તુર્કીના એરપોર્ટ પર 2 દિવસથી ફસાયેલા 400 ભારતીય મુસાફરો પરેશાન

તુર્કી: ઈસ્તાંબુલથી દિલ્હી અને મુંબઈ આવી રહેલાં 400 મુસાફરો 2 દિવસથી ઠંડીમાં તુર્કી એરપોર્ટ પર ફસાયેલા છે. આ લોકો બુધવારે રાત્રે ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દિલ્હી (6E12) અને મુંબઈ (6E18) જવાના હતા. પરંતુ તેઓને શુક્રવાર સુધી કહેવામાં આવ્યું ન હતું કે તેઓ ક્યારે ભારત જશે. આમાંથી ઘણા મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.ઇસ્તંબુલના ભારતના કોન્સ્યુલેટ જનરલે દિલ્હી અને મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં વિલંબને કારણે ત્યાંના એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે પગલું ભર્યું છે. એરલાઈન્સની 11 ડિસેમ્બરે દિલ્હી અને મુંબઈ બંનેની ફ્લાઈટ્સ લગભગ બે દિવસ મોડી પડી હતી. પછી 13 ડિસેમ્બરની ઇસ્તંબુલ-દિલ્હી પણ વિલંબિત થઈ, ત્યાં ફસાયેલા ફ્લાયર્સની સંખ્યામાં વધારો થયો.

આ પેસેન્જર્સનું કહેવું છે કે ઇન્ડિગો તરફથી ફૂડ વાઉચર અને રહેવાની સગવડ પણ આપવામાં આવી નથી. એક પેસેન્જરે જણાવ્યું હતું કે ફ્લાઇટ બે વાર એક કલાક મોડી પડી હતી, પછી રદ કરવામાં આવી હતી. અંતે 12 કલાક પછી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. ઘણા મુસાફરો થાક અને તાવથી ખરાબ રીતે પીડાઈ રહ્યા છે, પરંતુ તેમને રહેવાની સગવડ કે ફૂડ વાઉચર પણ આપવામાં આવ્યા નથી. ઈન્ડિગોએ પણ હજુ સુધી સંપર્ક કર્યો નથી.ઈન્ડિગો દ્વારા શુક્રવારે રાત્રે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ સમસ્યાઓના કારણે મુંબઈ અને દિલ્હીથી ઈસ્તાંબુલ જતી અને આવતી ફ્લાઈટ્સ મોડી પડી છે. મુસાફરોને જાણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જ્યાં શક્ય હોય ત્યાં તેમને ખોરાક અને આશ્રય આપવામાં આવ્યો છે. ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.