હૈદ્રાબાદ: સંધ્યા થિયેટરમાં નાસભાગના મામલે એક્ટર અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જ્યાં પોલીસ આજે તેમની પૂછપરછ કરવાની છે. એક્ટર પોતાની લીગલ ટીમ સાથે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જો કે, અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ તેમના ઘર અને પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
કડક સુરક્ષા વચ્ચે પહોંચ્યો પોલીસ સ્ટેશન
અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન જવા નીકળે તે પહેલાં જ એક્ટરના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા. આ દરમિયાન પોલીસના હાથમાં લાકડીઓ જોવા મળી હતી. જણાવી દઈએ કે, હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે, સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. આ સાથે જ તેના આઠ વર્ષનો દીકરો પણ ઈજાગ્રસ્ત થયો હતો.એક્ટરે ફેન્સને કરી વિનંતી
સમગ્ર ઘટનાક્રમ પહેલા અભિનેતાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લોકોને કોઈ પણ રીતે ગેરવર્તન ન કરવા વિનંતી કરી હતી. વધતા વિવાદ વચ્ચે, અલ્લુ અર્જુને દરેકને અપીલ કરી હતી કે તેઓ ઓનલાઈન અને ઓફલાઈન કોઈપણ પ્રકારના અભદ્ર વર્તન અથવા ભાષાનો ઉપયોગ ટાળે.એક્ટરે પોતાના ચાહકોને પણ આદર અને સકારાત્મકતા જાળવવા વિનંતી કરી હતી.