મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત ટી.પી. ભાટિયા કોલેજ ઓફ સાયન્સ, કાંદિવલી (વેસ્ટ) દ્વારા ગઈ 28 અને 29 નવેમ્બરે કોલેજના મેદાનમાં ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં શહેરની અનેક શાળાઓની છોકરીઓ તેમ જ છોકરાઓની 26 ટીમોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાનું ઉદઘાટન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ અધિકારી, મુંબઈ સબર્બનનાં વર્ષા સાળવીએ કર્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં એમણે આ પ્રકારની ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ટી.પી. ભાટિયા કોલેજને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે આને લીધે વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ભાગ લેવાની તક મળે છે.
પ્રિન્સિપાલ ડો. સંગીતા શ્રીવાસ્તવે હાર-જીતનો ખ્યાલ કર્યા વિના સાચી ખેલદિલીની ભાવના સાથે રમવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં. એમણે કહ્યું હતું કે આ પ્રકારની ખેલકૂદ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને સાચો આનંદ આપે છે અને એમનામાં શારીરિક તથા માનસિક શક્તિને વિક્સાવે છે.