અમદાવાદ: આસ્ટોડિયા રોડ પર આવેલી ઢાળની પોળમાં એક અનોખું સ્મારક બનાવાયું છે.1974 ના નવનિર્માણ(રોટી રમખાણ) આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારનો ભોગ બનેલી એક ચકલીને શ્રદ્ધાંજલિ રૂપે લોકોએ લાગણીશીલ થઈ તેનું કાયમી સ્મારક બનાવી દીધું. આજે લુપ્તતાને આરે આવી ગયેલી ચકલીને બચાવી લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ચકલી માત્ર સ્મારકમાં દેખાતા ચિત્ર પૂરતી રહી જશે.
20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસે. આજના દિવસે પોળના રહીશોએ આ સ્મારક પર ફૂલ ચઢાવી શ્રધ્ધાંજલિ પણ આપી. અમદાવાદ આજે એક કોંક્રિટનું જંગલ બની ગયું છે. ત્યારે આ સ્મારક આપણને એ વાતની યાદ અપાવે છે કે એક સમયે આ શહેર પર્યાવરણ અને અબોલ જીવ પ્રત્યે કેટલું સંવેદનશીલ હતું. આ સંવેદનાને ફરી જગાડવા અને ચકલી તેમજ બીજા પક્ષીઓને લુપ્તપ્રાયઃ થતા બચાવવા માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. ખાસ કરીને આજના દિવસે પક્ષીઓ માટે પાણીના કુંડાનું મફત વિતરણ, ચકલીઓ માટેના ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતું હોય છે.
પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)