નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપઃ 53નાં મોત, 62 ઘાયલ

નવી દિલ્હીઃ નેપાળ અને તિબેટની સરહદ પાસે મંગળવારની સવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા ભારતના બિહાર, UP, દિલ્હી NCR, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં અનુભવાયા હતા.

આ ભૂકંપને કારણે તિબેટમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે, કમસે કમ 53 લોકોના મોત થયાં છે. ભૂકંપે તિબ્બતના શિગાત્સે શહેરમાં ભારે તબાહી મચાવી છે. ભૂકંપમાં અનેક ગામો ગરકાવ થયાં છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે, એમ ચીનના સ્થાનિક મિડિયાએ જણાવ્યું હતું.


ચીનની સરકારી એજન્સી સિન્હુઆએ જણાવ્યું છે કે શિજાંગ સ્વાયત્ત ક્ષેત્ર (તિબેટના શિગાત્સે શહેર)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 53 લોકોનાં મોત થયાં છે અને 62 લોકો ઘાયલ થયા છે.

અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ (USGS)એ જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ આશરે 10 કિલોમીટર ઊંડું હતું અને પર્વતીય વિસ્તારમાં હતું. ચીનની ભૂકંપ નિગરાની એજન્સીએ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધી હતી. બિહારના અનેક જિલ્લાઓ મોતિહારી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, સિવાન, અરરિયા, સુપૌલ અને મુઝફ્ફરપુરમાં સવારે 6.40 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા.. લોકો ભૂકંપના ઝટકા મહેસૂસ થતાં ડરીને ઘરમાંથી બહાર આવી ગયા. નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારે ઝટકા મહેસૂસ થયા બાદ લોકો ઘરોમાંથી બહાર આવી ગયા. આટલી તીવ્રતાનો ભૂકંપ શક્તિશાળી ગણાય છે અને ગંભીર નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોય છે. ત્યાર બાદ શિજાંગ ક્ષેત્રથી એક કલાકની  અંદર ભૂકંપના 5 વધુ ઝટકા મહેસૂસ થયા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 અને 4.9 માપવામાં આવી હતી.