જૂઠ, હળાહળ જૂઠ અને આંકડાં એવી અંગ્રેજી કહેવત છે. તેની પાછળનો ભાવ એવો છે કે હળાહળ જૂઠ કરતાંય અનોખી રીતે આંકડાંથી ખોટું જણાવી શકાય છે. આંકડાંને તમે કેવી રીતે મૂલવો છો અને કેવી રીતે તેના આધારે ગણતરી માંડો છો તેના આધારે સ્થિતિ બદલાયેલી લાગે છે. તથ્ય એનું એ હોય છે, પણ આંકડાને તેને અવનવી રીતે દર્શાવી શકે. તેમાં ઘણી વાર દૃષ્ટિકોણનો પણ સવાલ હોય છે – પ્યાલો અડધો ભરેલો લાગે અથવા અડધો ખાલી લાગે તેના જેવી આ વાત છે.
કોરોનાનાં આંકડાંની તો ભરમાર છે. એક તો વિશ્વભરમાં ફેલાયો છે અને તેના વિશે વિજ્ઞાનીઓ અને સંશોધકો અનેક પ્રકારની થિયરીઓથી વિચારવા લાગ્યા છે. તેની નાનામાં નાની વિગતોના કોઠા બનાવીને આંકડાંના આધારે અનુમાનો પણ થાય છે. દાખલા તરીકે ભારતમાં 8 ડિસેમ્બરે કોરોનાના ચેપનું ચક્ર પૂરું થશે એવું તારણ એક અભ્યાસમાં કાઢવામાં આવ્યું છે. તે માત્ર ગાણીતિક અંદાજ છે એટલે તેને આધારે કંઈ આયોજન ના થાય. એમ તો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરા પત્રકાર પરિષદમાં એવું બોલી ગયેલા કે દર ચાર દિવસે આંકડાં ડબલ થાય છે એટલે મેના અંતમાં શહેરમાં 8 લાખ કેસ થઈ શકે. બાદમાં તેમણે ભૂલ સુધારી લીધેલી કે સાત દિવસે ડબલ થાય છે અને 10 દિવસનું લક્ષ્ય છે તેથી ચેપને કાબૂમાં રખાશે. સુરતના મ્યુનિ. કમિ. બંછાનિધિએ પણ આવી જ ગણતરી આપેલી ત્યારે સુરતીઓ પણ ચોંકેલા.
આંકડાં ડબલ થવાની ગતિ
રોજ કેટલાને ચેપ લાગે અને કેટલા દિવસે આંકડાં ડબલ થાય છે તેને જોવાની દૃષ્ટિને કારણે જુદું જુદું ચિત્ર ઊભું થઈ શકે છે. પ્રથમ 5000 કેસ થતાં 69 દિવસ થયા, પછીના 7 દિવસમાં 10,000 ને પછીના પાંચ જ દિવસમાં 15,000 થઈ ગયા. આંકડાં બમણાં થવાની ગણતરીએ પ્રથમ ગતિ ધીમી હતી, પણ પછી વધી અને ફરી ઘટી. ચારેક દિવસે બમણાં થવાની ગતિ બાદમાં સાત દિવસે અને પછી 10 દિવસે થઈ હતી. હવે આંકડાં કેટલા દિવસે બમણાં થાય છે તેના પરથી આગામી સ્થિતિનો અંદાજ આવશે.
અહીં પણ સ્થિતિ રાજ્યો પ્રમાણે અલગ હોય છે. ગુજરાતમાં પ્રારંભમાં કેસ થોડા થયા પણ છેલ્લું અઠવાડિયું સ્થિતિ વકરી છે. માત્ર અમદાવાદમાં જ એક અઠવાડિયાથી 175 કરતાં વધુ કેસો રોજ વધે છે. દિલ્હી વધારે ગીચ અને મોટું શહેર છે, છતાં તેનાથી અમદાવાદ આગળ નીકળ્યું એટલે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે આવી ગયું છે. પરંતુ તમે આંકડાંને એ રીતે પણ જોઈ શકો કે માત્ર અમદાવાદ અને સુરતમાં જ કેસ વધી રહ્યા છે, બીજે સ્થિતિ સ્થિર થઈ છે. આ બે શહેરોમાં પણ મર્યાદિત વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચેપ ફેલાયો છે, જ્યારે ઘણો વિસ્તાર બાકી રહ્યો છે. શહેરની કુલ વસતિ સામે આંકડો નાનોય લાગે અને માત્ર અમદાવાદમાં અઢી હજાર કેસ થવા આવ્યા તે ચિંતાજનક પણ લાગી શકે છે.
ટેસ્ટ ઓછા કે વધુ કે પ્રમાણસર
ઓછા કે વધુ સામે એક ત્રીજી સ્થિતિ પ્રમાણસરની પણ ગણી શકાય. ભારતમાં પ્રારંભથી જ કેટલા લોકોના ટેસ્ટ થવા જોઈએ, રોજ કેટલા થવા જોઈએ, કોના થવા જઈએ, રેન્ડમ કેટલા થવા જોઈએ, ક્લસ્ટરમાં કેટલા થવા જોઈએ, સરેરાશ કેટલા થવા જોઈએ અને કુલ કેટલા થવા જોઈએ તેનો વિવાદ ચાલતો રહ્યો છે. ટેસ્ટની બાબતમાં પણ કુલ કેટલા ટેસ્ટ થયા, દર દસ લાખની વસતિએ કેટલા થયા અને કઈ જગ્યાએ થયા તેના આધારે દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. દર દસ લાખનું ધોરણ વિશ્વમાં ગણાય છે એટલે સરખામણી તે આંકડાં પ્રમાણે થાય. ભારત દર દસ લાખની વસતિએ સાડા ત્રણસો ટેસ્ટ જ કરે છે, જ્યારે ઇટાલી અને અમેરિકામાં 2000થી 3000 સુધીના આંકડાં આવતાં રહ્યા છે. (રોજ આંકડો થોડો બદલાતો હોય છે.) પરંતુ ઇટાલીની વસતિ ગુજરાત રાજ્ય જેટલી છે, જ્યારે આખા ભારતની વસતિ 140 કરોડની નજીક પહોંચવા આવી છે. તેથી દસ લાખનું ધોરણ જાળવીએ તો ભારતે મોટી સંખ્યામાં ટેસ્ટ કરવા પડે.
તેની સામે કેરળમાં ઘણા પ્રમાણમાં ટેસ્ટિંગ થયું. દિલ્હીએ અને મહારાષ્ટ્રે પણ ટેસ્ટિંગ વધાર્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં વધારે ટેસ્ટિંગ કરાયું, અને વધારે ટેસ્ટિંગ ચાલતું રહેશે તેવો દાવો કરાયો. પણ કેસ વધવા લાગ્યા ત્યારે રોજના 3,000થી વધુના બદલે અડધા પ્રમાણમાં ટેસ્ટિંગ થયું તેવા આંકડાં પણ આવ્યા. એટલે ગુજરાતમાં, અમદાવાદ અને સુરતમાં, કેટલાક રાજ્યોમાં અને સમગ્ર દેશમાં કુલ અને સરેરાશ ટેસ્ટિંગ કેટલા – કેટલા ઓછા, કેટલા વધારે અને કેટલા પ્રમાણસરના તેના વિવાદો કરી શકાય છે.
મોતનાં આંકડાં
બહુ પ્રારંભથી ગુજરાતમાં મોતનાં આંકડાં ટકાવારીમાં બહુ ઊંચા રહ્યા છે. પરંતુ કુલ આંકડાં જુઓ તો નાના પણ લાગે. પ્રારંભના અઠવાડિયે મહારાષ્ટ્રમાં 16ના મોત થયા હતા અને ગુજરાતમાં 13. બંને આંકડાં નાના લાગશે, પણ ટકાવારીમાં જુઓ તો ગુજરાતમાં મરણાંક ઊંચો આવે, કેમ કે ગુજરાતમાં 100 જેટલા કેસ થયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં 500થી વધુ કેસ થઈ ગયા હતા.
કેરળમાં મરણનો આંકડો બહુ જ ઓછો રહ્યો છે, જ્યારે ગુજરાતમાં મરણનો આંકડો અને ટકાવારીમાં મૃત્યુનો દર હજીય ઊંચો છે. ગુજરાતમાં આ વિશે વારંવાર પ્રશ્ન પણ પૂછાયો હતો, ત્યારે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ વિશ્લેષણ આપેલું કે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને અન્ય કોઈ ને કોઈ બીમારી ધરાવનારા દર્દીઓનાં જ મોત વધુ થયા છે. કેટલાક યુવા અને પ્રૌઢ વયના દર્દીઓનાં પણ મોત થયા છે, પણ તેમાંય જુદા જુદા પરિબળો કારણભૂત ગણાવાયા હતા. નાની ઉંમરે પણ વ્યક્તિને કોમ્પ્લિકેશન્સ હોઈ શકે છે અને બીજું કે કેટલાક લોકોએ લક્ષણો દેખાયા પછીય તેને દબાવી રાખ્યા અને સારવાર લેવામાં મોડું કરેલું તેવુંય બનેલું.
ટૂંકમાં કુલ મોત અને મોતની ટકાવારી બંનેને અલગથી જોવી પડે. અમેરિકા અને યુરોપમાં મોત થયાં છે તેટલા ભારતમાં નથી થયા અને ભારતની જેમ જ એશિયાના દેશોમાં પણ બહુ ઓછા મોત થયા છે. એટલે તમે પશ્ચિમ તરફ સરખામણી કરો કે પૂર્વ તરફ સરખામણી કરો તે પ્રમાણે સ્થિતિ બદલાઈ જાય.
ચેપનો ફેલાવો
ચેપનો ફેલાવો ક્યાં થયો તે જાણવા માટે ફરીથી ઓછા ચેપ હોય તે જિલ્લાનો આછો રંગ, બહુ ચેપ હોય તે જિલ્લાનો ઘાટો લાલ રંગ જુઓ. એક ભેદ સ્પષ્ટ જણાઈ આવે છે કે શહેરી, સમૃદ્ધ, ઔદ્યોગિક, પ્રદૂષિત, ગીચ અને મેટ્રો સિટીઝમાં કોરોનાનો કેર વધારે ફેલાયો છે. ગ્રામણી, પછાત, વગડાઉ, નાનાં નાનાં ગામડાંમાં ભાગ્યે જ કોરોના પહોંચ્યો છે.
બીજી બાજુ દરેક શહેરોના આંકડાં ઝીણવટપૂર્વક જુઓ તો સ્થિતિ ફરીથી પેલી જ આવીને પહોંચે છે કે કોઈ પણ આફતમાં મરો ગરીબો અને વંચિતોનો જ થાય છે. અમદાવાદ અને સુરતના વધુ ગીચ, કામદાર વર્ગ વધારે ધરાવતા વિસ્તારોમાં ચેપ ઝડપથી ફેલાયો છે. સમૃદ્ધ અને બંગલા સાથેની ખુલ્લી જગ્યાની સોસાયટીઓમાં માપસર જ ચેપ ફેલાયો છે. એટલે સમગ્ર નકશો જોઈને થાય કે ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ધરાવતા સુખી શહેરોમાં જ ચેપ છે, જ્યારે અવગડો વચ્ચે પણ કુદરતાના ખોળે રહેતા દુખી ગરીબો અને આદિવાસીઓને કોઈ ચેપ લાગ્યો નથી.
શહેર દુખી કરું, પણ શહેરના સુખી લોકો નહિ, ગામડું સુખી ખરું, પણ ગરીબો, મજૂરો, કામદારો એવા ને એવા દુખી. કોરોના વચ્ચે તમે ઘરે બેસીને આરામ કરો એ પણ અવસર છે, અને સંયોગે ચેપ લાગી ગયો તો હેરાન થવાનો અવસાદ પણ છે. કોરોના સંકટને જોવાની દૃષ્ટિ જીવનને જોવાના અભિગમ જેવી જ છે. કુદરતી આપત્તિ કે કોઈ પણ આપત્તિમાં મોટા ભાગે એવું બનતું હોય છે કે માણસની અસલી વૃત્તિ પ્રબળ થઈને પ્રગટ થતી હોય છે – સદવૃત્તિ પણ પ્રબળ બને અને કેટલાકની બદવૃત્તિ પણ પ્રબળ બને. મૂળભૂત રીતે જીવનને કે સંકટને કે આંકડાંને જોવાની રીતની બધી રામાયણ છે, બાકી તો સ્થિતિ જેવી છે, તેવી જ છે.