હકારાત્મકતા કેળવવા યોગ કરો

પોતાની જાતને, પોતાના શરીરની રચનાને, પોતાની અંદર ચાલી રહેલા યંત્રને સમજવું જરૂરી છે. તો જ ક્યાં, કોને, કાબૂમાં રાખી આગળ વધવું તે સમજવું શક્ય છે.

આ માટે પહેલાં તો ચિત્ત શું છે? મન શું છે? વૃતિ શું છે? તે સમજીએ. મનની અંદર ચાલતી અનેક પ્રકારની ક્રિયાને ચિત્ત કહેવામાં આવે છે અને તેની અંદર ઉત્પન્ન થતાં વિચારનાં મોજાંને વૃત્તિ કહે છે. હવે, પ્રશ્ન એ થાય છે કે વિચારનાં મોજાંને વૃત્તિ કહે છે તો વિચાર શું છે? વિચાર એ પણ આકર્ષણ (ખેંચનારી) અને વિકર્ષણ (પાછું ધકેલનાર ) શક્તિ જેવી એક પ્રકારની શક્તિ છે. કુદરતી શક્તિઓના અક્ષય ભંડારમાંથી ચિત્ત નામનું યંત્ર કેટલીક શક્તિઓ ગ્રહણ કરે છે, તેનું શોષણ કરે છે અને પછી વિચારરૂપે પ્રકટ કરે છે. આપણે જે અન્ન ખાઈએ છીએ તેમાંથી આ શક્તિને પોષણ મળે છે અને શરીરને નાના પ્રકારની ગતિ ઇત્યાદિ કરવાનું બળ પ્રાપ્ત થાય છે. અને એટલે જ કદાચ આપણા વડીલો કહેતા કે અન્ન તેવો ઓડકાર. જેવું અન્ન ખાશો તેવા જ વિચારો આવશે. મન એવો જ આકાર લેશે અને એવા જ વિચાર ઉદ્ભવશે.

અને એટલે જ તામસી ખોરાક ન ખાવો જોઈએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે. એનો અર્થ પણ એ જ થયો કે વધારે પડતો તીખો, કાંદા-લસણવાળો ખોરાક તામસી ખોરાક કહેવાય. એની અસર વિચારો પર પડતાં સ્વભાવ પણ એવો જ તીખો થઈ જાય છે. તામસી ખોરાક અને ચિત્ત અને વૃત્તિને ખોટી દિશામાં દોરે છે. ઉદાહરણ તરીકે, ચંદ્ર છે અને ચંદ્રની ચાંદની છે. એ ચાંદનીને મુઠ્ઠીમાં ભરી શકાય છે? ચાંદનીનું આકર્ષણ થાય, લોભામણી વસ્તુ છે, પરંતુ એમાં ચાંદ નથી. સંસાર એટલે “જીવાત્મા અને પરમાત્માનો સંબંધ“ એટલે આપણે ચાંદને શોધવાનો છે, ચાંદનીને નહીં. જો જીવનમાં કશું મેળવવું હોય તો ચાંદ એટલે કે પરમાત્માને શોધવાના છે. યોગશાસ્ત્રમાં આ શ્લોક એ જ કહે છે કે યોગ કરવાથી ચિત્ત અને મન ઉપર કાબૂ મેળવી શકાય છે.

સંસાર તો વ્યર્થ છે. આ ક્ષણભંગુર પ્રયોજન જેને સમજાઈ ગયું એને પરમાત્મા પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે, કોઈ ઊંચા પર્વત પર ચઢીને એની ટોચ પરથી બૂમ પાડીએ તો એના પડઘા બધે સંભળાય. તો શું એ પડઘાને, ગૂંજને શોધીશું? કે જે મૂળ છે એને શોધીશું?

સંસાર એ ગુંજારવ છે, સંસાર એ પડઘા છે. આપણે પરમાત્માને શોધવાના છે. એક પછી એક મનના આવરણોને દૂર કરીએ. આવરણો એટલે લોભ, મોહ, રાગ, દ્વેષ, અહંકાર, ક્રોધ વગેરે દૂર કરવાના છે. યોગની સાધના મહિનાઓના મહિના સુધી કરવાથી આ આવરણો દૂર થઈ શકે છે. આજે ચંદ્રને ઉદાહરણ તરીકે લીધો છે. બીજું ઉદાહરણ તળાવ છે. એ તળાવમાં ચાંદનું પ્રતિબિંબ દેખાય છે. સુંદર નજારો છે. મોહક દ્રશ્ય છે. તો શું એ પ્રતિબિંબને પકડવા તળાવમાં ડૂબકી મરાય? તળાવમાં ચાંદ ના મળે. જે મૂળ સ્ત્રોત છે એ ચંદ્ર પર નજર રાખીએ, એનું ધ્યાન કરીએ તો એ પ્રાપ્ત થાય. યોગમાં એવા ઘણા પ્રાણાયામ છે કે જે “ચિત્તવૃત્તિના નિરોધ“ પર કામ કરી શકે.

પહેલા સિદ્ધાસનમાં બેસો. નાડીશોધન પ્રાણાયામ કરી શકાય. એ શરીર અને મનનું શુદ્ધિકરણ કરે છે. સાંસારિક વસ્તુઓ, ઇન્દ્રિયોની ઇચ્છાઓથી મુક્ત થવાનું છે. કશુંક છોડીશું તો કશું પામીશું. છોડવાની તૈયારી છે આપણી? આપણને તો બધું જ જોઈએ છે ને બધું જ કરવું છે. અને એમાં પણ અત્યારના સમયની પેઢીમાં ત્યાગ, સમર્પણ કે જતું કરવાની ધીરજની સમજણ કેળવવાની ખાસ જરૂર છે. બધા જ સ્વાર્થી થવા માંડ્યા છે. અને એટલે જ પ્રકૃતિ હવે આપણાથી નારાજ થઈ ગઇ છે. પ્રકૃતિ આપણને આપ્યા જ કરે છે તો મનુષ્ય તરીકે આપણે વધારે બુદ્ધિ શક્તિ ધરાવતા હોવા છતાં સ્વાર્થી કેવી રીતે બની શકીએ? Inhale કરતાં exhalation વધારે કરીએ. એટલે કે શ્વાસ લઈએ એના કરતા ઉચ્છ્વાસ વધારે પેદા કરીએ તો મગજમાંથી નકારાત્મકતા દૂર થાય છે. ઊંડા શ્વાસ વધારે સારી રીતે લઈ શકાય છે, જે આપણી અંદર હકારાત્મકતા વધારે છે. મન શાંત કરે છે. વિચારોના વંટોળને દૂર કરે છે. વિચારોને મેનેજ કરી શકાય છે. જીવનની priority નક્કી કરી શકાય છે અને એ પ્રમાણે જીવન જીવી શકાય છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]