પરફેક્ટ મધરની વ્યાખ્યા કોણ નક્કી કરશે?

તારા દીકરાને થોડો સમજાવ, હજુ તો 12 વર્ષનો છે અને અત્યારથી કહ્યામાં નથી રહ્યો, યાદ રાખજે મોટો થઈને તારુ નાક કાપશે. પુત્રવધુને મેણાં મારતા કાવેરીબહેન રોજની જેમ બોલવા લાગ્યા. હેતવી શાંત હતી, એને ખબર હતી કે એના દીકરાનો સહેજ પણ વાંક ન હતો, એને તો ખાલી દાદીમાને એટલું જ કહ્યું હતું કે મને ખબર ન હતી કે તમે પાછળ ઉભા છો માટે તમને ધક્કો વાગી ગયો, એટલું બોલીને એને સોરી પણ કહ્યું હતું. જો કે કાવેરીબહેન રોજ પુત્રવધુને આરવના બહાને કંઈકને કંઈક સંભળાવ્યા કરતા. હેતવી ભણેલી-ગણેલી મહિલા હતા, સારા હોદ્દા પર નોકરી કરે છે, સાથે જ ઘર, પરિવાર, સમાજના વ્યવહાર બધુ જ મેનેજ કરે છે. એનો દીકરો આરવ પણ ખુબ ડાહ્યો છે, પણ કાવેરીબહેનથી એ વાત સહન થતી જ નથી. આરવથી નાની અમથી ભૂલ થાય તો પણ એ હેતવી પર રોષ ઉતારતા તરત જ બોલે છે કે સંસ્કાર આપ્યા હોય તો દીકરામાં આવે ને, આખો દિવસ ઘરની બહાર રહે છે, દીકરા પર શુ ધ્યાન આપવાની?

હેતવીએ ઘણીવાર પતિ સાંકેત સાથે વાત પણ કરી છે, પણ એ મમ્મીને નિગલેટ કરવાનું કહીને વાત ટાળી દે છે. જો કે એ પણ જ્યારે આરવથી કોઈ ભૂલ થાય કે અભ્યાસમાં ઓછા માર્ક્સ આવે તો તરત પત્ની પર જ રાડ નાખે. તુ કઇં ધ્યાન જ નથી આપતી, આમ તો આરવ જીવનમાં કશુ નહીં કરી શકે, તારી માટે તો તારી નોકરી જ બધુ છે, ઘર, બાળકોની જવાબદારીથી તુ હાથ ઉંચા કરે છે. આરવના અભ્યાસમાં થોડું ધ્યાન આપ્યું હોત તો આજે એનો ક્લાસમાં બીજો નહીં પ્રથમ નંબરે આવ્યો હોત. હેતવી ગમે એટલું કરે પણ સાંકેત અને કાવેરીબહેનને ઓછું જ લાગે છે. હંમેશા એને કહેવામાં આવે છે કે તુ મા છું. અને માતાથી ક્યારેય કોઈ ભૂલ ન થવી જોઈએ. બાળકના સારા ઉછેરમાં માતાનો જ મહત્વનો રોલ હોય છે. પણ તુ ક્યારેય પરફેક્ટ માતા બની જ નહીં શકું.

પરફેક્ટ માતા! એટલે શું? મા તો મા હોય એ પણ એક વ્યક્તિ જ હોય છે. સવાલ એ થાય કે આખરે આ પરફેકટની વ્યાખ્યા કોણ નક્કી કરે છે?

 માતા પ્રેમનો આધાર છે

2023માં ઓટીટી પ્લેટફોર્મ પર શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘સુખી’ રિલીઝ થઈ હતી, જેમાં એક મહિલા બાળકના યોગ્ય ઉછેર અને પરિવારની જવાબદારી વચ્ચે પોતાની જાતને બદલી નાંખે છે. એને દુઃખ ત્યારે થાય છે જ્યારે પતિને લાગે છે કે એ દીકરી કરતા પોતાની જાતને વધારે પ્રેમ કરે છે. પોતાની જાતને પરફેક્ટ મધર બનાવવાની હોડમાં એ બધું જ ભૂલી જાય છે. છતાં પતિ કે દીકરીને ક્યારેય એના કામથી સંતોષ નથી થતો. આવી તો અનેક ફિલ્મો આવી છે જેમાં સંતાનોના ખરાબ વર્તન કે વ્યવહાર માટે માતા પર આંગળી ચીંધવામા આવે છે. પછી ભલે એમાં એનો જરાય વાંક ન હોય. પણ જો સંતાન સારુ કરે તો એનો યશ હંમેશા પિતા, દાદા કે પરદાદાને આપવામાં આવે.

ઘણીવાર તો સાંભળવા પણ મળે કે આ તો અમારુ લોહી છે, અમારા જેવું જ હોયને? પણ આ જ લોહી જ્યારે કંઈક ખોટુ કરે તો એના દોષનો ટોપલો માતાના શિરે નાખવામાં આવે. માતાએ સંસ્કાર જ ક્યાં આપ્યા છે. પરિવાર સહિત આખાય સમાજની આંગળી એ માતા પર ચીંધવામાં આવે છે જેનો એમાં કઇં વાંક જ નથી હતો.

વડોદરાના સામાજિક કાર્યકર શીતલ ચંદ્રકાંત લેઉઆ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં માતૃત્વ વિશે એમના અનુભવો શેર કરતા કહે છે કે, “હું પોતે પણ માતા છું અને મારા આસપાસ અનેક મહિલાઓને જોઉં છું, જેમના પર ‘પરફેક્ટ માતા’ બનવાનું ભારણ રહે છે. પરંતુ આ અભિગમ હકીકતથી ઘણો દૂર છે. માતૃત્વ એ પ્રકૃતિની અદભુત ભેટ છે. માતા પણ એક સામાન્ય માનવી છે. પણ એ પોતાના સંતાનોના ઉછેરમાં ક્યારેય કોઈ ઉણપ નથી આવવા દેતી. એના માટે  સંતાનોનો સારો ઉછેર જ મુખ્ય મકસદ હોય છે. અલબત્ત બાળકના જીવનમાં માતા-પિતા અને આખા પરિવારની સંયુક્ત ભૂમિકા મહત્વની હોય છે. માતા પ્રેમનો આધાર છે, પિતા માર્ગદર્શક છે, અને પરિવાર એ જગ્યા છે જ્યાં બાળકને સંસ્કાર અને સહકાર મળે છે.”

 બાળકોના ઉછેરમાં માતા- પિતાનું સમાન યોગદાન

મહિલાઓ માટે માતૃત્વ એ જીવનનો અવિભાજ્ય ભાગ છે. માતા બનવું એક સ્ત્રી માટે ગૌરવનો વિષય છે, પરંતુ સાથે સાથે એ આપણા સમાજમાં કેટલાક અનાવશ્યક દબાણ અને અપેક્ષાઓ લઈને પણ આવે છે. ‘પરફેક્ટ મધર’ બનવાની આ માંગ ન માત્ર મહિલાઓના જીવનને બળથી ભરેલું બનાવે છે પરંતુ એમને માનસિક રીતે પણ થકવી નાખે છે. આ વ્યથા ન માત્ર એક વ્યક્તિગત અનુભવ છે પરંતુ સમગ્ર સમાજમાં મહિલાઓ માટેની વાસ્તવિકતાઓ રજૂ કરે છે. આ વિશે

અમદાવાદના સરોજબહેન પ્રકાશભાઈ ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે કે, “માતૃત્વ એ જીવનનો એવો સંજોગ છે જ્યાં મહિલાઓ પોતાના જીવનના દરેક સ્વપ્નને સંતાન માટે ત્યાગે છે, અને એ માટે તે ક્યારેય પસ્તાવો નથી કરતી. માતા તરીકેનું જીવન સંપૂર્ણ નથી, પરંતુ એ એના દરેક પ્રયાસમાં અનોખું હોય છે. માતા માત્ર પ્રેમ અને કાળજી નથી, પણ એ શીખવે છે કે, જીવનમાં દરેક પરિસ્થિતિ સાથે કેવી રીતે હસીને લડવું. બાળકોના ઉછેરમાં માતા અને પિતાનું સમાન યોગદાન હોય છે. એક માતાને ક્યારેય પરફેક્ટ હોવાની જરૂર નથી બસ એ પ્રેમાળ છે એ જ પુરતુ છે.”

માતા પરફેક્ટ હોવી એવી અપેક્ષા રાખવી અન્યાય છે

માતા પણ એક સામાન્ય વ્યક્તિ છે, એમાં ભૂલ કરવાની સાથે સાથે શીખવાની ક્ષમતા હોય છે. માતા તરીકેનું જીવન ક્યારેય ‘પરફેક્ટ’ હોવું જોઈએ એવી અપેક્ષા રાખવી અન્યાય છે. એ સંતાનના સુખદ ભવિષ્ય માટે પોતાનું સર્વસ્વ ત્યાગે છે, પરંતુ એના પ્રયાસોને નિષ્ફળતા અથવા અસંપૂર્ણતા તરીકે જોવું એ અધૂરો દ્રષ્ટિકોણ છે. જ્યારે કોઈ મહિલાને બાળક જન્મે છે, ત્યારે તે ન માત્ર માતા બને છે, પરંતુ ‘પરફેક્ટ મધર’ હોવાની અપેક્ષા સાથેના એક નવા પ્રસ્તાવમાં પ્રવેશ કરે છે. બાળકે કોઈ ભૂલ કરી છે, તો તે માતાના સંસ્કારોના અભાવના કારણે, આ વિચાર ધીમે ધીમે મહિલાને નિષ્ફળતામાં ધકેલે છે. ઘણીવાર મહિલાઓને પોતાના સ્વપ્નો અને ઈચ્છાનો ત્યાગ કરવો પડે છે. કારણ કે ‘સારું માતૃત્વ’ એકલા માતૃત્વ માટે પોતાને સમર્પિત કરવા સાથે જ જોડાય છે.

સુરતના પ્રિયા દવે ચિત્રલેખા.કોમને કહે છે કે, “માતૃત્વનો અર્થ છે એક એવું જીવન, જ્યાં પ્રેમ, સમર્પણ અને સહનશક્તિ મુખ્ય તત્વો છે. માતા બાળકોના ઉછેર માટે પોતાની તમામ મર્યાદાઓ ઓળંગે છે, તેમ છતાં સંજોગો અથવા અન્ય પરિબળોને કારણે બાળકોના જીવનમાં આવતા સારા-નરસા પરિણામોની સંપૂર્ણ જવાબદારી માતા પર મૂકી શકાય નહીં.”

માતૃત્વ અને દબાણ

સમાજ હંમેશા માતા તરીકે મહિલાઓના વ્યવહાર પર દેખરેખ રાખે છે. જો બાળક શિષ્ટાચાર હોય, તો તે માતાના ઉત્તમ સંસ્કારોનું પ્રમાણ ગણાય છે. જો તે કંઈક ખોટું કરે, તો મહિલાને જ જવાબદારી લેવી પડે છે. પરંતુ માતાને પણ એક વ્યક્તિ તરીકે જોવી જોઈએ, જેની મર્યાદાઓ, ઈચ્છા અને જરૂરિયાત છે. માતાના કાર્યને ખોટી રીતે જોવાની વૃત્તિ ત્યાગવી જોઈએ. માતૃત્વમાં પતિ અને પરિવારના સહયોગથી મહિલાઓના જીવનમાં સમતુલા આવે છે. અને ખાસ કરીને તો માતાઓને પણ ભૂલ કરવાની છૂટ હોવી જોઈએ. આ સ્વીકાર મહિલાઓને વધુ આનંદિત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે.

મમત્વનું પરફેકટ મોડલ જે સમાજ અમલમાં મૂકે છે, એ ઘણીવાર કઠણ અને અજંપાથી ભરેલું હોય છે. દરેક માતા એની જાતે અનન્ય છે, અને એનો માતૃત્વનો રસ્તો પણ અલગ છે. ‘પરફેક્ટ’ બનવા કરતા, માતાઓ માટે ‘ખુશ’ અને ‘તૃપ્ત’  રહેવું વધુ મહત્વનું છે.

હેતલ રાવ