નકલી પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ : મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની ધરપકડ

અમદાવાદ: ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પ્રણવકુમાર પટેલ સામે વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરવા મામલે ગુજરાત ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા હરિકેશ પટેલે પોતાનો અસલી પાસપોર્ટ જમા હોવા છતાં બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. તેના આધારે વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસે સઘન તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે.

ગુજરાત ATSને બાતમી મળી હતી કે, હરિકેશ પ્રણવ પટેલ (રહે. ઊર્મિ બંગલો, મીરાપાર્ક સોસાયટી શાહીબાગ અમદાવાદ)એ નકલી પાસપોર્ટ બનાવ્યો છે, જેથી ATSએ સાયન્સ સિટી પાસેથી હરિકેશ પટેલની ધરકકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી 2023ના EDના મની લોન્ડ્રીંગ કેસમાં સંડોવાયેલો હતો, જેથી આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને આગોતરા જામીન માટે અરજી કરતા જામીન મળી ગયા હતા, પરંતુ બાદમાં EDએ જામીન રદ કરાવ્યા હતા. આ દરમિયાન આરોપીએ પાસપોર્ટ હોવા છતાં નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.

દુબઈના એક મિત્ર મારફતે પાસપોર્ટ બનાવ્યો

ગુજરાત એટીએસના એસપી કે. સિદ્ધાર્થે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022-23માં ઈડી (ED) સમક્ષ પોતાનો અસલી પાસપોર્ટ જમા કરાવવા છતાં, આરોપીએ ખોટા સરનામાના આધારે અને 25 લાખ રૂપિયાનો ખર્ચ કરીને દિલ્હીથી દુબઈના એક મિત્ર મારફતે નવો બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ નકલી પાસપોર્ટના સહારે આરોપીએ દુબઈ, ભૂતાન, નેપાળ ઉપરાંત બેંગકોક, સિંગાપોર અને મલેશિયા સહિત કુલ 6 જેટલા દેશોની આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ પણ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત, એટીએસની તપાસમાં અમદાવાદમાં તેની અનેક બોગસ કંપનીઓ હોવાનું અને તેમાંથી કેટલીક કંપનીઓ સંપૂર્ણપણે ફરજી હોવાનું પણ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

ગાઝિયાબાદથી બીજો પાસપોર્ટ મેળવ્યો

ઈડી (ED)ના મની લોન્ડરિંગ કેસમાં મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હોવાની હકીકત છુપાવીને આરોપીએ દિલ્હી અને આગ્રાના બનાવટી ભાડા કરારો અને ખોટા સરનામાના આધારે ગાઝિયાબાદમાંથી બીજો પાસપોર્ટ મેળવ્યો હતો. એટીએસે 13 સપ્ટેમ્બર 2026ના રોજ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.