ગાંધીનગર: પ્રજ્ઞાચક્ષુ લોકોની સુવિધા માટે બ્રેઈલ લિપિની રચના કરનાર લૂઇ બ્રેઈલના જન્મદિવસે એટલે કે 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગોની સુવિધા અને સુખાકારી માટે આજના દિવસે રાજ્યમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નવસારી જિલ્લામાં દિવ્યાંગોની સેવા માટે શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ પ્રેરણાદાયક છે.નવસારીના સુલતાનપુર ગામમાં નિર્માણ કરવામાં આવેલા સામુહિક શૌચાલયમાં દિવ્યાંગો માટે બ્રેઈલ લિપીમાં સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. જેની મદદથી શૌચાલયનો ઉપયોગ કરવો તેમના માટે સરળ બની ગયો છે. તે સિવાય વ્હીલચેરથી જવા માટે રેમ્પ તેમજ શૌચાલયની અંદર ગ્રેબ હેન્ડલ પણ બનાવવામાં આવ્યા છે. દિવ્યાંગો માટેના આ શૌચાલયમાં વ્હીલચેર અંદર પ્રવેશી શકે તેટલા પહોળા દરવાજા અને અંદર તે વળાંક લઇ શકે તેટલી જગ્યા હોય છે.
આ બાબતે સુલતાનપુર ગામના સરપંચ શશિકાંત પટેલ જણાવે છે કે, “આ શૌચાલય જ્યાં બન્યું છે ત્યાં દરરોજ આસપાસના ગામના ઘણા લોકો આવે છે. કારણ કે નજીકમાં જ ઐતિહાસિક જોગેશ્વર મહાદેવ મંદિર છે અને શ્રાવણ મહિનામાં અહીં મેળો પણ ભરાય છે. દિવ્યાંગજનો માટે આ સુવિધા દ્વારા સમાજના તમામ વર્ગના લોકો સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાનો ઉદ્દેશ છે. સુલતાનપુર ગામમાં અત્યારે 25 જેટલા દિવ્યાંગો વસવાટ કરે છે.”
નવસારીને ખુલ્લામાં શૌચમુક્ત રાખવાના મોટા વિઝન સાથે આ કામગીરી કરવામાં આવી છે. નવસારીમાં 2 લાખથી વધુ વ્યક્તિગત શૌચાલય અને 100થી વધુ સામૂહિક શૌચાલય બનાવવામાં આવ્યા છે.
2600 જેટલી વસ્તીવાળા આ ગામમાં 107 મહિલાઓ કિચન ગાર્ડન દ્વારા આત્મનિર્ભરતા તરફ આગળ વધી છે. કિચન ગાર્ડન દ્વારા તેઓ ઘરના આંગણામાં જ પ્રાકૃતિક ખેતી કરીને તેમના પરિવાર માટે પોષણયુક્ત શાકભાજી ઉગાડે છે અને વેચાણ કરીને આર્થિક ઉપાજન પણ કરી રહી છે.