સત્વ, રજસ અને તમસ: તમે તમારો ગુણ બદલી શકો છો…

મારે જીવન સરસ રીતે જીવવું છે, મારે મન મજબૂત કરવું છે, મારે તકલીફોમાં ઢીલા નથી પડવું, ગભરાઈ નથી જવું, મારે મનથી મજબૂત થવું છે અને બીજાને મદદરૂપ થવું છે. આ બધું જોઈતું હોય તો નિયમિત,સાતત્યતા જાળવીને યોગ કરવા પડે. યોગ એટલે માત્ર આસાન નથી. યોગમાં શૌચ, સ્વાધ્યાય, સત્ય, ઇશ્વરપ્રણિધાન, અસ્તેય, જેવા ગુણો આવેલા છે. યોગ એ જીવન જીવવાની આચારસંહિતા છે. યોગ એ જીવન જીવવાની guideline book છે. હવે જો આટલું બધું યોગમાંથી મળતું હોય તો કેમ યોગ ન કરવા?

મનુષ્યનું મન એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. મનુષ્ય ધારે તો પોતે જાતે જ બંધનમાંથી મુક્ત થઈ શકે. સુખના પદાર્થો તરફ આશક્તિ બંધનનું કારણ છે, તેની ઉપેક્ષા એ મોક્ષનું કારણ છે. કોઈ વ્યક્તિ, વસ્તુ માટે મન આતુરતા કે ચિંતા સેવે, દુઃખ અનુભવે તો તે બંધન છે. ઈચ્છા અને ભયનો નાશ થતાં મન શુદ્ધ બને છે. સારી અને સુંદર વસ્તુ મનુષ્યને આકર્ષે છે, ને તેને મેળવવાનો પ્રયત્ન કરે છે. યોગી પોતાની પરિસ્થિતિમાં પ્રસન્ન રહે છે. જ્યારે અને ક્યાં અટકી જવું તેની તેને બરાબર ખબર હોય છે અને તેથી તે શાંતિથી જીવે છે.

યોગ સાધક જાણે છે કે ઇન્દ્રિય સુખનો માર્ગ વિશાળ અને સરળ દેખાય છે પરંતુ તે માર્ગ વિનાશ તરફ લઈ જાય છે. આ માર્ગે જનારા ઘણા હોય છે. કારણ કે આ માર્ગ લોભામણો છે, સરળ છે, આકર્ષક છે. ટૂંકા ગાળા માટે લાભ દેખાય છે પરંતુ લાંબા ગાળે નુકસાન જ છે. પરંતુ આ ઇન્દ્રિયો પર કાબૂ આવે કેવી રીતે? તો એ માત્ર ને માત્ર યોગાસનથી જ આવે. સતત રોજ યોગ કરવા પડે. એક દિવસમાં વધારે આસનો કરવા કરતા એક આસનમાં વધારે વાર રોકાવાથી મનને કેળવી શકાય છે. રોજ ૨૦ મિનિટ, ૩૦ મિનિટ કે એક કલાક જેટલો સમય આપવો એ તમે નક્કી કરો, પરંતુ નિયમને પાળવો જરૂરી છે.

હિન્દુ તત્વજ્ઞાન પ્રમાણે ચેતના ત્રણ જુદા-જુદા ગુણો સહિત પ્રગટ થાય છે. તેના ગુણો પરથી તે ઓળખાય છે. આ ગુણો એટલે સત્વ, રજસ અને તમસ છે. સત્વ ગુણવાળી વ્યક્તિ તેજસ્વી છતાં નમ, પવિત્ર અને ઉત્તમ ગુણ ધરાવે છે. જેનું મન નિર્મળ અને શાંત રહે છે. સત્વની ગતિ દિવ્યતા તરફ છે. સત્વ ગુણવાળી વ્યક્તિ પવિત્ર અને નિર્ભય હોય છે. ઉદાર અને સંયમી હોય છે. એ અહિંસક અને ક્રોધ રહિત હોય છે. ફળની આશા વગર કામ કરે છે. તેને કોઈનીય ઈર્ષા ક્યારેય થતી નથી. તે સ્થિરબુદ્ધિનો, ક્ષમાશીલ, દ્રઢ નિશ્ચયી, નિરાભિમાની, વિશ્વાસપાત્ર છે.

રજસ ગુણવાળી વ્યક્તિ પ્રવૃત્તિમય, સક્રિય, ઉત્સાહી, ઉત્તેજિત, ચિંતાતુર અને આગ્રહી સ્વભાવવાળી રહે છે. તેથી તે તરત જ ખુશ પણ થઈ જાય છે ને તરત જ રડી પણ પડે છે. તમસ ગુણવાળી વ્યક્તિ નીસ્તેજ અને સંકુચિતતાની પાપવૃતી જે રજસ પ્રવૃત્તિ થતાં અને સત્વને પ્રગટ થતાં રોકે છે. બીજાનું સારું ન જોઈ શકે. ઈર્ષા, દ્વેષથી ભરપુર હોય છે, ક્રોધી હોય. તમોગુણ પ્રધાન વ્યક્તિમાં શુધ્ધિ, સચ્ચાઈ, પ્રામાણિકતા કે વિવેક નથી હોતા. એ એમની વાસનાને તૃપ્ત કરીને જ જંપે છે. ઇન્દ્રિય સુખમાં રચ્યાપચ્યા રહેનારા અંતે તો ન જ પામે છે. તમસની ગતિ પશુતા તરફ લઈ જાય છે. રજસની ગતિ બંનેની મધ્યમાં છે.

રજોગુણ પ્રધાન મનુષ્યની આંતરિક ઝંખના હોય છે. તે માયાળુ, વિનયી પણ હોય પરંતુ લોભી, સઘરો કરવાની પ્રવૃત્તિ વાળો અને બીજાનું અહીત કરનારો હોય છે. તેને કદી સંતોષ થતો નથી. તે મહત્ત્વાકાંક્ષી અને સ્વાર્થી છે. તે કહુભાષી, મિજાજુ અને ખૂબ ખાનારો છે. પરંતુ તમે તમારા ગુણ બદલી શકો છો. તમારે નક્કી કરવાનું છે કે મારે આવા નથી રહેવું, અને નિયમિત આ આસન, પ્રાણાયામના ધ્યાન કરવાથી ધાર્યું પરિણામ લાવી શકાય છે.

આજકાલ હું SGVP Holistic Hospital માં PPE કીટ પહેરીને કોવીડના દર્દીઓને રિલેક્સેશન, મેડીટેશન, પ્રાણાયામ કરાવવા જાવ છું. ઘણા દર્દીઓને એક તો એકલતાનો અહેસાસ, બીજું મને થયો? એનો ગુસ્સો/ અકળામણ, ભવિષ્યની ચિંતા, આ બધામાં એમની પાસે બેસી, એમનો મૂડ સારો થાય એના માટે વાર્તા કહું, કોયડાઓ કહું, મગજને એક્ટિવ રાખવું જરૂરી હોય છે. કોરોનાના જીવાણુ કરતા બીજા પરિબળો માણસના મનને નબળુ કરે છે, ત્યારે ડોક્ટરની સારવાર કે વૈદની સારવાર સાથે પ્રાણાયામ, ધ્યાન કરવાથી ઘણા સારા પરિણામ મળ્યા છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]