અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા ‘અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની છઠ્ઠી આવૃત્તિમાં મંગળવારની સાંજે પણ દર્શકો મોટી સંખ્યામાં કલાકૃત્તિઓ નીહાળવા અને કલાકારોને બિરદાવવા માટે ઉમટી પડ્યા હતા. બેંગલુરુ, દિલ્હી અને વડોદરા જેવા સ્થળોથી આવેલ કલાકારોએ નૃત્ય, સંગીત અને નાટ્ય પ્રસ્તૃતિની એક સમૃદ્ધ શ્રંખલા રજૂ કરી હતી. જેને દર્શકોની મોટી ભીડ અને તાળીયોના ગડગડાટ સાથે મંગળવારની સાંજના માહોલને અનેરા ઉત્સાહથી ભરી દીધો હતો.
બેંગલુરુના નૃત્યાંગના દેબપ્રિયા દાસે પોતાની પ્રસ્તૃતિ ‘પરિક્રમા – અ જર્ની વિધિન’ રજૂ કરી હતી. આ પ્રસ્તૃતિના માધ્યમથી તેમણે પોતાની સફરને પોતાના દ્રષ્ટિકોણ સાથે રજૂ કરીને એક ખાસ સંદેશ આપ્યો. દેબપ્રિયાએ બેલી ડાન્સિંગ અંગે લોકોના જુદા-જુદા વિચારો રજૂ કર્યા અને સાથે જ સ્પષ્ટ કર્યુ કે બેલી ડાન્સિંગ પણ દેશની એક ચોક્કસ સામાજિક સંરચનાનો જ ભાગ છે.
વડોદરાના ગાયક મિશાલ આર. ભાટિયાએ સંગીતમય પ્રસ્તૃતિ ‘પુરુષાર્થમ’ રજૂ કરી. જેના માધ્યમથી મિશાલે પુરુષોના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય અંગેના અવાર-નવાર અગણવામાં આવતા વિષયો અંગે ચર્ચા કરી. તેમણે એ મહિલાઓની વાર્તાઓને સુંદર રીતે રજુ કરી, જે પોતાના જીવનમાં પુરુષો અંગે ચર્ચા કરે છે અને પુરુષો ઉપર લાદવામાં આવતા સામાજિક દબાણો અને અપેક્ષાઓને ઉજાગર કરે છે. “પુરુષાર્થમ” નો ઉદ્દેશ્ય સમાજની આ માનસિક્તાને પડકારવી અને પુરુષો પોતાની લાગણીઓ, સમસ્યાઓ અને પડકારોને અભિવ્યક્ત કરતા થાય તેવી સામાજિક સ્થિતી તૈયાર કરવાનો છે.
વિઝ્યુઅલ આર્ટ ઈન્સ્ટોલેશન
સુરતના કલાકાર તેજસ ચૌહાણે પોતાની કલાકૃતિ ‘એબ્સ્ટ્રેક્ટ એક્સપ્રેશન’ રજૂ કરી. તેજસ દર્શકોને વાદળી દુનિયાના જીવોની સફરે લઈ જાય છે. કલાકારનું માનવું છે કે આ જીવોનુ અન્વેષણ કરીને દર્શકો પોતાની યાદો અને લાગણીઓથી ભરેલ વ્યક્તિગત યાત્રા ઉપર નિકળી પડે છે.
દિલ્હીમાં રહેતા મીનુ રાણીએ પોતાની કલાક્ર્તિ ‘ઇકોઝ ઇન ફોર્મ 30°n’ રજૂ કરી. જેમાં તેમણે પ્રકૃતિના સતત બદલાતા સ્વરૂપો સાથેના સમાંતર ચિત્રો બનાવીને માનવીય સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી. મીનું દર્શકોને આત્મ ખોજની યાત્રા માટે પ્રેરિત કરે છે. જે કુદરતની બનાવેલ આ દુનિયામાં આપણા સ્થાન અંગે ગાઢ ચિંતનથી ભરેલી છે.