વિશ્વભરના અખબારો અત્યારે ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથના નિધનના સમાચારોમાં ગળાડૂબ છે ત્યારે અમેરિકન અખબારોમાં આજકાલ એક અન્ય એલિઝાબેથ પણ ચર્ચામાં છે- એલિઝાબેથ હોલ્મ્સ. સિલિકોન વેલીની ફક્ત 38 વર્ષની આ ફૂટડી અને પૈસાદાર મહિલા પર આજકાલ અમેરિકન આર્થિક જગતના નિષ્ણાતો, ઇન્વેસ્ટર્સ ફર્મ્સ અને આર્થિક અખબારોની નજર લાગેલી છે, કેમ કે એલિઝાબેથે અમેરિકન કોર્પોરેટ-આર્થિક ઇતિહાસમાં બેનમૂન કહી શકાય એવું કૌભાંડ આચર્યું છે અને સંભવતઃ આગામી 26 સપ્ટેમ્બરના રોજ અદાલત એને સજા સંભળાવવા જઇ રહી છે.
કહે છે કે ચડતી અને પડતી એ તો કુદરતી ક્રમ છે, પણ એલિઝાબેથના કિસ્સામાં કુદરતના આ ક્રમે આખેઆખી સિલિકોન વેલી અને અહીંના બહુ ચગાવાયેલા સ્ટર્ટઅપ્સ કલ્ચરને બરાબર હડફેટે લીધા છે. એક સમયે જગવિખ્યાત ટાઇમ મેગેઝીને જેને અલૌકિક અને લોખંડી ઇચ્છાશક્તિ ધરાવતી યુવાન આંત્રપ્રિન્યોર ગણાવી હતી અને ફોર્બ્સ સહિતના અખબારો-ટેલિવિઝન ચેનલો જેનાં વખાણ કરતા થાકતા નહોતાં એ એલિઝાબેથ હોલ્મ્સની સ્ટોરી ફક્ત એક આર્થિક કૌભાંડની સ્ટોરી નથી. બલ્કે, ફક્ત એક આઇડિયાના જોરે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાના વધતા જતા પ્રમાણ, બહારથી ફૂલગુલાબી દેખાતા સ્ટાર્ટઅપ્સ સામેના વાસ્તવિક પડકારો અને વાતેવાતે સ્ટાર્ટઅપના આઇડિયા પાછળ મોહી જતા મોટીવેશનલ સ્પીકરો સામે આ સ્ટોરી લાલબત્તી ધરતાં કહે છે કે, સિલિકોન વેલીમાં ચળકે છે એ બધું સોનું જ હોય એ જરૂરી નથી!
કોણ છે આ એલિઝાબેથ હોલ્મ્સ? શું છે એના રાઇઝ એન્ડ ફોલની કહાની?
3 ફેબ્રુઆરી, 1984ના રોજ અમેરિકના હ્યુસ્ટનમાં જન્મેલી-ઉછરેલી એલિઝાબેથ માત્ર 19 વર્ષની વયે, 2003માં બાયોટેક આંત્રપ્રિન્યોર બનીને થેરાનોસ નામની એક હેલ્થ ટેકનોલોજી કંપની સ્થાપે છે. એનો દાવો છે કે, થેરાનોસે બનાવેલા મેડિકલ ડિવાઇસથી માનવશરીરના લોહીના ફક્ત એક ટીપાથી અનેક પ્રકારના ટેસ્ટ કરી શકાય છે. શરીરમાં સોય ભોંકીને લોહી લેવું પડે એની સામે આ ટેસ્ટીંગ કીટ ફક્ત લોહીના એક ટીપાંથી આ કામ કરી આપે છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગનું ભણેલી અને જિનોમ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિંગાપોર માટે કામ કરી ચૂકેલી આ યુવતીનો આત્મવિશ્વાસ, એનો ઠસ્સો, એનો રૂઆબ અને હેલ્થ ટેકનોલોજીમાં ક્રાંતિ સર્જવાના એના આ દાવા પર રોકાણકારો ઓળઘોળ થવા માંડયા. અમેરિકાના ભૂતપૂર્વ વિદેશમંત્રી હેનરી કિસિન્જર સહિત અનેક નામી લોકો એની કંપનીના બોર્ડમાં જોડાવા લાગ્યા. યુવાન ઉદ્યોગ સાહસિકો માટે એલિઝાબેથ એક ઉદાહરણરૂપ ગણાવા લાગી.
જોતજોતામાં એલિઝાબેથની ઝોળી ભરાવા લાગી. 2014-15 સુધીમાં તો એ 9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સની સૌથી નાની ઉંમરની ધનિક મહિલાની યાદીમાં સ્થાન પામી ચૂકી હતી. ટાઇમ મેગેઝીને એને ‘એકસો પાવરફૂલ વ્યક્તિઓ’ ની યાદીમાં સ્થાન આપ્યું. જૂલાઇ 2011માં એ અમેરિકાના અન્ય ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ જ્યોર્જ શલ્ટ્ઝને મળી. ફક્ત બે જ કલાકની એ મિટીંગ પછી શલ્ટ્ઝ એની કંપનીની બોર્ડમાં જોડાવા તૈયાર થઇ ગયેલા!
2014માં ટાઇમ મેગેઝીને જેને પાવરફૂલ મહિલા ગણાવી હતી એ એલિઝાબેથ હોલ્મ્સને 2015માં આ કૌભાંડ બહાર આવ્યા પછી ફોર્ચ્યુન મેગેઝીને વિશ્વની 19 સૌથી નિરાશાજનક વ્યક્તિઓમાં સ્થાન આપ્યું હતું! એની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના મતે એલિઝાબેથ સ્ટીવ જોબ્સથી ખૂબ પ્રભાવિત હતી અને પહેરવેશથી માંડીને અન્ય બાબતોમાં એ સ્ટીવની નકલ કરતી હતી. સ્ટીવની માફક જ એ બ્લેક કલરનું બંધ ગળાનું ટી-શર્ટ પહેરતી. પાકિસ્તાનમાં જન્મેલા અને વાયા ભારત થઇને અમેરિકામાં સ્થાયી થયેલા રમેશ સની બલવાની સાથે એના રોમાન્સની વાતો પણ ખૂબ ચગેલી. રમેશ એની કંપનીમાં જોડાયો એ પહેલાંથી એને મદદ કરતો. પાછળથી રમેશ પર પોતાને અબ્યુઝ કરી શોષણ કરતો હોવાના આરોપો મૂકેલા. રમેશને પણ આ કેસમાં ભાગીદાર-સીઇઓ તરીકે દોષિત જાહેર કરાયો છે.
એ સ્ટેનફર્ડમાં ભણતી ત્યારે પોતાના પર બળાત્કાર થયો હોવાનો ખુલાસો પણ એલિઝાબેથે ટ્રાયલ દરમ્યાન કરેલો. તપાસમાં એ ફરિયાદ સાચી હોવાનું પણ બહાર આવેલું એટલે આ કેસમાં એલિઝાબેથની સફળતાથી અંજાઇને એને સંજોગોનો શિકાર બનાવવામાં આવી હોવાની વાતો અને દલીલો પણ થવા લાગી. પોતાને હજુ પણ નિર્દોષ માનતી એલિઝાબેથે 2019માં જ 29 વર્ષના હોટેલિયર બિઝનેસમેન વિલિયમ ઇવાન્સ સાથે લગ્ન કરી લીધા હોવાનું બહાર આવ્યું છે.
એલિઝાબેથ અને થોરાનોસના આ કેસ પર પત્રકાર જ્હોન કેરીએ પુસ્તક પણ લખ્યું છે. આ કેસને લઇને વિશ્વભરમાં એટલી ચકચાર મચી છે કે એના પરથી અત્યાર સુધીમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર ધ ડ્રોપ આઉટ, બ્લડ મની, વેલી ઓફ હાઇપ, ધ ઇન્વેન્ટરઃ આઉટ ફોર બ્લડ ઇન સિલિકોન વેલી જેવી આઠેક ડોક્યુમેન્ટરી ફિલ્મ-સિરિઝ પણ બની ચૂકી છે.
વેલ, એલિઝાબેથ હોલ્મ્સનું ભવિષ્ય તો અમેરિકન અદાલત નક્કી કરશે, પણ એના આ કિસ્સાએ સિલિકોન વેલીના કલ્ચરની એક ડાર્ક સાઇડને ઉઘાડી પાડી દીધી છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સે તો ત્યાં સુધી લખ્યું છે કે, આ કેસ જ સિલિકોન વેલીના ખોટી આશા અને લોભની સંસ્કૃતિ સામે જે પડકારો છે એનું પ્રતીક છે! અમેરિકાના વિદેશમંત્રીનું પદ શોભાવનાર હેનરી કિસિન્જરે એપ્રિલ, 2015માં ટાઇમ મેગેઝીનમાં એલિઝાબેથ માટે લખેલુઃ ‘એની સ્ટોરી એવી સ્ટોરી છે, જે ફક્ત અમેરિકામાં જ શક્ય છે.’
ના, કિસિન્જરની આ વાત સાથે સહમત થઇ શકાય એમ નથી. સ્ટાર્ટઅપ્સના લોભી-આંધળા કલ્ચર સામે ચેતવણી આપતી આ સ્ટોરી કોઇપણ દેશમાં શક્ય છે.
(તસવીરોઃ વિકીમિડીયાના સૌજન્યથી)
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે. વિચારો એમના અંગત છે.)