્પાદન અને આવક શરૂ થાય છે. પરંતુ વિશાલભાઈ જે બે લાઈન વચ્ચે શાકભાજી કરી રહ્યા છે તેની આવક તેમને નિયમિત મળી રહી છે. તેઓ દરેક પ્રકારના સિઝનલ શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે.
વિશાલભાઈ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવેલા જૈવિક ખાતરનો જ ઉપયોગ કરે છે અને જંતુનાશકોને બદલે નીમના કાઢાનો ઉપયોગ કરે છે. સાથે છાસમાં દેશી ગોળ મેળવીને તેનો છંટકાવ કરે છે. આના કારણે તેમના પાકમાં કુદરતી સ્વાદ અને સુગંધ આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. વિશાલભાઈએ અંજીરની ખેતીમાં નવી પહેલ કરી છે. તેમણે વિવિધ પ્રકારના અંજીરનું વાવેતર કર્યું છે. તેઓ આ પાકને સ્થાનિક બજારમાં અને સીધા ગ્રાહકોને વેચે છે. જેનાથી તેમનો નફો પણ વધી જાય છે. તેમના ઓર્ગેનિક ડ્રેગનફ્રૂટ અને અંજીરની માંગ ખૂબ જ વધારે છે. કારણ કે ગ્રાહકોને પ્રાકૃતિક રીતે ઉગાડેલા અંજીર ભાવે છે. આથી કહી શકાય કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધ્યું છે.
વિશાલભાઈ પોતાની આ ઓર્ગેનિક ખેતીની યાત્રા વિશે કહે છે, “હું ખેતીમાં ઝીરો હતો. મને ખેતી કરતા આવડતું જ ન હતું. પરંતુ સૌરાષ્ટ્રમાં અનેક વર્ષો કાઢવાથી મને ખેતીમાં રસ જાગ્યો. ત્યાં દરેક વ્યક્તિ નાની-મોટી ખેતી કરતું જ હોય છે. ગામડાઓમાં તો લોકો ખેતર આસપાસ જ રહેતા હોય. આથી ત્યાંના ખેડૂતોને જોઈને મને રસ જાગ્યો. ત્યાર બાદ તો યુટ્યૂબમાં જોઈ-જોઈને ખેતીમાં રસ જાગ્યો. હવે હું ઓર્ગેનિક ખેતી વિશે ઓનલાઈન વિડીયો જોઈને માહિતી મેળવું છું. અત્યારે હું વહેલો સવારે 6 વાગ્યે તો ખેતરમાં પહોંચી જાઉં છું. નોકરી જતા પહેલાં બે-ત્રણ કલાક ખેતરમાં સમય પસાર કરું છું. નાના બાળકના ઉછેરની જેમ જ પાકનો ઉછેર કરૂં છું. આ સિવાય રવિવારે પાંચ-છ મજૂરો કરીને આખા અઠવાડિયાનું કામ પતાવી દઉં છું.”
વિશાલભાઈની સફળતાથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે મહત્વની વાત છે. સફળતા વિશે વિશાલભાઈએ કહ્યું, “ડ્રેગનફ્રૂટ વાવ્યાને આ મારું બીજું જ વર્ષ છે. આ વર્ષેમાં અઢી લાખ રૂપિયાના ડ્રેગનફ્રૂટ વેચ્યા છે. હું ડાયરેક્ટ સેલિંગ કરું છું. ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરેલા મારા ડ્રેગનફ્રૂટ સ્વાદમાં મીઠા લાગે છે અને ન્યુટ્રિશનલ વેલ્યુના કારણે તેની ડિમાન્ડ વધારે હોય છે.”
પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદા છે. જેમ કે, પર્યાવરણ માટે લાભદાયક છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, જેના કારણે જમીન, પાણી અને હવા પ્રદૂષણથી બચી જાય છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલા પાકમાં કુદરતી સ્વાસ્થ્યવર્ધક ગુણો હોય છે. આર્થિક વિકાસ, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો આવે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે હોય છે. જેના કારણે ખેડૂતોને સારી આવક મળે છે. સ્વદેશી બીજોનું સંરક્ષણ, પ્રાકૃતિક ખેતીમાં સ્વદેશી બીજોનો ઉપયોગ થાય છે. જેના કારણે બીજ વિવિધતા જળવાઈ રહે છે.
આ વિશે વિશાલભાઈનું કહેવું છે કે, અત્યારે ખેડૂતોને ઓછી મહેનતે વધુ પાક લેવા હોય છે. તેઓ જમીનને જરૂરી પોષક તત્વો આપવાના બદલે માત્ર રાસાયણિક ખાતરો જ આપ-આપ કરે છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. આજે હું ગીર ગાયની છાશ લાવીને તેને એક મહિના સુધી રાખું છું પછી તેમાં દેશી ગોળ ઉમેરીને આ મિશ્રણનો પેસ્ટીસાઈઝ તરીકે ઉપયોગ કરું છું. જેનાથી છોડ કે પાક કોઈને નુક્સાન થતું નથી.
વિશાલભાઈએ અંજીરનો પાક એક જ વીઘામાં કર્યો છે. હવે બીજી પાંચેક વીઘા જમીનમાં આગળ નારિયેળી અને ખારેકનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઝાડોની વચ્ચે પચ્ચીથી ત્રીસ ફૂટનું અંતર રહેતું હોવાથી બે ચાસની વચ્ચે આંબા અને પપૈયાની બાગાયતી ખેતી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. વિશાલભાઈ જેવા ખેડૂત બીજા ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોના આર્થિક વિકાસ માટે પણ ફાયદાકારક છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)