અમદાવાદ: રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, 9 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કોઈ ખાસ વેધર વોર્નિંગ જાહેર કરી નથી. અમદાવાદમાં આગામી સમયગાળા દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
2 સપ્ટેમ્બરે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 1 જૂનથી સિઝનનો કુલ વરસાદ 595.7 મિલીમીટર (23.45 ઈંચ) નોંધાયો છે, જે સામાન્ય કરતાં 30.5 મિલીમીટર(1.20 ઈંચ) ઓછો છે. એટલે કે સામાન્ય વરસાદથી ચાર ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ વરસાદના 15 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 35 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.




