જામનગરના આકાશમાં સર્જાશે ‘સૂર્યકિરણ’ના અદ્ભુત દ્રશ્યો

જામનગર: પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે શહેરમાં તા.૨૫ અને તા.૨૬ જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. ૯ વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે. આ ટીમના પાયલોટ અને કમેન્ટેટર દ્વારા જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો, ટીમ સૂર્યકીરણની કામગીરી, એર શો વિષે માહિતી આપી હતી. તા.૨૫ તથા તા.૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૨:૧૫ વાગ્યાથી એર શો શરુ થશે. જામનગર ખંભાળિયા હાઈવે સ્વામીનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૯૯૬માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બીરૂદ ધરાવે છે. આવતીકાલે આ ચુનંદા ટીમ, સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડશે. જેમાં આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. આ નવ વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે.

(પાર્થ સુખપરિયા – જામનગર)