નવી દિલ્હીઃ અમેરિકાની મોટી પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વરલેક રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 1.15 ટકા હિસ્સો 75 કરોડ ડોલર એટલે કે આશરે રૂ. 5,655.75 કરોડમાં ખરીદશે. આ સોદાના હિસાબે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની વેલ્યુ રૂ. 5.15 લાખ કરોડ (65 અબજ ડોલર) થઈ ગઈ છે. સિલ્વર લેકના આ સોદાથી ફેસબુક સોદાની તુલનાએ વધુ વેલ્યુએશને થયો છે. સિલ્વર લેક ટેક્નોલોજીએ વર્ષ 2013માં પર્સનલ કોમ્પ્યુટર કંપની ડેલનું હસ્તાંતરણ કર્યું હતું, જે પછી એ લાઇમલાઇટમાં આવી હતી.
12.5 ટકા પ્રીમિયમે સોદો થયો
ફેસબુકના મુકાબલે સિલ્વર લેકની સાથે જિયોનો સોદો વધુ આકર્ષક અને લાભકારક રહ્યો છે, કેમ કે ટેક્નોલોજીથી જોડાયેલી કંપનીઓમાં રોકાણ કરવાને મામલે સિલ્વર લેક વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં સામેલ છે. સિલ્વર લેકનું સંયુક્ત AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) 43 અબજ ડોલરનું છે. કંપનીએ આશરે 100થી કંપનીઓમાં વધુ મૂડીરોકાણ કર્યું છે અને એના અધિકારી સિલિકોન વેલી, ન્યુયોર્ક, હોંગકોંગ અને લંડનમાં મોજૂદ છે
રિલાયન્સ ઇન્ડ. લિ.ના ચેરમેન મુકેશ અંબાણીએ સિલ્વર લેક સાથેના સોદાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, ‘અમે સિલ્વર લેકની સાથે પાર્ટનરશિપ કરવા માટે ખુશ છીએ, એટલે ઇન્ડિયન ડિજિટલ સિસ્ટમનું ટ્રાન્સફોર્મ થશે અને એ ઝડપથી ગ્રોથ કરશે. અમે આ સોદાથી ઘણા ઉત્સાહિત છીએ.’ તેમણે કહ્યું હતું કે આ સોદાથી ઇન્ડિયન ડિજિટલ સોસાયટીને બહુ મોટો લાભ થશે. સિલ્વર લેકનો રેકોર્ડ આઉટસ્ટેન્ડિંગ છે અને એ ટેક અને ફાઇનાન્સમાં એક સન્માનિત નામ છે.
ફેસબુકે જિયોમાં 9.9 ટકા હિસ્સો ખરીદ્યો
ગઈ 22 એપ્રિલે ફેસબુક કંપનીએ જિયોમાં 9.9 ટકા હિસ્સો રૂ. 43,574 કરોડમાં ખરીદ્યો હતો. આ સોદા પ્રમાણે જિયોની વેલ્યુ રૂ. 4.62 લાખ કરોડ થાય છે.
દેશની સોથી મોટી ટેલિકોમ કંપની
જિયોનું લોન્ચિંગ વર્ષ 2016માં કરાયું હતું. ત્રણ વર્ષમાં જ એ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. કંપનીની પાસે આશરે 34 કરોડથી વધુ ગ્રાહકો છે. હવે કંપનીની માર્કેટ વેલ્યુ વધીને રૂ. 5.15 લાખ કરોડ થઈ ગઈ છે.