ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે અને કેટલાંક વિસ્તારોમાં ઓછો વરસાદ પણ પડ્યો છે. રાજ્યમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસાનો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વાવણી થઈ છે અને કેટલાક તાલુકાઓમાં તો અતિભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. છેલ્લાં બે અઠવાડિયામાં પહેલાં દક્ષિણ ગુજરાત, બાદમાં સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જો કે, હવે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થશે એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જવાની શક્યતા દેખાઈ રહી છે.
હાલ દક્ષિણ ગુજરાતની આસપાસ એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે હજી એકાદ બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પાસે રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે.
ચિત્રલેખા: અત્યાર સુધીમાં સિઝનનો કેટલો વરસાદ નોંધાયો છે?
રામાશ્રય યાદવ: 1લી જૂનથી લઈને 6 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં 157.8 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે 1લી જૂનથી લઈને 6 જુલાઈ સુધીમાં 157.7 મિ.મી. વરસાદ નોંધાવો જોઈએ અને એટલો જ નોંધાયો છે. એટલે કહી શકાય કે આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદમાં કોઈ વધારો કે ઘટાડો નોંધાયો નથી.
જો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો 1લી જૂનથી લઈને 6 જુલાઈ સુધી 168 મિ.મી. થયો છે. જ્યારે સામાન્ય રીતે 195.5 મિ.મી. જેટલો વરસાદ નોંધાવો જોઈએ. આથી કહી શકાય કે આ વિસ્તારમાં 14 ટકા વરસાદની ઘટ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વાત કરવામાં આવે તો 154.4 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે 128.4 મિ.મી. અહીં વરસાદ હોવો જોઈએ. આમ કહી શકાય કે સૌરાષ્ટ્ર-કચ્છમાં 28 ટકા સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે.
જુલાઈ મહિનામાં વરસાદ સામાન્ય કરતા વધારે રહેશે. 1.67 ટકા સામાન્ય કરતા વધારે વરસાદ રહેવાની સંભાવના છે. જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાવાળા વિસ્તારોમાં વધારે વરસાદ થવાની સંભાવના છે. પેટર્નની જો વાત કરવામાં આવે તો વચ્ચે-વચ્ચે કેટલાંક દિવસોમાં વરસાદ ઓછો પણ જોવા મળશે.
ચોમાસું આવ્યું તો સમયસર પણ વચ્ચે અઠવાડિયું વરસાદ ખેંચાયો એનું કારણ શું છે?
11મી જૂને મોનસુનની ગુજરાતમાં એન્ટ્રી તો થઈ ગઈ પરંતુ સિસ્ટમ વીક હતી. ત્યારબાદ વરસાદ માટે જરૂરી હોય તેવું મેકેનિઝમ સિસ્ટમને મળ્યું નહીં. જો કે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં મેકેનિઝમ સ્ટ્રોંગ થયું અને વરસાદી વાદળો બનતા સારો એવો વરસાદ નોંધાયો.
ગયા વર્ષે તો ચોમાસું સામાન્ય રહ્યું હતું, આ વર્ષે જો સમગ્ર સિઝનની વાત કરવામાં આવે તો તે સામાન્ય કરતાં વધારે રહેવાની સંભાવના છે.
ફોરકાસ્ટ કરતા સમયે કઈ બાબતોને ધ્યાને રાખો છો?
સિનોપસ્ટિક પરિસ્થિતિ ખાસ ધ્યાનમાં લઈએ છીએ. કઈ-કઈ સિસ્ટમ એક્ટિવ છે ખાસ તો એ વાતનું ધ્યાન રાખતા હોઈએ છીએ.
સામાન્ય ચોમાસામાં કેટલો વરસાદ નોંધાતો હોય છે?
સામાન્ય ચોમાસાનો સ્કેલ 95 ટકા રહેતો હોય છે જ્યારે સામાન્ય કરતા વધારેનો સ્કેલ 105 ટકા હોય છે. આ વર્ષે 106 ટકાથી વધારે વરસાદ નોંધાવવાની સંભાવના છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)