શું ચાંદી પર હોલમાર્કિંગ ફરજિયાત કરશે સરકાર?

નવી દિલ્હીઃ દેશમાં ટૂંક સમયમાં ચાંદી પર હોલમાર્કિંગ ફરજિયાત થવાની શક્યતા છે. દેશમાં ચાંદીની ગુણવત્તા પર સમયાંતરે લોકો સવાલ ઉઠાવે છે. મોટા ભાગના ગ્રાહક ચાંદીના ઝાંઝર (પાયલ), ચાંદીના કડા, સહિત અને ઘરેણાં કે લગ્ન વખતે ભેટ આપવા માટે બનાવે છે, પણ ગ્રાહક અનેક વાર ચાંદીની શુદ્ધતા વિશે ફરિયાદો કરે છે.

ચાંદીની શુદ્ધતા માટે હાલ કોઈ માપદંડ નથી. કેન્દ્રીય ગ્રાહકો બાબતો અને ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ ભારતીય સ્ટાન્ડર્ડ (BIS)થી ચાંદી અને એનાં ઘરેણાં પર હોલમાર્કિંગને ફરજિયાત બનાવવાની સંભાવના પર વિચાર કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ગ્રાહકો તરફથી ચાંદી પર હોલમાર્કિંગની માગ વધી રહી છે. જોશીએ આ વાત BISના 78મા સ્થાપના દિવસના સમારંભમાં કહી હતી. ચાંદી પર હોલમાર્કિંગ માટે ગ્રાહકોની માગ છે. BIS આના પર વિચાર કરીને નિર્ણય લે.ચાંદી અને એનાં ઘરેણા પર હોલમાર્કિંગને લાગુ કરવાથી દેશમાં કીમતી ધાતુની ગુણવત્તા પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે. હાલ સરકાર માત્ર સોનાનાં ઘરેણાં અને કલાકૃત્રિઓ પ હોલમાર્કિંગ ફરજિયાત કરે છે. એનો ઉદ્દેશ ગ્રાહકોનાં હિતોની સુરક્ષા કરવાનો અને મેટલની શુદ્ધતાની ગેરન્ટી આપવાનો છે.જોકે સોનાની જેમ ચાંદી પર એમ્બોસ કરેલો HUID નંબર લાંબો સમય સુધી ટકી શકે એમ નથી, વાતાવરણના સંપર્કમાં આવવાથી સમય જતાં એના પર કાટ લાગી શકે છે. આ જ કારણસર સરકાર પણ એનો રસ્તો કઈ રીતે કાઢવો એના પર કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ચાંદી પર એમ્બોસ કરેલા HUIDને વાતાવરણની અસર ન થાય એની રીત અત્યારે શોધવામાં આવી રહી હોવાનું કહેવાય છે.

HUID એ છ આંકડાનો આલ્ફાન્યુમરિક કોડ છે, જે દરેક જ્વેલરી પર હોલમાર્કિંગ વખતે લખવામાં આવે છે. ભારતમાં એપ્રિલ, ૨૦૨૩થી સોનાના વેચાણ પર હૉલમાર્ક‌િંગ ફરજિયાત થઈ ગયું છે.